કેસર રસમલાઇ

રસથાળ

Thursday 09th May 2024 06:15 EDT
 
 

સામગ્રી: (પનીર માટે) ગાયનું દૂધ-1 લિટર • લીંબુનો રસ - 1 ચમચી
(ચાસણી માટે) ખાંડ-1 કપ • પાણી-4 કપ (રબડી માટે) ફૂલ ફેટ દૂધ-1 લિટર • ખાંડ-1 કપ • બદામ-પિસ્તા કતરણ-અડધો કપ • ઈલાયચી પાઉડર-1 ચમચી • કેસર-8થી 10 તાંતણા
રીત: સૌપ્રથમ પનીર બનાવવા ગાયનું દૂધ ઉકાળો. એક ઉભરો આવે એટલે લીંબુનો રસ રેડીને હલાવતા રહો. ગેસની ફલેમ ફાસ્ટ રાખવી. થોડી વારમાં પનીર અને પાણી છૂટું પડી જશે. આ પનીરને કોટન કપડામાં નિતારી લઇ બે-ત્રણ વખત ઠંડાં પાણીથી ધોઈ લો એટલે લીંબુની ખટાશ દૂર થઈ જશે. પનીરને અડધો કલાક માટે બાંધીને લટકાવી લો. હવે પનીરને હાથ વડે નરમ થાય ત્યાં સુધી મસળો. તેમાંથી નાના ગોળા બનાવી હળવા હાથે દબાવી રસમલાઈનો ચપટો આકાર આપો. અન્ય વાસણમાં ખાંડ-પાણી લઇ પાતળી ચાસણી બનાવો. પનીરમાંથી બનાવેલી થેપલીને તેમાં પંદરથી વીસ મિનિટ સુધી પકાવી ગેસ બંધ કરી દો. હવે એક વાસણમાં દૂધને અડધું થાય ત્યાં સુધી ઉકાળો. તેમાં ખાંડ, ડ્રાયફૂટ્સ, કેસર, ઈલાયચી પાઉડર મિક્સ કરો. આ રબડી ઠંડી પડે એટલે તેમાં રસમલાઈ મિક્સ કરીને બેથી ત્રણ કલાક માટે ઠંડી થવા ફ્રીજમાં મૂકી દો. બદામ-પિસ્તા કતરણ અને કેસરથી સજાવી ઠંડી ઠંડી સર્વ કરો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter