યુકેમાં ડીમેન્શિયાથી ૭૦,૦૦૦ના મોત

Wednesday 14th August 2019 01:36 EDT
 
 

 લંડનઃ ડીમેન્શિયા અથવા તો સ્મૃતિભ્રંશના કારણે યુકેમાં ગયા વર્ષે ૬૯,૪૭૮ લોકોનાં મોત નીપજ્યાં હતાં. દેશમાં દર આઠમાંથી એક મોતનું કારણ ડીમેન્શિયા બને છે. બ્રિટનમાં ૮૫૦,૦૦૦થી વધુ લોકો ડીમેન્શિયાથી પીડાય છે અને દર ત્રણ મિનિટે એક વ્યક્તિમાં તેના લક્ષણો વિકસે છે. ડીમેન્શિયાગ્રસ્ત લોકોની સંખ્યા વધીને ૨૦૨૧ સુધીમાં એક મિલિયન થવાની ચેતવણી પણ અપાઈ છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડા મુજબ ગત વર્ષે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૫૪૧,૫૮૯ મોત નોંધાયા હતા, જેમાંથી ૧૨.૮ ટકા મોતનું કારણ ડીમેન્શિયા હતું. આ રોગ માટે ઔષધો કે ઉપાય શોધવાના પ્રયાસોને હજુ સુધી સફળતા મળી નથી.

માનવીના મગજને કોરી ખાતા આ રોગના કારણે ગત વર્ષે લગભગ ૭૦,૦૦૦ લોકોનું મોત થયું હતું, જે સંખ્યા ૨૦૧૫માં ૬૧,૦૦૦ મોતથી ૧૩ ટકા વધી છે. ગત ૧૫ વર્ષમાં ડીમેન્શિયા કે અલ્ઝાઈમરથી સ્ત્રીઓનાં મૃત્યુમાં વધારો થયો છે જેની સરખામણીએ પુરુષોના મોત ઘટ્યા છે. બીજી તરકફ, આ રોગને નાથવા ૧૯૯૮થી કરાયેલી ૧૫૦થી વધુ ક્લિનિકલ ટ્રાયલ્સ સફળ થઈ નથી. આનું કારણ એ ગણાય કે પેશન્ટમાં ડીમેન્શિયાના લક્ષણો દેખાય ત્યાં સુધી તો રોગ એટલો આગળ વધી ગયો હોય છે કે સારવાર શક્ય રહેતી નથી.

વય વધવાની સાથે વ્યક્તિમાં મગજના ટિસ્યુઓનો નાશ થવા સાથે સ્મૃતિભ્રંશ કે અલ્ઝાઈમર-ડીમેન્શિયાના લક્ષણો જોવાં મળે છે. યુકેમાં દર ત્રણ મિનિટે એક વ્યક્તિમાં ડીમેન્શિયાના લક્ષણો વિકસે છે. સરકાર ડીમેન્શિયાની સારવાર પ્રત્યે વધુ ધ્યાન નહિ આપતી હોવાનો પણ આક્ષેપ થાય છે. કેન્સર માટે સંશોધન પાછળ ખર્ચાતા ૨૬૯ મિલિયન પાઉન્ડની સરખામણીએ ડીમેન્શિયા સંશોધન માટે વર્ષે ૮૨.૫ મિલિયન પાઉન્ડ ખર્ચાય છે. ધ અલ્ઝાઈમર્સ સોસાયટીના રિપોર્ટ અનુસાર યુકેમાં ૮૫૦,૦૦૦થી વધુ લોકો ડીમેન્શિયા સાથે જીવે છે, જેમાંથી ૫૦૦,૦૦૦થી વધુ લોકોને અલ્ઝાઈમરની સ્થિતિ છે. યુએસમાં ૫.૫ મિલિયન લોકો અલ્ઝાઈમરથી પીડાતા હોવાનો અંદાજ છે. સમગ્ર વિશ્વમાં ડીમેન્શિયાના ૫૦ મિલિયન પેશન્ટ છે, જેમાંથી આશરે બે તૃતીઆંશ પેશન્ટને અલ્ઝાઈમર હોવાનું મનાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter