પંજાબ દી કુડી મિસ યુનિવર્સઃ ગામડાંમાં જોયેલું સપનું સાકાર થયું ઇઝરાયલમાં

Wednesday 15th December 2021 06:11 EST
 
 

એલાત (ઇઝરાયલ)ઃ ચંદીગઢમાં ૩ માર્ચ, ૨૦૦૦માં જન્મેલી હરનાઝ કૌર સંધુએ મિસ યુનિવર્સનો તાજ મેળવીને ઈતિહાસ રચ્યો છે. ભારત માટે છેલ્લે ૨૧ વર્ષ પહેલાં લારા દત્તાએ મિસ યુનિવર્સનો તાજ પહેર્યો હતો. લારા દત્તાએ જે વર્ષે મિસ યુનિવર્સનો તાજ પહેર્યો એ જ વર્ષે હરનાઝનો જન્મ થયો હતો. ઈઝરાયેલમાં યોજાયેલી સ્પર્ધામાં વિશ્વની ૮૦ જેટલી સુંદરીઓએ ભાગ લીધો હતો.
એ તમામને પાછળ મૂકીને હરનાઝે આ પ્રતિષ્ઠિત તાજ હાંસલ કર્યો હતો. હરનાઝે ત્રણ કલાક ચાલેલી લાઈવ સ્પર્ધામાં તમામ વિભાગમાં શાનદાર દેખાવ કર્યો હતો. નેશનલ કોસ્ચ્યુમ, ઈવનિંગ ગાઉન, ઈન્ટરવ્યૂ અને સ્વીમવેર રાઉન્ડમાં હરનાઝે તમામ સુંદરીને પાછળ રાખી હતી. સેમિ ફાઈનલમાં પહોંચવા તેની ફેવરમાં સૌથી વધુ વોટિંગ થયું હતું. અત્યાર સુધી દુનિયાની સૌથી મોટી બ્યુટી પેજન્ટમાં ભારતને નવ વાર સફળતા મળી ચૂકી છે. ભારતે અત્યાર સુધી ત્રણ વાર મિસ યુનિવર્સ તો છ વાર મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો છે.
મિસ-યુનિવર્સની ૭૦મી સ્પર્ધા આ વર્ષે ઇઝરાયલનાં એલાતમાં યોજાઈ હતી. હરનાઝ પબ્લિક એડમિનીસ્ટ્રેશન વિષયમાં અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરી રહી છે. તેને આ વર્ષનો મિસ-યુનિવર્સનો તાજ ૨૦૨૦માં મિસ યુનિવર્સનો તાજ જીતનારી મેક્સિકોની આંદ્રીયા મેઝાએ પહેરાવ્યો હતો. પેરુની નાદિયા ફરીરા દ્વિતીય ક્રમે રહી હતી જ્યારે સાઉથ આફ્રિકાની લાલેલા મેસ્વાને ત્રીજા ક્રમે હતી. તાજ પહેર્યા પછી હરનાઝે કહ્યું હતું કે ‘હું આ માટે ભગવાન, મારાં માતા-પિતાની આભારી છું. તેમજ મિસ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશને મને આપેલાં માર્ગદર્શન તથા પ્રોત્સાહન માટે તેમની પણ આભારી છું.’ વિજેતા બન્યા પછી ભારતીય પરંપરા પ્રમાણે હાથ જોડીને હરનાઝે સૌનું અભિવાદન ઝીલ્યું હતું.
હરનાઝ કૌર જજ બનવા માગતી હતી
હરનાઝ કૌર સંધુના પિતા પરમજીત સંધુ પ્રોપર્ટી ડીલર છે. માતા રવીન્દ્ર કૌર સંધુ એક પ્રાઈવેટ હોસ્પિટલમાં ગાઈનેક છે. હરનાઝ કૌર સંધુ બાળપણમાં ન્યાયાધીશ બનવાના સપના જોતી હતી, પરંતુ ફિલ્મોનો શોખ તેને ગ્લેમર વર્લ્ડમાં લઈ આવ્યો. હરનાઝનો પરિવાર મોહાલીના ખરડમાં મૂન પેરેડાઈઝ સોસાયટીમાં રહે છે. તેમના પિતા મૂળ ગુરદાસપુર જિલ્લાના નાનકડા ગામમાંથી શહેરમાં આવીને વસ્યા હતા.
હરનાઝની સ્પર્ધા યોજાઈ તે પહેલાં તેના પરિવારે ગુરુદ્વારામાં જઈને પ્રાર્થના કરી હતી. દીકરી સફળ થાય તે માટે માએ અખંડ પાઠ કરાવ્યા હતા. હરનાઝ મિસ વર્લ્ડ બની એ સાથે જ તેમના ઘરે મીડિયા પ્રતિનિધિઓ ઈન્ટરવ્યૂ માટે ઉમટી પડયા હતા.
તેની સોસાયટીમાં હરનાઝના સન્માનમાં સેલિબ્રેશન યોજાયું હતું. રવીન્દ્ર કૌરે કહ્યું હતું કે હરનાઝ પાછી ફરશે તે સાથે જ તેના હાથે અખંડ પાઠ કરાવાશે. માતા રવીન્દ્ર કૌરે કહ્યું હતું કે ઈવેન્ટ પૂરી થઈ પછી હરનાઝ સાથે વીડિયો કોલમાં વાત થઈ હતી.
હરનાઝને તેમણે કહ્યું હતું કે આઈ પ્રાઉડ ઓફ યુ... જવાબમાં હરનાઝે કહ્યું હતું કે તમે મને એને યોગ્ય બનાવી છે. પિતાએ કહ્યું હતું કે હરનાઝ બાળપણથી જ કોઈને કોઈ ઈનામ લાવતી હતી. તેમણે કહ્યું હતું કે શાંત રહેનારી દીકરીએ દુનિયામાં તહલકો મચાવી દીધો તેનાથી તેને ખૂબ જ ગૌરવની લાગણી થાય છે.
ઈન્ટરવ્યૂમાં પૂછાયેલો એ સવાલ...
હરનાઝને ઈન્ટરવ્યૂના રાઉન્ડમાં પૂછવામાં આવ્યું હતું કે આજની યુવાપેઢીની મહિલાઓ દબાણમાં જીવે છે. તેમને તમે શું સલાહ આપશો? જવાબમાં હરનાઝે કહ્યું હતું: આજની જનરેશન સૌથી મોટું દબાણ અનુભવે છે અને તે એ કે પોતાના પર વિશ્વાસનો અભાવ. આપણે યુનિક છીએ એ જાણવું તે આપણને વધુ વિશ્વાસ અને સુંદરતા આપે છે. બીજા સાથે સરખામણી કરવાથી દૂર રહો. દુનિયામાં સૌથી મહત્વની જે ચર્ચા થતી હોય એના વિશે વાત કરો. પોતાના માટે અવાજ ઉઠાવો. તમે જ તમારા નેતા છો.
૧૧૭૦ હીરા જડેલો રૂ. ૩૭ કરોડનો તાજ
હરનાઝને મિસ યુનિવર્સનો જે તાજ પહેરાવાયો હતો જેમાં ૧૧૭૦ હીરા જડયા હતા. તેની અંદાજિત કિંમત લગભગ ૩૭ કરોડ રૂપિયાની આંકવામાં આવી છે. સમયાંતરે મિસ યુનિવર્સનો તાજ બદલાય જાય છે. ૨૦૧૯માં મિસ યુનિવર્સ ઓર્ગેનાઈઝેશને નવો તાજ તૈયાર કરાવ્યો હતો. આ તાજ પ્રકૃતિ, શક્તિ, ખૂબસૂરતી, એકતા, નારીત્વનું પ્રતીક છે.
નેશનલ કોસ્ચ્યુમ આગવી ઓળખ
નેશનલ કોસ્ચ્યુમમાં જે તે દેશની ઓળખ મુજબનો પોશાક પહેરવાનો હોય છે. એમાં હરનાઝે મહારાણીનો પોશાક પહેર્યો હતો. રોયલ અંદાજમાં હરનાઝે સ્ટેજ ઉપર વોક કરીને સૌના દિલ જીત્યા હતા. ગુલાબી રંગના એ પોશાકમાં હરનાઝ બેહદ સુંદર લાગતી હતી. એ પોશાક સાથે હરનાઝે ગુલાબી રંગની રોયલ છત્રી હાથમાં રાખી હતી.
શાનદાર ઈવનિંગ ગાઉન
ઈવનિંગ ગાઉન રાઉન્ડમાં હરનાઝે ખૂબસૂરત ગોલ્ડન-મરૂન ગાઉન પહેર્યું હતું. હાફ ફ્રન્ટ ઓપન ગાઉન પહેરીને હરનાઝ સંધુએ રેમ્પ પર વોક કર્યું હતું. એ રાઉન્ડમાં પણ તે હરીફ સ્પર્ધકો ઉપર ભારે પડી હતી.
સ્વીમવેર કોસ્ચ્યુમ
સ્વીમવેર કોસ્ચ્યુમમાં હરનાઝ સ્ટેજ ઉપર છવાઈ ગઈ હતી. રેડ રંગના સ્વિમિંગ વેરમાં તેના કોન્ફિડન્સની પ્રશંસા થઈ હતી. છેલ્લાં રાઉન્ડમાં સિલ્વર રંગનો કોસ્ચ્યુમ પહેર્યો હતો. આ તમામ રાઉન્ડમાં તેનો કોન્ફિડન્સ ખૂબ જ કાબિલેદાદ રહ્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter