વિશ્વ અન્ડર-૨૦ એથલેટિક્સ ચેમ્પિયનશિપ જીતનારી પ્રથમ : હિમા દાસ

પ્રથમ ભારતીય નારી

- ટીના દોશી Tuesday 18th June 2024 09:22 EDT
 
 

ઢીંગ એક્સપ્રેસ અને ગોલ્ડન ગર્લ... રમતગમત જગતમાં આ હુલામણા નામ કોનાં છે એ જાણો છો ?
એથલેટિક્સના જાણકાર તરત જ આ સવાલનો જવાબ વાળશે : હિમા દાસ...ભારતીય દોડવીર. વિશ્વ અન્ડર-૨૦ એથલેટિક્સ ચેમ્પિયનશિપ જીતનારી પ્રથમ ભારતીય મહિલા. ફિનલેન્ડમાં આયોજિત પ્રતિયોગિતામાં ૫૧.૪૬ સેકન્ડમાં ચારસો મીટરની દોડ પૂર્ણ કરીને, સુવર્ણચંદ્રક મેળવીને દેશની આન, બાન અને શાન વધારનારી પ્રથમ ભારતીય મહિલા અને એક જ મહિનામાં પાંચ પાંચ સુવર્ણચંદ્રક મેળવનારી પ્રથમ ભારતીય ખેલાડી ...!
હિમા દાસ નાનો પણ રાઈનો દાણો હતી. ઢીંગ એક્સપ્રેસ નામ કાંઈ એમનેમ નથી મળ્યું એને. એણે મોટાં પુરસ્કારો જીત્યાં છે : એપ્રિલ ૨૦૧૮માં ગોલ્ડ કોસ્ટમાં ખેલાયેલા કોમનવેલ્થ ખેલોની ચારસો મીટરની સ્પર્ધામાં છઠ્ઠું સ્થાન પ્રાપ્ત કર્યું, ગુવાહાટીમાં યોજાયેલી આંતરરાજ્ય ચેમ્પિયનશિપમાં કાંસ્યચંદ્રક વિજેતા અને ૨૦૧૮માં જાકાર્તામાં બે દિવસમાં બીજી વાર મહિલા ચારસો મીટર દોડમાં રાષ્ટ્રીય વિક્રમ તોડીને રજતચંદ્રક મેળવ્યો. ૧૨ જુલાઈ ૨૦૧૮ના ફિનલેન્ડમાં ટાંપરેમાં આયોજિત ઈન્ટરનેશનલ એસોસિયેશન ઓફ એથલેટિક્સ ફેડરેશન-આઈએએએફ વિશ્વ અન્ડર-૨ની ચારસો મીટર દોડ પ્રતિયોગિતામાં ૫૧.૪૬ સેકન્ડમાં અંતર કાપીને સુવર્ણચંદ્રક મેળવ્યો અને ૩૦ ઓગસ્ટ ૨૦૧૮ના ઇન્ડોનેશિયાના જાકાર્તામાં આયોજિત એશિયન ગેમ્સમાં ચારસો મીટરની દોડમાં સુવર્ણચંદ્રક...
ગોલ્ડન ગર્લ હિમાની આંતરરાષ્ટ્રીય સુવર્ણચંદ્રકોની તો લાંબી યાદી છે. જુલાઈ ૨૦૧૯માં, માત્ર ઓગણીસ વર્ષની ઉંમરે એક જ મહિનામાં ગોલ્ડન ગર્લ હિમા દાસે ૨ જુલાઈથી ૨૨ જુલાઈ ૨૦૧૯ દરમિયાન યુરોપમાં યોજાયેલી દોડ સ્પર્ધાઓમાં પાંચ પાંચ સુવર્ણચંદ્રક જીતેલાં. ૨ જુલાઈ ૨૦૧૯ના પોલેન્ડમાં આયોજિત પોજનાન એથલેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સમાં બસ્સો મીટરની દોડ ૨૩.૬૫ સેકન્ડમાં પૂરી કરીને સ્પર્ધામાં સુવર્ણચંદ્રક, ૮ જુલાઈ ૨૦૧૯ના પોલેન્ડના કુત્નોમાં આયોજિત એથલેટિક્સ મીટમાં બસ્સો મીટરની દોડ ૨૩.૯૭ સેકન્ડમાં પૂરી કરીને પ્રતિયોગિતામાં સુવર્ણચંદ્રક, ૧૩ જુલાઈ ૨૦૧૯ના ચેક ગણરાજ્યના ક્લાડનોમાં આયોજિત એથલેટિક્સ મીટમાં બસ્સો મીટરની દોડ ૨૩,૪૩ સેકન્ડમાં પૂરી કરીને સુવર્ણચંદ્રક અને ૧૭ જુલાઈ ૨૦૧૯ના ચેક ગણરાજ્યના તબોરમાં યોજાયેલી એથલેટિક્સ મીટમાં બસ્સો મીટરની દોડમાં પણ સુવર્ણચંદ્રક, ૨૦ જુલાઈ ૨૦૧૯ના ચેક ગણરાજ્યના નોવે મેસ્ટોમાં આયોજિત ચારસો મીટરની દોડ ૫૨.૦૯ સેકન્ડમાં પૂરી કરીને સુવર્ણચંદ્રક ...
આ હિમા દાસનો જન્મ ૯ જાન્યુઆરી ૨૦૦૦ના રોજ આસામના નાગાંવ જિલ્લાના ઢીંગ ગામે થયેલો. માતા જોનાલી દાસ અને પિતા રણજીત દાસ. માતા ગૃહિણી છે. બાળપણથી જ હિમાનું સ્વપ્ન ખેલાડી બનવાનું હતું. શાળામાં ભણતી ત્યારે હિમા કેટલાયે પ્રકારની રમતોમાં ભાગ લેતી.
એવું કહેવાય છે કે હિમા શાળાના દિવસોમાં છોકરાઓની સાથે મળીને ફૂટબોલ ખેલતી. ફૂટબોલ રમવાને કારણે હિમાની શક્તિ અને એનું આંતરિક બળ અત્યંત વધી ગયેલાં. પરિણામ એ આવ્યું કે હિમા દોડતી ત્યારે એને ઝડપથી થાક ન લાગતો.
કહેવાય છે કે ગુરુ બિન જ્ઞાન નહીં. જવાહર નવોદય વિદ્યાલયના શારીરિક શિક્ષણના પીટી શિક્ષક શમશુલ હક હિમાના જીવનમાં ગુરુ બનીને આવ્યા. એમણે નાનકડી હિમાને સમજાવતાં કહ્યું કે, જેક ઓફ ઓલ બનવા કરતાં માસ્ટર ઓફ વન બનવું સારું. ગુરુના માર્ગદર્શનને પગલે હિમા દાસનું શિલ્પમાં પરિવર્તિત થવાનું શરૂ થયું. હિમાએ માત્ર દોડ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. એણે દોડવાની ગતિ વધારવા પર ધ્યાન આપ્યું. દોડ સાથે જોડાયેલી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું. પ્રત્યેક દોડ સાથે ગતિમાં સતત સુધાર કર્યો.
હિમાએ બેંગકોકમાં એશિયાઈ યૂથ ચેમ્પિયનશિપની બસ્સો મીટરની દોડમાં સાતમું સ્થાન પ્રાપ્ત કર્યું. ઓસ્ટ્રેલિયામાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં ચારસો મીટરની દોડમાં છઠ્ઠું સ્થાન મેળવ્યું. એ પછી વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં જીતીને સુવર્ણચંદ્રક મેળવ્યો. જુલાઈ ૨૦૧૮માં ફિનલેન્ડની વર્લ્ડ અન્ડર-૨૦ દોડ પ્રતિયોગિતામાં ચારસો મીટરની દોડ ૫૧.૪૬ સેકન્ડમાં જીતીને પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો. આ પ્રતિયોગિતા જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની. આ જીત પછી તો હિમા સો ટચનું સોનું બનીને ઝળહળી. જુલાઈ ૨૦૧૯માં એક જ મહિનામાં પાંચ પાંચ સુવર્ણચંદ્રક જીત્યા એણે.... સુવર્ણથી અલંકૃત હિમા દાસનું હુલામણું નામ ગોલ્ડન ગર્લ અને પવનવેગે દોડતી હોવાથી ઢીંગ એક્સપ્રેસ પડ્યું એમાં શું નવાઈ !


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter