ઠંડા ઠંડા કુલ કુલ રેકોર્ડ...!

ચીલીની સ્વિમરનો એન્ટાર્કટિકામાં 1.5 માઇલ સ્વિમિંગ કરવાનો અનોખો રેકોર્ડ

Saturday 04th March 2023 07:04 EST
 
 

તમને કોઇ કાતિલ ઠંડીમાં સ્વિમિંગ પુલમાં ઝંપલાવીને સ્વિમિંગ કરવાનું કહે તો સાંભળીને પણ શરીરમાંથી કેવું લખલખું પસાર થઇ જાય?! પણ બાર્બરાની વાત અલગ છે. ચીલીની રહેવાસી એવી બાર્બરા હર્નાન્ડેઝ નામની એક હિંમતવાન સ્વિમરે એન્ટાર્કટિકાના લગભગ ફ્રીઝ થઈ ગયેલા પાણીમાં 1.5 માઇલ સ્વિમિંગ કરવાનો જબરજસ્ત રેકોર્ડ નોંધાવ્યો છે. આ સાથે જ બાર્બરા એન્ટાર્કટિકા સમુદ્રમાં ફક્ત બે ડિગ્રી સેલ્સિયસના તાપમાનવાળા વિસ્તારમાં 1.5 માઇલ સ્વિમિંગ કરનારી વિશ્વની પ્રથમ મહિલા બની છે. 37 વર્ષીય મહિલાએ 45 મિનિટ અને 30 સેકન્ડ સુધી તરીને આ સિદ્ધિ નોંધાવી હતી. આ માટે તેણે કોઇ પ્રોટેક્ટિવ ગિયરનો ઉપયોગ કર્યો નહોતો. તેણે સામાન્ય કહી શકાય તેવો સ્વિમ સુટ પહેર્યો હતો, ગોગલ્સ પહેર્યા હતા, સ્વિમિંગ કેપ પહેરી હતી અને ઇયર પ્લગ પહેર્યા હતા. બાર્બરા કહે છે કે તમારો સૌથી મોટો હરીફ હોય તો તે ડર છે, બીજા સ્પર્ધકો નહીં. નિષ્ફળતાનો ડર, મારામાં જે લોકોએ વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસ નિષ્ફળ જવાનો ડર આ બધાએ મને વિપરીતમાંથી વિપરીત સ્થિતિમાંથી બહાર નીકળવામાં મદદ કરી છે.
બાર્બરાએ ચીલીના નૌકાદળના શીપમાં બેસીને એન્ટાર્ટિકાની સીમામાં પ્રવેશ્યા પછી સમુદ્રમાં ઝંપલાવ્યું હતું. લગભગ 25 ફૂટબોલ મેદાન જેટલું હું તરી હોઈશ એમ તેમણે જણાવ્યું હતું. તેણે કબૂલ્યું હતું કે એન્ટાર્કટિકામાં સ્વિમિંગ કરવું અત્યંત કપરું છે. પહેલો માઇલ પૂરો કર્યા પછી તો મને લાગ્યું કે હું આગળ ખાસ તરી શકીશ નહીં, કારણ કે મારો હાથ ભારેને ભારે થતો જતો હતો. પણ મેં તેના પર ધ્યાન ન આપી તરવાનું ચાલુ જ રાખ્યું.
જોકે સ્વિમિંગ પૂરું થયા બાદ બાર્બરાને તરત જ શિપ પરના ક્લિનિકમાં લઈ જવાઈ હતી, જ્યાં ડોક્ટરોએ મેડિકલ ચેકઅપ કર્યું હતું. તેનું બોડી ટેમ્પરેચર ઘણું નીચું હોવા છતાં પણ તેણે ચેતના ગુમાવી ન હતી. આ રેકોર્ડને ઇન્ટરનેશનલ વિન્ટર સ્વિમિંગ એસોસિયેશને તો માન્યતા આપી દીધી છે, હવે બાર્બરાને આશા છે કે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ પણ તેને ટૂંક સમયમાં સર્ટિફિકેટ આપશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter