સ્વતંત્ર ભારતનાં પ્રથમ રાજદૂત : વિજયલક્ષ્મી પંડિત

પ્રથમ ભારતીય નારી

- ટીના દોશી Wednesday 23rd August 2023 07:53 EDT
 
 

સ્વતંત્રતા સેનાની સરૂપકુમારીનું નામ સાંભળ્યું છે ?
આ સવાલનો જવાબ મુખ્યત્વે નકારમાં જ મળશે. પરંતુ આ પ્રશ્નમાં સ્વરૂપકુમારીને સ્થાને વિજયલક્ષ્મી પંડિત નામ મૂકી દેવામાં આવે તો તરત જ એમની ઓળખાણ પડશે. આપણે એમને વિજયાલક્ષ્મી પંડિત તરીકે ઓળખીએ છીએ, પણ એમનાં લેખિકા દીકરી નયનતારા સહેગલે માતાના નામનું ઉચ્ચારણ વિજયલક્ષ્મી પંડિત તરીકે કર્યું છે. વિજયલક્ષ્મી પંડિત એટલે ઉત્તર પ્રદેશના પ્રસિદ્ધ વકીલ મોતીલાલ નેહરુ અને સ્વરૂપરાણીનાં દીકરી. આવા મશહૂર પરિવારના વિજયલક્ષ્મી પંડિતનો પરિચય કૌટુંબિક પૃષ્ઠભૂમિનો મોહતાજ નહોતો. વિજયલક્ષ્મીની પોતાની આગવી ઓળખ હતી. તે એ કે વિજયલક્ષ્મી બ્રિટિશ રાજમાં પ્રથમ કેબિનેટ મંત્રી હતાં, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનાં પ્રથમ મહિલા પ્રમુખ અને મહારાષ્ટ્રનાં રાજ્યપાલ પણ હતાં. પણ એમની મુખ્ય અને મહત્વની ઓળખ એ હતી કે એ સ્વતંત્ર ભારતનાં પ્રથમ મહિલા રાજદૂત હતાં ! તેમણે મોસ્કો, લંડન અને વોશિંગ્ટનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ભારત સરકારે એમના પ્રદાનને બિરદાવવા ૧૯૬૨માં વિજયલક્ષ્મીને દ્વિતીય સર્વોચ્ચ સન્માન પદ્મવિભૂષણથી પુરસ્કૃત કર્યાં હતાં !
આ વિજયલક્ષ્મીનો જન્મ ૧૮ ઓગસ્ટ ૧૯૦૦ના રોજ થયો વિજયલક્ષ્મીનું બાળપણનું નામ માતાને નામે સરૂપકુમારી હતું. સુખીસમૃદ્ધ પારિવારિક પૃષ્ઠભૂમિને કારણે નાનકડી સરૂપનો ઉછેર રાજકુમારીની જેમ પશ્ચિમી ઢબે થયેલો. ૧૯૨૦માં, સરૂપ વીસ વર્ષનાં હતાં, ત્યારે મોતીલાલે એક યુવા એડવોકેટ રણજિત સીતારામ પંડિત સાથે તેમની ઓળખાણ કરાવી. આનંદ ભવન ખાતે જવાહરલાલ નેહરુની દીકરી ઇન્દિરાનો ત્રીજો જન્મદિવસ ઉજવવા રાખેલી પાર્ટીમાં રણજિતને મહેમાન તરીકે નિમંત્રિત કરાયેલો. ત્રીજા દિવસે રણજિતે ‘હાથમાં હાથ પકડીને જીવનસફરની વાટે ચાલવાનો’ પ્રસ્તાવ મૂક્યો, ત્યારે સરૂપે ક્ષણેક વિચાર્યા પછી પોતાનો હાથ તેની તરફ લંબાવીને કહ્યું, ‘ચાલો, આપણે હંમેશાં સાથે ચાલીએ.’
નવવધૂ સરૂપકુમારીએ રાજકોટમાં સાસરે ગૃહપ્રવેશ કર્યો ત્યારે તેને વિજયલક્ષ્મી એવું નવું નામ આપવામાં આવ્યું. સંયુક્ત પરિવારમાં એક વર્ષ રહ્યા બાદ દંપતીએ દિલ્હી સ્થળાંતર કર્યું. સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિયપણે સામેલ થવાનું શરૂ કર્યું. ત્રણ પુત્રીઓ સહિતના પરિવારની વધતી જતી જવાબદારીઓ છતાં બન્ને આઝાદી આંદોલનમાં ભાગ લેતાં. ૧૯૨૯માં જવાહરલાલ નેહરુના પ્રમુખપદે મળેલા કોંગ્રેસના લાહોર ખાતેના અધિવેશનમાં સંપૂર્ણ સ્વતંત્રતાના કોંગ્રેસના ધ્યેયનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. વિજયલક્ષ્મી રાષ્ટ્રીય ચળવળમાં વધુ સક્રિય થયાં. ૨૭ જાન્યુઆરી ૧૯૩૨ના રોજ વિજયલક્ષ્મીની ધરપકડ થઈ. એક વર્ષની કેદ અને દંડ કરાયાં. વિજયલક્ષ્મી ૧૯૩૫માં, બ્રિટિશરાજમાં ભારતનાં પ્રથમ મહિલા મંત્રી બન્યાં. ૧૯૩૭માં ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં વિધાનસભામાં ચૂંટાયાં. ગોવિંદવલ્લભ પંતના મંત્રીમંડળમાં સ્થાનિક સ્વરાજ અને જાહેર આરોગ્ય ખાતાનાં મંત્રી બન્યાં.
એ પછી, ૧૯૪૦-’૪૧માં કોંગ્રેસે વ્યક્તિગત સત્યાગ્રહની ઘોષણા કરી. વિજયલક્ષ્મી એમાં જોડાયાં. તેમની ધરપકડ કરીને ડિસેમ્બર, ૧૯૪૦માં ચાર મહિનાની સજા કરાઈ. ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા બદલ ફરી ધરપકડ અને નવ મહિના સુધી અટકાયતમાં. ૧૯૪૦થી ૧૯૪૨ સુધી ઓલ ઇન્ડિયા વિમેન્સ કોન્ફરન્સનું પ્રમુખપદ સંભાળ્યું. દરમિયાન, રણજિત પંડિતનું ૧૪ જાન્યુઆરી ૧૯૪૪ના નિધન થયું. વિજયલક્ષ્મીને ભારતીય વિધવા સ્ત્રીની દુખિયારી દશાનો કડવો અનુભવ થયો. સાસરિયાંઓનાં કહેવાથી તેમના પતિનાં બધાં જ બેન્ક એકાઉન્ટસ સ્થગિત કરી દેવામાં આવ્યાં. કારણ કે હિંદુ વિધવાઓને વારસાનો કોઈ હક્ક નહોતો. વિજયલક્ષ્મીને પ્રતીતિ થઈ કે વારસાના કાનૂની અધિકારોમાં સુધારો આણવો જ જોઈએ. મોતીલાલ નેહરુના પરમ મિત્ર અને મહિલા અધિકારોના જોરદાર સમર્થક સર તેજપાલ સપ્રુએ આ લડતમાં અંગત રસ લીધો અને અંતે તેમણે હિંદુ વિધવાઓના વારસાગત અધિકારોને જીત્યા. ૧૯૭૯માં આત્મકથા ધ સ્કોપ ઓફ હેપ્પીનેસ-એ પર્સનલ મેમોઈર લખી. એમાં એમણે લખેલું કે, હવે જયારે સંધ્યા આવી પહોંચી છે, ત્યારે હું તેને આવકારું છું, કારણ કે હું જાણું છું કે એના પછી જે અંધકાર આવશે તે એક બીજા દિવસની શરૂઆત હશે !


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter