‘બળબળતા તાપમાં જૂતા ઓગળી ગયાં, ને અંગ દાઝતું હતું...’

...પણ નતાલીએ 12 દિવસમાં 1000 કિમી દોડીને વિક્રમ સર્જ્યો

Saturday 22nd June 2024 12:28 EDT
 

સિંગાપોરઃ તમે પહેલા ક્રમે આવો કે છેલ્લા ક્રમે, તેનાથી કોઈ ફરક પડતો નથી. તમને બસ એવું લાગવું જોઈએ કે તમે કંઈક અલગ કર્યું છે... આ શબ્દો છે નતાલી ડાઉના. નતાલીએ માત્ર 12 દિવસમાં 1000 કિમીની થાઈલેન્ડ-સિંગાપોર અલ્ટ્રામેરાથોન જીતીને અનોખો વિક્રમ સર્જ્યો છે.

નતાલીની આ સિદ્ધિનું વિશેષ મહત્ત્વ છે કારણ કે તેણે 52 વર્ષની ઉમરમાં આ રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે નતાલીએ પેનિનસુલા મલેશિયાને પગપાળા સૌથી ઝડપી ઝડપે પાર કરવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. ગિનેસ બુકમાં પોતાનું નામ નોંધાવવા તેણે દાવેદારી નોંધાવી દીધી છે, અને ટૂંક સમયમાં તેનું નામ રેર્કોડ હોલ્ડર તરીકે નોંધાઇ પણ જશે.
પરંતુ 12 દિવસમાં 1000 કિલોમીટર દોડવાનો આ પડકાર તેણે કેવી રીતે પાર કર્યો? માત્ર બે-ત્રણ કલાકની ઊંઘ, અડધી રાત્રે ઉઠીને દોડવાનું શરૂ કરવાનું અને દરરોજ 84 કિમી તો દોડવાનું જ... મક્કમ મનોબળની નતાલીએ આ અલ્ટ્રામેરાથોન કેવી રીતે પૂરી કરી તે તેના જ શબ્દોમાં જાણવા જેવું છે.

‘માત્ર 12 દિવસમાં રેસ પૂરી કરવાનો ટાર્ગેટ હાંસલ કરવા માટે મારે દરરોજ ઓછામાં ઓછું 84 કિમી દોડવાનું હતું, જે બે મેરેથોન સમકક્ષ છે. તે સરળ નહોતું કારણ કે મને શરૂઆતથી જ રમતવીર તરીકે તાલીમ આપવામાં આવી ન હતી. ફિટ રહેવા માટે મેં 30 વર્ષની ઉમરે દોડવાનું શરૂ કર્યું. આ પહેલા મેં 200 કિમીની સૌથી લાંબી રેસ કરી હતી. આ વખતે હું મારી જાતને ચેલેન્જ આપવા માટે એક અલગ રસ્તો શોધી રહી હતી.

હું અને મારી ટીમ રાત્રે બે-ત્રણ કલાક જ ઊંઘતા હતા, કારણ કે અમે ગરમીથી બચવા અડધી રાત પછી દોડવાનું નક્કી કર્યું હતું. મુશ્કેલીઓ ઓછી નહોતી. 35 ડિગ્રી તાપમાનમાં દોડવાથી મારા જૂતા પીગળી ગયા. ગરમીથી શરીર બળી ગયું હતું. પહેલા જ દિવસે મારે પીઠની ઈજાનો સામનો કરવો પડયો હતો. આ સમયગાળા દરમિયાન ઇન્ફેક્શન પણ લાગ્યું હતું. પરંતુ આ બધી તકલીફો મને દોડતા રોકી શકી નહીં. મેં દરરોજ 84 કિમીનું અંતર કાપ્યું. હું દરરોજ રાત્રે સપોર્ટર્સને વોઈસ મેસેજ દ્વારા મેરેથોન અપડેટ્સ મોકલતી હતી.
મેં એક સંદેશમાં કહ્યું હતું... દરરોજ અડધી રાતે જાગી જવું એ સૌથી ડરામણી બાબત હતી. મધરાતે હું એ વિચારથી જ જાગી જતી કે આજે હું દોડી નહીં શકું તો? ફિનિશ લાઇન એટલી દૂર હતી કે કોઈ કલ્પના પણ કરી શકતું નહોતું. હું ફિનિશ લાઇન પણ જોઈ શકી નહીં. શરીર ખૂબ જ ભાંગી પડયું હોય તેવું લાગ્યું. મેં મારા અંગૂઠા પર પાટો બાંધ્યો કારણ કે તે ફોલ્લાથી ઢંકાયેલા હતા. દોડવાનું તો ઠીક મને ચાલવામાં પણ તકલીફ પડી રહી હતી, હું થાકી ગઇ હતી અને બસ, ઘરે જઈને મારા પરિવારને મળવા માંગતી હતી. જ્યારે તમે કોઈ પણ કામ હાથમાં લો છો ત્યારે નિરાશા હાવી ન થવી જોઈએ. જો તમે નિરાશ થઇ જશો, તો તમે કેવી રીતે સફળ થશો? જોકે મને એ વાતનો અત્યંત આનંદ છે કે પ્રોજેક્ટ 1000 નામથી યોજાયેલી આ દોડ થકી એકત્ર થયેલા 37 હજાર યુએસ ડોલરના ભંડોળનો ઉપયોગ મહિલાઓને રમતગમત પ્રત્યે આકર્ષવામાં થશે.’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter