યુકેમાં આપઘાતના પ્રમાણમાં ૧૧.૮ ટકાનો ભારે ઉછાળો

Wednesday 11th September 2019 03:42 EDT
 
 

લંડનઃ બ્રિટનમાં આત્મહત્યાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આત્મહત્યાનું પ્રમાણ ૧૧.૮ ટકા વધ્યું છે જે, ૨૦૦૨ પછી સૌથી વધુ છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના સત્તાવાર આંકડા અનુસાર ૨૦૧૮માં સમગ્ર યુકેમાં આપઘાતના કુલ ૬,૫૦૭ કેસ નોંધાયા હતા જે મુજબ, પ્રતિ ૧૦૦,૦૦૦માંથી ૧૧.૨ લોકોએ આત્મહત્યા કરી હતી. ૨૦૧૭ની સરખામણીએ આત્મહત્યાથી વધુ ૬૮૬ મોત થયાં હતાં. આત્મહત્યા માટે ચોક્કસ કારણો દર્શાવી શકાતાં નથી પરંતુ, હતાશા, પ્રેમમાં નિષ્ફળતા, આર્થિક પરિસ્થિતિ જેવાં કારણો મુખ્ય હોઈ શકે છે.

આંકડાશાસ્ત્રીઓ અનુસાર ૨૦૧૮માં આપઘાતના કેસીસમાં આટલો ઉછાળો મુખ્યત્વે પુરુષોના કારણે છે. પ્રતિ ૧૦૦,૦૦૦માંથી ૧૭.૨ પુરુષોએ આત્મહત્યા કરી હતી. આ દર ૨૦૧૭માં ૧૫.૫ પુરુષનો હતો. આંકડા કહે છે કે ૪૫-૫૯ વયજૂથના લોકો સૌથી વધુ આત્મહત્યા કરે છે. આ જૂથમાં પુરુષો માટે આત્મહત્યાનો દર પ્રતિ ૧૦૦,૦૦૦માંથી ૨૭.૧ અને સ્ત્રીઓ માટે પ્રતિ ૧૦૦,૦૦૦માં ૯.૨નો રહ્યો હતો. ૨૦૧૭ના વર્ષે ૨૦-૨૪ વયજૂથના પુરુષોમાં આત્મહત્યાનો દર પ્રતિ ૧૦૦,૦૦૦માંથી ૧૨.૯નો હતો તે ૨૦૧૮માં ૩૧ ટકાના ઉછાળા સાથે ૧૬.૯નો થયો હતો. ૧૦-૨૪ વયજૂથની સ્ત્રીઓમાં આત્મહત્યાનો દર સૌથી ઊંચો પ્રતિ ૧૦૦,૦૦૦માંથી ૩.૩નો રહ્યો હતો.

બ્રિટનમાં આત્મહત્યાનો સૌથી ઊંચો દર સ્કોટલેન્ડમાં પ્રતિ ૧૦૦,૦૦૦ લોકોમાંથી ૧૬.૧ (૭૮૪ મોત)નો હતો. વેલ્સમાં પ્રતિ ૧૦૦,૦૦૦ લોકોમાંથી ૧૨.૮ (૩૪૯ મોત)નો દર હતો. ઈંગ્લેન્ડમાં સૌથી નીચો પ્રતિ ૧૦૦,૦૦૦ લોકોમાંથી ૧૦.૩ (૫,૦૨૧ મોત)નો દર રહ્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter