બ્રિટીશ શીખ આર્મી ઓફિસર હરપ્રીત ચાંડીએ સર કર્યો સાઉથ પોલ

Wednesday 05th January 2022 04:35 EST
 
 

લંડનઃ ભારતવંશી બ્રિટીશ યુવતી હરપ્રીત ચાંડીએ એકલપંડે સાઉથ પોલ (દક્ષિણ ધ્રુવ) પર પહોંચીને નવો ઈતિહાસ રચ્યો છે. હરપ્રીત કોઈની પણ મદદ વગર સાઉથ પોલ ફતેહ કરનારાં પ્રથમ મહિલા બની ગયા છે. ૩૨ વર્ષીય બ્રિટીશ શીખ આર્મી ઓફિસર અને ફિઝિયોથેરપિસ્ટ પોલર પ્રીત (Polar Preet)ના નામથી પણ ઓળખ ધરાવે છે. હરપ્રીતે હાડ થીજવી નાંખતી અસહ્ય ઠંડી વચ્ચે આર્કટિક સુધીની આશરે ૭૦૦ માઈલ એટલે કે ૧૧૦૦ કિમીની યાત્રા એકલા જ પૂરી કરી છે. આ અંગે હરપ્રીતે તેના બ્લોગમાં માહિતી આપી છે. તેણે આ યાત્રા પૂરી કરવામાં ફક્ત ૪૦ દિવસનો સમય લીધો હતો.
હરપ્રીતે ૨૪ નવેમ્બર ૨૦૨૧ના રોજ આ દુર્ગમ પ્રવાસની શરૂઆત કરી હતી. તેમને યુનિયન ગ્લેશિયર પર સ્ટાર્ટીંગ પોઇન્ટ પર ઉતારવામાં આવ્યા હતાં. ૩૯મા દિવસે તેમણે લખ્યું કે હવે હું સાઉથ પોલથી ફક્ત ૧૫ નોટિકલ માઈલ (૨૭.૭૮ કિમી) જ દૂર છું. અહીં પ્રતિ કલાક ૭૦ માઈલ એટલે કે ૧૧૩ કિમી પ્રતિ કલાકની ઝડપે ખૂબ જ ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે અને માઈનસ ૪૫ ડિગ્રી તાપમાન છે. હરપ્રીતે તેમના બ્લોગમાં લખ્યું કે ‘હું દક્ષિણ ધ્રુવ પર પહોંચી ગઈ છું, જ્યાં ફક્ત બરફ જ બરફ છે. હું અહીં અત્યારે ઘણીબધી ભાવનાનો અહેસાસ કરી રહ્યો છું. ત્રણ વર્ષ અગાઉ હું સાઉથ પોલ વિશે કોઈ માહિતી ધરાવતી ન હતી, પણ છેવટે હું અહીં છું તે મને એક સપના જેવું લાગે છે. અહીં સુધી પહોંચવું ખૂબ જ મુશ્કેલ હતું.’
ભાંગડા-પંજાબી ગીતોએ સફર આસાન બનાવી
હરપ્રીત દરરોજ ૧૧ કલાકની સફર કરતા હતા અને માર્ગમાં ભાંગડા ઉપરાંત પંજાબી ગીતો સફરને આનંદદાયક બનાવતા હતા. આ સફર એટલી સરળ ન હતી. હરપ્રીત માર્ગમાં ખૂબ જ તાવ અને બેચેની તથા ડાયેરિયાનો પણ ભોગ બન્યા હતા. ​​​​​​​
​​​​​હરપ્રીતે કહ્યું કે હું ઈચ્છું છું કે લોકો પોતાની સીમાઓથી આગળ વધે અને પોતાની જાતમાં વિશ્વાસ રાખે. મને અનેક વખત કહેવામાં આવ્યું છે કે ‘નોર્મલ (સામાન્ય) કામ કરો, પણ આપણે આપણું નોર્મલ જાતે જ બનાવી છીએ. તમે જે પણ ઈચ્છો છો તેના માટે તમે સક્ષમ છો. તેનાથી ખાસ ફર્ક પડતો નથી કે તમે ક્યાંથી આવો છો અથવા તમારી શરૂઆત ક્યાંથી થઈ છે. કોઈ પણ વ્યક્તિ ક્યાંકને ક્યાંકથી તો શરૂઆત કરે જ છે.’​​​​​​​
​​​​​​​​૧૯ વર્ષની ઉંમરે લશ્કરમાં
હરપ્રીત ૧૯ વર્ષની ઉંમરે લશ્કરમાં જોડાયા હતા અને પાંચ વર્ષ અગાઉ રેગ્યુલર આર્મી સાથે સાઈન અપ કરી હતી. તેઓ ક્લિનિકલ ટ્રેનિંગ ઓફિસર તરીકે કામગીરી કરે છે. સાઉથ પોલની મુશ્કેલ યાત્રા શરૂ કરી તે અગાઉ તેમણે ૨૭ દિવસ સુધી ગ્રીનલેન્ડમાં આઈસ કેપ પર તાલીમ લીધી હતી.​​​​​​​ હરપ્રીતે તેમની પ્રથમ બ્લોગ તેમના દાદાને સમર્પિત કરી હતી.
તેમણે લખ્યું હતું કે હું તે મારા બાબાજી ને સમર્પિત કરું છું, જેઓ ૯૯ વર્ષ સુધી અસાધારણ જીવન જીવ્યા છે. જ્યારે મારો જન્મ થયેલો તે સમયમાં તેઓ યુકે આવ્યા હતા અને મારો ઉછેર કર્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter