ઉનાળામાં સૂર્યના તેજ અને જલદ કિરણો ત્વચાને નિસ્તેજ અને અસમાન બનાવે છે. આકરો તાપ ત્વચા માટે અનેક સમસ્યા લઇને આવતો હોય છે, અને તેમાં પણ સૌથી ચિંતાજનક સમસ્યા હોય છે સન ટેનની. જોકે તમે યોગ્ય ઉપાય કરીને તમારી ત્વચાને સન ટેનથી બચાવી શકો છો.
• સન ટેન શું હોય છે?
જ્યારે ત્વચા સુર્યના યુવી (અલ્ટ્રા વાયોલેટ) કિરણોના સંપર્કમાં આવે છે ત્યારે ત્વચા પોતાને બચાવવા મેલાનિન નામનું તત્ત્વ વધુ બનાવવા લાગે છે, જે ત્વચાના રંગ બદલાવા માટે જવાબદાર હોય છે. મેલાનિન શરીરના એ ભાગને સૌથી વધુ અસર કરે છે જે તડકામાં લાંબો સમય ખુલ્લો રહે. આથી જ હાથ ઉપર તેની અસર વધુ દેખાય છે.
ઘણી વાર સન બર્નને લીધે ચામડીમાં બળતરાનો અનુભવ પણ થાય છે. બીજું કે તેને લીધે આગળ જતાં ત્વચા પર કરચલીઓ જલ્દી પડવા લાગે છે, ડાઘ થવા લાગે છે. એટલું જ નહીં, ત્વચા સંબંધી બિમારી પણ થઈ શકે. આથી, સન ટેનની સમસ્યાને ક્યારે હળવાશથી ન લેવી. યોગ્ય સમયે યોગ્ય ઉપાયથી આ સમસ્યાથી બચી શકાય છે.
અજમાવી જૂઓ આ ઉપાય
1) એલોવેરા જેલ: એલોવેરા જેલમાં ઠંડક આપતા અને ખરાબ ચામડીને રીપેર કરવાના ગુણો હોય છે. તે તડકાથી પહોંચતી ક્ષતિને દૂર કરે છે. તાજી એલોવેરા જેલને ઊંઘતા પહેલા ત્વચા પર લગાવીને આખી રાત રહેવા દો. એલોવેરા જેલનો નિયમિત ઉપયોગ ચામડી પર રક્ષણનું એક લેયર બનાવશે.
2) દહીં-હળદરઃ દહીંમાં હાજર લેક્ટિક એસિડ ત્વચાને ચમકદાર બનાવે છે. આ જ રીતે હળદર ત્વચા માટે ગુણકારી છે. એક ચમચી દહીંમાં ચપટી હળદર મિક્સ કરી પેસ્ટને ત્વચા પર લગાવો. 20 મિનિટ રહેવા દઈ ઠંડાં પાણી વડે ધોઈ લો.
3) ટામેટાં-દહીં: ટામેટાંમાંનું એન્ટિ ઓક્સિડન્ટ પિગમેન્ટેશનનું કામ કરે છે. જ્યારે દહીં ત્વચાને પોષણ આપીને મુલાયમ બનાવે છે. એક ટામેટું ક્રશ કરી તેમાં એક ચમચી દહીં મિક્સ કરો. આ પેસ્ટને પ્રભાવિત એરિયામાં લગાવો. એક અઠવાડિયામાં ફરક દેખાવા લાગશે.
4) ગુલાબજળ-બેસનઃ ચણાનો લોટ પ્રાકૃતિક સ્ક્રબ છે આ વાત ભારતીયોથી ક્યાં અજાણી છે?! આપણામાંના ઘણાએ બાળપણમાં ચણાનો લોટ અને મલાઇનું મિશ્રણ ચહેરા પર લગાવ્યું હશે. ચણાના લોટમાં ગુલાબજળ મિક્સ કરી અઠવાડિયે એક વખત લગાવો. સુકાય જાય એટલે થોડું સ્ક્રબ કરી ઠંડાં પાણી વડે ચહેરો સાફ કરી લો.
આ વાતનું અચૂક ધ્યાન રાખશો
• ઘરથી બહાર નીકળતા પહેલા SPF-30 ધરાવતું સનસ્ક્રીન લગાવો.
• જો તડકામાં વધુ સમયથી ફરો છો અને પરસેવો આવી રહ્યો છે કે પછી તમે સ્વિમિંગ કરી રહ્યા છો તો બે કલાક પછી ફરી સનસ્ક્રીન લગાવો.
• સવારના 10થી સાંજના 4 સુધી સૂર્યના કિરણો વધુ જલદ હોય છે. બને ત્યાં સુધી આ સમયગાળામાં બહાર નીકળવાનું ટાળવું.
• નિયમિત રૂપે ત્વચાની સફાઈ અને અહીં જણાવેલા ઉપાયો કરવાથી ઉનાળામાં તમને સન ટેનની સમસ્યા નહીં થાય અને ત્વચાનો રંગ એકસમાન બની રહેશે.