આજે અમેરિકાનાં કુકિંગ વર્લ્ડમાં સૌથી ચર્ચાતું નામ હોય તો તે છે કે કાયરન ટોમલિન્સનનું. 40 કાયરન ટોમલિન્સનની 2025ની જેમ્સ બીયર્ડ એવોર્ડમાં બેસ્ટ શેફ મિડવેસ્ટ તરીકે પસંદગી થઇ છે, આ એવોર્ડ અમેરિકામાં કોઇ પણ શેફ માટે ઓસ્કર જીતવા જેવો છે. જોકે આ સ્થાને પહોંચવાનું તેના માટે સરળ નહોતું. કોરોના મહામારી દરમિયાન રેસ્ટોરાં એક પછી એક બંધ થઈ રહ્યાં હતાં ત્યારે કાયરને પૈસા ઉધાર લઈ મિરિયલ નામની નાની રેસ્ટોરાં ઓપન કરી હતી.
આ રેસ્ટોરાં માત્ર ખાણીપીણીનું સ્થળ નથી, પરંતુ સંસ્કૃતિ, સ્મૃતિ અને પરંપરાનો જીવંત દસ્તાવેજ છે. આ સફરની સૌથી મોટી પ્રેરણા તેના નાનીમાનું રસોડું અને વારસો હતો જેણે તેના ભોજનને ઓળખ આપી અને તેને અમેરિકાના ટોચના શેફની હરોળમાં લાવી દીધી. કાયરનનાં નાનીમા ખેડૂત હતાં. તેમનો સ્વભાવ સરળ હતો. બરફમાં પણ ખુલ્લા પગે ચાલતા અને પરિવાર અને મહેમાનો તેમના બનાવેલી વાનગીઓથી મંત્રમુગ્ધ થઈ જતા. કાયરન આધુનિક ટેક્નિકો સાથે તેની થાળીમાં તે જ સ્વાદ લાવ્યા. મિરિયલ માત્ર એક રેસ્ટોરાં નહીં પરંતુ એક કોમ્યુનિટી પ્લેસ બની ગયું છે. અહીંના લોકો ફક્ત તેમના ભોજનથી સંતુષ્ટ નથી પરંતુ ખેતર, તેમના બાળપણ અને રસોડામાં છુપાયેલા ઇતિહાસ સાથે જોડાણ પણ અનુભવે છે.
કાયરન શેફ તો ઘણા સમય પૂર્વે જ બની જ ગઇ હતી, પરંતુ પછી જ્યારે તેણે મેગ્નસ નિલ્સનના બે મિશેલિન સ્ટાર રેસ્ટોરાં ફેવિકેનમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તેને આકરાં ધોરણોને અનુરૂપ થવાં ફરી નવેસરથી બધું શીખવાની ફરજ પાડી. જોકે તેણે હાર ન માની. પિતા અને કેટલાક નજીકના લોકોની સલાહથી તેણે શીખ્યું કે જેઓ જાણતા નથી તેઓ પણ શીખી શકે છે. કાયરને સાબિત કર્યું કે જો જુસ્સો, વારસો અને ઈનોવેશનું મિશ્રણ હોય તો કોઈપણ સફળ થઈ શકે છે.
આજે કાયરનનાં રેસ્ટોરાંમાં પીરસાતી દરેક વાનગી એક સ્ટોરી છે. ઉદાહરણ તરીકે તેની ગોલ્ડન ક્રસ્ટ પાઈ નાનીમાના હાથથી ચાલતા પેસ્ટ્રી કટરથી બનાવવામાં આવે છે. તે ચર્ચના પોટલક્સ પ્રોગ્રામની યાદ અપાવે છે જ્યાં નાનામાની પાઈ સૌથી પહેલા ખતમ થઈ જતી હતી. તેના ફર્મેન્ટેડ બીટ તેના પોતાના બગીચામાં ઉગાડવામાં આવે છે, જેની સંભાળ લેવાનું તે બાળપણમાં નાનીમા સાથે રહીને શીખી હતી. સોર્ઘમ પોરિજ નામની ડિશ મહેનતુ ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરે છે. તે લોકલ ફાર્મિંગનો સ્વાદ મેનુમાં લાવવા માટે તેની વાનગીઓમાં રોમાનો બીન્સ અને વાઇલ્ડ કેરટ જેવા અવગણવામાં આવેલા ખાદ્યપદાર્થોનો પણ ઉપયોગ કરે છે.