વોશિંગ્ટનઃ દિગ્ગજ ટેનિસ પ્લેયર વિનસ વિલિયમ્સની કોર્ટ પર અને બહાર સિદ્ધિઓને સેલિબ્રેટ કરવા માટે બાર્બીએ એક નવી ડોલ લોન્ચ કરી છે. મેટલ કંપનીની ‘ઇન્સ્પાયરિંગ વુમન’ શ્રેણીનો એક ભાગ એવી આ બાર્બી ડોલ 2007માં વિમ્બલ્ડન ટેનિસ ટૂર્નામેન્ટ જીતનારી વિનસ વિલિયમ્સના આઇકોનિક લૂકની યાદ તાજી કરાવી દે છે. આ ચેમ્પિયનશિપ તેના સાત ગ્રાન્ડ સ્લેમ ટાઇટલમાંથી પાંચમી હતી. અત્યાર સુધીમાં બાર્બી દ્વારા અનેક જાણીતી હસ્તીઓની બાર્બી ડોલ બનાવીને માર્કેટમાં મૂકાઇ છે તેમાં વધુ એક નામનો ઉમેરો થયો છે.
વિનસે 2007માં વિમ્બલ્ડન ચેમ્પિયન બનતી વેળા જે પોશાક પહેર્યો હતો એ જ પોશાકની નવી બાર્બી ડોલ છે. 2007માં પહેલીવાર મહિલાઓને ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટમાં પુરુષો જેટલી ઇનામી રકમ મળી હતી. આમ વિનસ વિમ્બલ્ડનમાં સમાન પ્રાઇઝ મની મેળવનાર પહેલી મહિલા ખેલાડી પણ છે. આ બાર્બી ડોલમાં વિનસ સફેદ રંગના પોશાકમાં છે, તો તેના ગળામાં લીલા રત્નનો હાર, રેકેટ સાથે કાંડા પર બેન્ડ અને હાથમાં ટેનિસ બોલ જોવા મળે છે.