વાયોલીનવાદક મીરા પટેલઃ વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિકમાં અસાધારણ સાઉથ એશિયન તડકો

- સુભાષિની નાઈકર Wednesday 22nd May 2024 08:34 EDT
 
 

ઘણા લોકો બાળપણથી જ પ્રતિભાવાન હોય છે અને યુકેમાં બીજી પેઢીના ઈમિગ્રન્ટ મીરા પટેલ તેમાનાં એક છે. સંગીતનાં વિશ્વમાં તેમની યાત્રાનો આરંભ માત્ર 7 વર્ષની વયથી થયો હતો અને તેમણે મુખ્ય વાદ્ય તરીકે વાયોલીન પર પ્રભુત્વ હાંસલ કર્યું હતું. તેમની અસાધારણ કુશળતાની કદર કરીને પ્રતિષ્ઠિત લંડન ફિલહાર્મોનિકા ઓરકેસ્ટ્રાના જુનિયર સભ્ય તરીકે સ્થાન અપાયું ત્યારે પણ તેમની ઉંમર ઘણી નાની હતી. આ પછી, તેમણે પાછાં વળીને જોયું નથી અને વિશ્વભરના પ્રતિષ્ઠિત સ્ટેજીસ પર તેમણે અસામાન્ય કૌશલ્યનું પ્રદર્શન કરી ઓડિયન્સીસને પોતાની કળાથી મંત્રમુગ્ધ કર્યા છે. તેમણે રોયલ ફેસ્ટિવલ હોલ, ગિલ્ડ હોલ જેવાં નામાંકિત સ્થળોએ એકલ કોન્સર્ટ્સના પરફોર્મન્સીસ આપ્યાં છે. આટલું જ નહિ, તેમણે પેરિસ અને વેનિસ જેવા આંતરરાષ્ટ્રીય શહેરોમાં પરફોર્મ કરીને નામના પ્રાપ્ત કરી છે.
મીરા પટેલે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને આપેલી વિશેષ મુલાકાતમાં તેમના વાયોલીન પરફોર્મન્સીસમાં સાઉથ એશિયન સંસ્કૃતિનાં તત્વોને સામેલ કરવા, કોકલીઅર ઈમ્પ્લાન્ટેડ ચિલ્ડ્રન સપોર્ટ ચેરિટી (CICS)ને સમર્થન આપવા પાછળનું પ્રેરકબળ સહિત અનેક બાબતોની ચર્ચા કરી હતી. તેમણે વર્ષો દરમિયાન કરેલી સંગીત સાધનામાં વાયોલીન પર જે અભ્યાસ કર્યો છે તે મુખ્યત્વે વેસ્ટર્ન ક્લાસિકલ રહ્યો છે. આમ છતાં, તેઓ જે કરે છે તે ખુલ્લા દિલ અને લગાવ સાથે કરે છે. તેઓ માને છે કે સાઉથ એશિયન મ્યુઝિક અને સંસ્કૃતિ કદી કોઈ એક અર્થ સુધી મર્યાદિત ન રહેવી જોઈએ.
મીરાએ ભૂતકાળમાં અફઘાનિસ્તાનના સૌપ્રથમ માત્ર મહિલાઓના બનેલા ઓરકેસ્ટ્રા ‘ઝોહરા’એ લંડનનો પ્રવાસ ખેડ્યો ત્યારે એકસ્ટ્રા વાદક તરીકે ભારતીય મ્યુઝિક વગાડ્યું હતું. તેમણે બ્રિટિશ કમ્પોઝર, રેકોર્ડ પ્રોડ્યુસર અને તબલાવાદક કુલજિત ભામરા MBEસાથે પણ અનુભવ હાંસલ કર્યો છે. વિવિધ ખંડોના સંગીત અને પ્રકારોનો સમન્વય-ફ્યુઝન તેમજ તબલાવાદનનું રહસ્ય ખોલવાનું અને વિવિધ ઓડિયન્સીસ સમક્ષ પેશ કરવાનું તેમનું કાર્ય મીરાને ભારે પ્રેરણાદાયક લાગ્યું છે. તાજેતરમાં જ મીરા પટેલે જૂના ભારતીય ગીતોને વૃદ્ધ ભારતીય ઓડિયન્સ સમક્ષ રજૂ કરીને ભારે દાદ મેળવી હતી. આને તેઓ પોઝિટિવ અનુભવ ગણાવે છે.
મીરા યુકેમાં શ્વેત સંગીતકારોના પ્રભુત્વના સંગીતક્ષેત્રોમાં સોનામાં સગંધની માફક સાઉથ એશિયન વાયોલીનીસ્ટ તરીકે ભળી ગયાં છે. યુકેમાં સેકન્ડ જનરેશન ઈમિગ્રન્ટ તરીકે મીરાને ઓળખની લાગણી બહુમુખી અને જટિલ પ્રકારની અનુભવાતી હતી.
તેમણે કદી એક બાબત કે એક સંસ્કૃતિ સાથે પોતાને બાંધી રાખવાની ભાવના કદી રાખી ન હતી. તેઓ અનેક સાઉથ એશિયન સંગીતકારોમાં એક હતાં જેઓ ઘણી વખત યુરોપિયન સંગીત અને સાઉથ એશિયન સંગીત વગાડતા હતા. તેમણે જ્યારે સૌપ્રથમ વખત વાયોલીન વગાડવાનું શરૂ કર્યું ત્યારે તેઓ જે સ્તરે પહોંચવા ઈચ્છતા હતા તેવા ઘઉંવર્ણા ઘણા થોડા લોકો તેમની આસપાસ હતા. જોકે, સાઉથ એશિયન વાયોલીનવાદકો ઉચ્ચ સ્તરનું સંગીત વગાડતા ન હતા તેમ ન હતું. વૈવિધ્યપૂર્ણ પશ્ચાદભૂ આવકાર્ય ન હતી. વંશીય રીતે શ્વેત કે યુરોપિયન જેવી ચોક્કસ પશ્ચાદભૂના લોકો માટે જે કરવું શક્ય હતું ત્યારે બહારથી આવનારા વાયોલીન પર ઉચ્ચ સ્તરે પહોંચી સફળતા પ્રાપ્ત કરે તેવો ખ્યાલ પ્રવર્તતો ન હતો.
ઓક્સફર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થી તરીકે વેસ્ટર્ન ક્લાસિકલ પરંપરાઓ પર ભારે કેન્દ્રિત રહેતા સંગીત સમૂહમાં એક માત્ર સાઉથ એશિયન હોવાના પડકારોનો સામનો કરવો પડ્યો હતો. વૈવિધ્યતાને સુધારવાના પ્રયત્નો છતાં, મીરાને લાગતું કે અભ્યાસક્રમ અને ખાસ કરીને ઓરકેસ્ટ્રા અને ફરજિયાત મોડ્યુલ્સમાં મુખ્યત્વે વેસ્ટર્ન ક્લાસિકલ સંગીત તરફ વધુ પક્ષપાતી રહેતું હતું.
મીરાની બે નાની જોડકાં બહેનો રીઆ અને કારિસ્સા જન્મથી જ બધિર છે. મીરાની માતાએ વેળાસર આ અક્ષમતાની નોંધ લીધી અને નવી યાત્રાનો આરંભ થયો. કારિસ્સાને કોકલીઅર ઈમ્પ્લાન્ટ માટે સર્જરી કરાવવી પડી જ્યારે રીઆને હીઅરિંગ એઈડ્સ ફીટ કરવામાં આવ્યા હતા. બધિર તેમજ સાંભળી શકે તેવા બંને વિશ્વના અનુભવો સાથે ઉછરેલી તેમની બંને બહેનોએ અવરોધોમાંથી પાર ઉતરીને પ્રેરણા આપી છે. પેરન્ટ્સ દ્વારા સંચાલિત નાની સંસ્થા CICS (કોકલીઅર ઈમ્પ્લાન્ટેડ ચિલ્ડ્રન સપોર્ટ ચેરિટી) દ્વારા મીરાના પરિવારને શરૂઆતથી જ અમૂલ્ય સહારો મળ્યો હતો અને તેઓ અન્ય બધિર બાળકો સાથેના પરિવારોને મદદરૂપ બની રહ્યા છે. આના પરિણામે, મીરાને CICSને સપોર્ટ કરવાની પ્રેરણા પ્રાપ્ત થઈ હતી. મીરાએ તેમના ઓક્સફર્ડના વર્ષો દરમિયાન બધિરતા વિશે જાગરૂકતા કેળવવા કોન્સર્ટ્સના આયોજનો કર્યાં, નેશનલ ડેફ ચિલ્ડ્રન્સ સોસાયટી જેવી અન્ય ચેરિટી સાથે મળીને ફંડરેઈઝિંગ પ્રયાસો પણ હાથ ધર્યાં હતાં. મીરા ખુદ બધિર નથી પરંતુ, બધિરતાએ તેમની સાથે જ રહીને તેમના જીવનમાં મોટી ભૂમિકા ભજવી છે. આ જ રીતે સંગીતે પણ તેમના અનુભવોનાં ઘડતરમાં બહુમુખી ભૂમિકા ભજવી છે.
ભાવિ પેઢીઓના સંગીતકારો અને વિશેષતઃ વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક પશ્ચાદભૂ ધરાવતા ભાવિ સંગીતકારોને તેઓ એક જ સલાહ આપવા ઈચ્છે છે કે તમારું જીવન તમને ગમે ત્યાં લઈ જાય પરંતુ, સંગીતમાંથી હંમેશાં કશું શીખવા મળે જ છે. વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક પશ્ચાદભૂ ધરાવતા ભાવિ સંગીતકારોની વાત હોય તો, તમારી વૈવિધ્યતા તમારી તાકાત છે અને તમને વિશિષ્ટ સમજ આપે છે, બંધિયારપણાથી જે અવરોધો કે નિયંત્રણો આવી જાય તેનાથી મુક્તિ આપે છે. યુવા પેઢીઓ અને ખાસ કરીને યુકેના હોય તેમના માટે કદાચ સાંસ્કૃતિક ઓળખ મિશ્ર બની રહે અને તમારે વિવિધ પ્રકારના સાંસ્કૃતિક અનુભવોનો સામનો કરવાનો આવે તેનાથી તમે ખુલ્લા દિલના બની શકશો. આ પણ તમારી તાકાત છે કારણકે વિવિધ પશ્ચાદભૂના ઘણા લોકો સાથે સંગીતવિશ્વમાં એકાકાર બની રહેવાની ક્ષમતા સર્જાય છે અને તેમની વિરાસતની સમૃદ્ધિનો લાભ પણ મેળવી શકાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter