એક સારી હેરસ્ટાઇલ તમારા આખો લુક જ બદલી નાખે છે, એ કોણ નથી જાણતું? જોકે હેરસ્ટાઇલ સારી રીતે થાય એ માટે યોગ્ય બ્રશનો વપરાશ થાય એ પણ એટલું જ જરૂરી છે. વળી, દરેક યુવતીઓના વાળનું બંધારણ અને ગુણવત્તા અલગ અલગ હોય છે. વાળની ગુણવત્તા પ્રમાણે યોગ્ય સ્ટાઇલના બ્રશની પસંદગી કરવામાં આવે તો વાળની સારી રીતે જાળવણી શક્ય બને છે. હાલમાં માર્કેટમાં અનેક બ્રશ ઉપલબ્ધ છે.
• થર્મલ બ્રશઃ હાલ માર્કેટમાં સપાટ અને ગોળ એમ બે પ્રકારના થર્મલ બ્રશ મળે છે. સપાટ થર્મલ બ્રશ વાળને સીધા કરવામાં વપરાય છે, જ્યારે ગોળ થર્મલ બ્રશ વાળને રોલર્સની જેમ કર્લ કરવામાં વપરાય છે. આ બ્રશનો વપરાશ હેર-ડ્રાયર સાથે કરવામાં આવે છે. આ બ્રશ વાળને કોમળ બનાવે છે. સપાટ થર્મલ બ્રશ વાળને બહારની તરફ ખેંચે છે અને એને સ્ટ્રેટ કરવામાં મદદ કરે છે.
• સ્કલ્પટિંગ હેર-બ્રશઃ સ્કલ્પટિંગ હેર-બ્રશનો ઉપયોગ વાળને બેક સાઇડ ઓળવામાં ઉપયોગ થાય છે. આ હેર-બ્રશથી વાળ ખભા પર પૂરેપૂરા ફેલાઈ જાય છે. સ્કલ્પટિંગ હેર-બ્રશ વાળના નીચેના ભાગને ગોળાકાર આપવામાં વપરાય છે.
• ઓવલ બ્રશઃ આ પ્રકારના બ્રશ હેન્ડલ સાથે અને હેન્ડલ વગર એમ બે પ્રકારનાં આવે છે. આ બ્રશ વાળના મૂળને અડ્યા વગર એને સીધા કરવામાં મદદ કરે છે. સાધારણ રીતે એનો પાછળનો હિસ્સો લંબગોળ હોય છે, જે વાળને પકડવાનું કામ કરે છે.
• વેન્ટેડ બ્રશઃ આ પ્રકારના બ્રશ પહોળા મોઢાવાળાં હોય છે અને વાળ સૂકવવા હોય ત્યારે એનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમારે વાળને બ્લો-ડ્રાય કરવા હોય તો આ પ્રકારના બ્રશનો ઉપયોગ કરવાથી સારું પરિણામ મળે છે.
• વાયર હેર-બ્રશઃ આ પ્રકાર બ્રશ જાડા અને ભરાવદાર વાળ માટે વધુ ઉપયોગી છે. એ સાથે વાંકડિયા વાળ માટે પણ વાપરી શકાય. આ હેર-બ્રશ થોડું રફ હોય છે એટલે પાતળા વાળને નુકસાન પહોંચાડી શકે છે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. વાયર હેર-બ્રશના બ્રિસલ્સને એવી રીતે બનાવવામાં આવ્યા છે જેનાથી વાળ ઓળતી વખતે વાળ સીધા થઈ જાય છે. વાળના ખરબચડાપણાને કારણે વાયર હેર-બ્રશ બધા વાળ માટે સારો એપ્શન નથી.