એક એવાં સ્વાતંત્ર્ય સેનાની જે આઝાદી મળ્યા બાદ કોંગ્રેસનાં મહાસચિવ બન્યાં, મહિલા અને શ્રમ વિભાગનાં મંત્રી થયાં અને જે ભારતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યાં...
જી હા... વાત સુચેતા કૃપલાણીની છે. ભારતનાં અને ઉત્તર પ્રદેશનાં પહેલાં મહિલા મુખ્યમંત્રી. સુચેતાએ ૧૯૩૯માં નોકરી છોડીને સ્વરાજની લડતમાં ઝુકાવેલું, ગાંધીજીએ ઉત્તર પ્રદેશના વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ૧૯૪૦માં તેમની પસંદગી કરેલી, ૧૯૪૨ના ભારત છોડો આંદોલન દરમિયાન ભૂગર્ભમાં ઊતરીને એમણે પ્રવૃત્તિઓ કરેલી, ૧૯૪૬માં કેન્દ્રીય વિધાનસભાનાં સદસ્ય બન્યાં, ૧૯૪૬માં જ બંધારણસભાનાં સભ્ય બન્યાં, ૧૪ ઓગસ્ટ ૧૯૪૭ના પંડિત જવાહરલાલ નેહરુના ઐતિહાસિક ભાષણ પહેલાં એમણે સુરીલા કંઠે રાષ્ટ્રગાન ગાયેલું, ૧૯૪૮માં પહેલી વાર વિધાનસભ્ય બન્યાં, ૧૯૫૨ અને ૧૯૫૭માં સંસદસભ્ય બન્યાં, લઘુ ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્યમંત્રી રહ્યાં, ૨ ઓક્ટોબર ૧૯૬૩થી ૧૩ માર્ચ ૧૯૬૭ સુધી ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી રહ્યાં અને ‘એન અનફિનિશ્ડ બાયોગ્રાફી’ નામે આત્મકથા લખી.
સુચેતા મૂળ બંગાળનાં બ્રાહ્મણ પરિવારનાં. હરિયાણાના અંબાલા ખાતે ૨૫ જૂન ૧૯૦૮ના જન્મ થયો. એક બહેન હતી સુલેખા. સુચેતા અને સુલેખા બેય અંગ્રેજોને ધિક્કારતાં. અંગ્રેજ સરકાર પ્રત્યેના તિરસ્કારને કારણે સુચેતા અને સુલેખા બેય આઝાદી આંદોલનમાં જોડાવા ઉત્સુક હતાં. સુચેતા એકવીસ વર્ષની ઉંમરે આઝાદી આંદોલનમાં કૂદી પડવા થનગનતાં હતાં. પણ ૧૯૨૯માં પિતા અને બહેનનું મૃત્યુ થયું. એટલે કૌટુંબિક જવાબદારીઓ સુચેતાને ખભે આવી પડી. સુચેતાએ બનારસ હિંદુ વિશ્વિદ્યાલયમાં અધ્યાપકની નોકરી સ્વીકારી.
બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય શિક્ષણકેન્દ્ર હોવાની સાથે સ્વાતંત્ર્ય સેનાનીઓનો ગઢ પણ હતું. આચાર્ય કૃપલાણી તરીકે જાણીતા થયેલા નેતા જીવતરામ ભગવાનદાસ કૃપલાણી સ્વતંત્રતાની લડત કાજે સ્વયંસેવકો મેળવવા અવારનવાર આવતા. આવી જ એક મુલાકાત દરમિયાન સરિતા અને સાગર મળતાં હોય એમ સુચેતા અને કૃપલાણીનો મેળાપ થયો. સ્વતંત્રતાના સમાન ઉદ્દેશને પગલે પરિચય વધ્યો.પરિણય થયો.
વર્ષ ૧૯૩૮... સુચેતાએ પોતાનાથી વીસ વર્ષ મોટા આચાર્ય કૃપલાણી સાથે લગ્નબંધનમાં બંધાયાં. મજુમદારમાંથી કૃપલાણી બન્યાં.દરમિયાન મહાત્મા ગાંધીએ બ્રિટિશ સરકારની યુદ્ધનીતિનો વિરોધ કરવા માટે ૧૯૪૦માં અહિંસાત્મક વ્યક્તિગત સત્યાગ્રહનો આરંભ કર્યો. ગાંધીજી દ્વારા પસંદ કરાયેલા સત્યાગ્રહીઓ એક એક કરીને સાર્વજનિક સ્થળોએ પહોંચીને યુદ્ધવિરોધી ભાષણ આપીને ધરપકડ વહોરશે એવું નક્કી કરાયેલું. વળી ભાષણ પહેલાં સત્યાગ્રહી પોતાના સત્યાગ્રહ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટને જાણ પણ કરશે એવો નિર્ણય લેવાયેલો. ગાંધીજીએ વિનોબા ભાવેને પ્રથમ સત્યાગ્રહી જાહેર કર્યા. ઉત્તર પ્રદેશનાં સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ સુચેતાની પસંદગી કરી. ડિસેમ્બર ૧૯૪૦માં સુચેતા ફૈજાબાદ જિલ્લામાં સત્યાગ્રહ કરવા ગયાં. પણ સત્યાગ્રહ સ્થળે પહોંચતાં પહેલાં જ સુચેતાની ધરપકડ કરવામાં આવી.
જેલમુક્ત થયા પછી સુચેતા ફરીથી રાષ્ટ્રીય આંદોલન સાથે જોડાઈ ગયાં. ઓગસ્ટ ૧૯૪૨માં મુંબઈમાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું. એમાં ‘હિન્દ છોડો’નો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો. બીજે દિવસે સવારે ગાંધીજી અને આચાર્ય કૃપલાણી સહિત અનેક કોંગ્રેસી નેતાઓની ધરપકડ કરવામાં આવી. સુચેતા ભૂગર્ભવાસમાં જતાં રહ્યાં. ભૂમિગત રેડિયો કેન્દ્ર ચલાવીને સમાચારોનું પ્રસારણ કર્યું. જોકે સરકારે રેડિયો કેન્દ્રનું ઠેકાણું શોધીને એના પર પ્રતિબંધ મૂકી દીધો.
ભૂગર્ભમાં રહીને સુચેતાએ મહિલા સ્વયંસેવિકાઓનું દળ ઊભું કર્યું. આ અરસામાં, ૧૯૪૪માં સુચેતાની ફરી ધરપકડ કરાઈ. પટણા અને લાહોર જેલનાં કેદી તરીકે સમય ગાળ્યા બાદ ૧૯૪૫માં સુચેતા કારાવાસમાંથી બહાર આવ્યાં. આઝાદી પછી રાજકારણમાં પ્રવેશ કર્યો.રાજકારણની કાજળકોટડીમાં રહીને પોતાનાં વસ્ત્રો પર છાંટા ન ઊડે એની કાળજી રાખી. સુચેતાએ ૧૯૭૧માં રાજકારણમાંથી સન્યાસ લઇ લીધો. ત્રણ વર્ષ બાદ ૧ ડિસેમ્બર ૧૯૭૪ના એમનું અવસાન થયું. પણ એમનાં દેશભક્તિભર્યા શબ્દો કાયમ વાતાવરણમાં ગુંજતા રહેશે:
“હું હનુમાન છું અને ભારત દેશ મારો રામ છે
છાતી ચીરીને જોઈ લ્યો, દિલમાં હિંદુસ્તાન છે!”