બાંધવગઢમાં માતા 20 મિનિટ વાઘ સામે લડીઃ 15 મહિનાના દીકરાને છોડાવ્યો!

Thursday 15th September 2022 06:27 EDT
 
 

ઉમરિયા: મા તે મા બીજા બધા વગડાના વા કંઇ અમસ્તું નથી કહેવાયું. મધ્યમ પ્રદેશના બાંધવગઢ ટાઈગર રિઝર્વમાં એક માતા તેના 15 મહિનાના બાળકને બચાવવા માટે વાઘ સાથે લડી હતી. વાઘના નખ મહિલાનાં ફેફસાં સુધી ઘૂસી ગયા હતા પણ તેણે હિમ્મત હારી નહોતી. તે 20 મિનિટ સુધી લડતી રહી અને વાઘનાં જડબાંમાંથી દીકરાને છોડાવી લાવી. મહિલાની સ્થિતિ ગંભીર હોવાને કારણે તેને જબલપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ ઘટના રોહનિયા ગામની છે.
માનપુર બફર ઝોન નજીક જ્વાળામુખી વસતીમાં રહેતા ભોલા ચૌધરીની પત્ની અર્ચના ગયા રવિવારે સવારે લગભગ 10 વાગ્યે તેના દીકરા રાજવીરને નજીકના વાડામાં શૌચ કરવા માટે લઈ ગઇ હતી. આ દરમિયાન ઝાડીઓમાં છુપાયેલો વાઘ લાકડાં અને કાંટાની વાડને કૂદીને અંદર આવ્યો અને બાળકને જડબાંમાં પકડી લીધો હતો. વાઘને જોઇને ડરી જવાના બદલે અર્ચનાએ દીકરાને બચાવવા માટે તેની સાથે બાથ ભીડી. આ દરમિયાન વાઘના નખ તેનાં ફેફસાં સુધી ઘૂસી ગયા હતા પણ તે લડતી રહી.
આશરે 20 મિનિટ સુધી સંઘર્ષ કર્યો. આ દરમિયાન હો-ગોકીરો થતાં વસતીના લોકો લાકડીઓ લઈને આવી પહોંચ્યા અને વાઘ જંગલ તરફ નાસી ગયો હતો. માતા-પુત્રને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં સારવાર અપાયા બાદ હોસ્પિટલ ખસેડાયા હતા.
મહિલાને ગળામાં ગંભીર ઇજા પહોંચી હોવાના અહેવાલ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter