ડ્રાયફૂટ કેસર કુલ્ફી

Thursday 04th August 2022 05:59 EDT
 
 

સામગ્રીઃ • પોણો કપ હૂંફાળું મલાઈદાર દૂધ • એક ટેબલસ્પૂન કોર્નફ્લોર • કેસરના રેસા થોડા • ચાર કપ મલાઈદાર દૂધ • પાંચ ટેબલસ્પૂન સાકર • પોણી ચમચી ઈલાયચીનો પાઉડર • અડધો કપ સમારેલો સૂકો મેવો • જેમાં બદામ • કાજુ અને પિસ્તાં
રીતઃ એક નાના બાઉલમાં કેસરના રેસા તથા હૂંફાળું દૂધ મેળવી સારી રીતે મિક્સ કરીને બાજુ પર રાખો. બીજા એક નાના બાઉલમાં કોર્નફ્લોર અને બે ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરીને બાજુ પર રાખો. એક ઊંડા નોનસ્ટિક પૅનમાં દૂધ અને સાકર મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી મધ્યમ તાપ પર પાંચથી સાત મિનિટ સુધી વચ્ચે વચ્ચે હલાવતા રહી ઉકાળી લો. એ પછી તેમાં કોર્નફ્લોર અને પાણીનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે વચ્ચે હલાવતા રહી અને પૅનની બાજુ પર ચોંટેલું દૂધ ઉખાડતા રહી 30થી 32 મિનિટ સુધી રાંધી લો. આમ, તૈયાર થયેલા મિશ્રણને સંપૂર્ણ ઠંડું થવા દો. જ્યારે તે સંપૂર્ણ ઠંડું થઈ જાય ત્યારે તેમાં ઈલાયચી પાઉડર, કેસર દૂધનું મિશ્રણ અને સૂકો મેવો ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને છ કુલ્ફીના મોલ્ડમાં રેડીને આખી રાત ફ્રીજમાં રાખી મૂકો. જ્યારે કુલ્ફીને મોલ્ડમાંથી કાઢવી હોય ત્યારે મોલ્ડને ફ્રીજમાંથી કાઢી પાંચ મિનિટ પછી લાકડાની સળી અથવા ફોર્કને કુલ્ફીની મધ્યમાં નાંખી કુલ્ફીને મોલ્ડમાંથી કાઢી લો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter