વોશિંગ્ટનઃ અમેરિકી ગાયક અને અભિનેત્રી સેલેના ગોમેઝ હવે સત્તાવાર રીતે સૌથી નાની વયના બિલિયોનેર્સ પૈકીની એક બની છે. પોતાની બ્યૂટીબ્રાન્ડ ‘રેર’ને મળેલી જ્વલંત સફળતા ઉપરાંત અન્ય સાહસોને કારણે અભિનેત્રીએ આ સિદ્ધિ હાંસલ કરી છે. સેલેના વિશ્વની સૌથી લોકપ્રિય સેલિબ્રિટી પૈકીની એક છે. અભિનયની સાથોસાથ તેણે સિંગિંગ ક્ષેત્રે પણ મોટું પ્રદાન કર્યું છે. હવે તેના નામે એક નવો વિક્રમ સ્થપાઈ ચૂક્યો છે. સેલેના અંદાજે 1.૩ બિલિયન ડોલરની સંપત્તિ ધરાવે છે અને તે સંપત્તિમાં વર્ષ 2019માં લોન્ચ થયેલી રેર બ્યૂટી પ્રોડક્ટનું મોટું પ્રદાન છે. તેના કારણે સેલેના અમેરિકાના સૌથી ઓછી વયના અબજોપતિઓ પૈકીની એક બની ગઈ છે.
સેલેનાની કુલ સંપત્તિમાં તેની બ્યૂટી બ્રાન્ડનું 81.4 ટકા પ્રદાન છે. તેની સંપત્તિમાં બ્યૂટી બ્રાન્ડ ઉપરાંત તેના માનસિક આરોગ્ય સ્ટાર્ટઅપ વંડર માઈન્ડમાં રહેલી ભાગીદારી, સંગીત આલ્બમના વેચાણથી થતી આવક, રિયલ એસ્ટેટમાં કરેલા રોકાણ, બ્રાન્ડ સાથે પાર્ટનરશીપ, કોન્સર્ટ અને અભિનય થકી થતી આવકનું પણ પ્રદાન છે. સેલેના ગોમેઝ મનોરંજન વિશ્વની એક મોટી હસ્તી છે. સેલેનાએ છેલ્લે ‘રિવાઈવલ ટૂર’ નામે 2016માં સિંગલ ટૂર કરી હતી. છેલ્લે વર્ષ 2020માં તેનું આલ્બમ રિલીઝ થયું હતું. ‘ઓનલી મર્ડર્સ ઈન ધ બિલ્ડિંગ’ માટે પણ ખૂબ પ્રશંસા મેળવી ચૂકી છે.