એપિલેપ્સીને સાદી ભાષામાં જેને વાઈ - ખેંચ - ફીટ - આંચકી - સિઝર્સ - મિર્ગી જેવા અનેક નામોથી ઓળખવામાં આવે છે. ઘણા લોકો તેને માનસિક બીમારી સમજે છે, પણ ખરેખર એવું નથી. આ મગજનો એક પ્રકારનો રોગ છે, જેમાં મગજમાં થોડા સમય માટે વીજળીક તરંગો વધુ ઉત્પન્ન થવાથી શરીરમાં ધ્રુજારી અથવા ઝાટકા આવે છે.
એક અંદાજ પ્રમાણે, વિશ્વમાં દર 100 માંથી એક વ્યક્તિને એપિલેપ્સીની સમસ્યા હોઈ શકે છે, પરંતુ અફસોસની બાબત એ છે કે બહુ ઓછા દર્દીઓ યોગ્ય ઉપચાર અને દવાઓ મેળવી શકે છે. બાકીના દર્દીઓ ગરીબી, ખોટી માન્યતા, સામાજિક કારણો, રોગ વિશે અજ્ઞાનતા, કલંક જેવા અનેક પરિબળોને કારણે યોગ્ય ઉપચારથી વંચિત રહી જાય છે. 70થી 75 ટકા વ્યક્તિઓને એપિલેપ્સીનો પહેલો હુમલો બાળપણમાં આવેલો હોય છે. યોગ્ય સમયે તેની સારવાર ન થવાને કારણે ફરીથી તેનો હુમલો આવી શકે છે અને બાળકનો વિકાસ અવરોધાઈ શકે છે. અહીં એક બાબત નોંધનીય છે કે એક જ વાર આવેલી ખેંચને એપિલેપ્સી કહેવાય નહીં.
એપિલેપ્સીના મુખ્ય કારણોમાં બાળકના જન્મ સમયે ઈજા, ઓક્સિજનની ઉણપ, માર્ગ અકસ્માત કે અન્ય કારણોથી માથાના ભાગે ઈજા થવી, મગજમાં ગાંઠ, મગજમાં લોહીનું પરિભ્રમણ ઓછું થવું, મગજનો તાવ, મગજમાં ચેપ લાગવો વગેરે હોઈ શકે છે. વાઈ – ખેંચના ઘણાં પ્રકારો હોઈ શકે છે, પરંતુ તેને મુખ્યત્વે જનરલાઈઝડ અને ફોકલ (પાર્શિયલ) એમ બે ભાગમાં વહેંચી શકાય છે.
આંચકીના હુમલા દરમિયાન જોવા મળતાં લક્ષણો મગજના પ્રભાવિત થયેલા ભાગ પર આધાર રાખે છે. એપિલેપ્સીનો હુમલો ગમે તે સમયે આવી શકે છે જેમાં વ્યક્તિનું શરીર અક્કડ થઈ જવું, સભાનતા ગુમાવવી, પડી જવું, ખૂબ જ ધ્રુજારી થવી, મોંમાંથી ફીણ નીકળવાં, ઝાડો-પેશાબ થઈ જવા વિગેરે થઈ શકે છે.
નિદાન અને સારવાર
એપિલેપ્સીનું યોગ્ય સમયે નિદાન થવું જરૂરી છે. મગજના નિષ્ણાત ડોક્ટર્સ વિવિધ પરિક્ષણો જેવા કે ઈઈજી, મગજની કોમ્પ્યુટરાઈઝડ ટોમોગ્રાફી - સીટી સ્કેન અથવા એમઆરઆઈ અને અન્ય રક્ત પરિક્ષણો કરી ચોક્કસ નિદાન કરી શકે છે. એપિલેપ્સી ધરાવતી વ્યક્તિનો યોગ્ય ઉપચાર કરવામાં આવે તો તે સામાન્ય જીવન જીવી શકે છે. લગભગ 70 ટકા કિસ્સામાં દવા દ્વારા દર્દીની એપિલેપ્સી નિયંત્રિત કરી શકાય છે. જ્યારે 15 ટકા કિસ્સામાં દર્દીને સર્જરીની જરૂર પડી શકે છે. અદ્યતન ઉપચાર જેવા કે, વેગલ નર્વ સ્ટિમ્યુલેશન, ડીપ બ્રેઈન સ્ટિમ્યુલેશન અને કિટોજેનિક આહાર વિગેરેની જરૂર પડી શકે છે. એપિલેપ્સીના દર્દીઓમાંથી લગભગ 50 ટકા દર્દીઓ ડોક્ટરની સલાહ અનુસાર આશરે 2-3 વર્ષ દવા લઇને રોગમુક્ત થઈ જાય છે. કેટલાક દર્દીઓને 3 થી 5 વર્ષ અને બહુ ઓછા દર્દીઓને 10 વર્ષ સુધી દવાઓની જરૂર પડી શકે છે. જૂજ દર્દીઓને જીવન પર્યન્ત દવાઓની જરૂર પડી શકે છે. હંમેશા યાદ રાખો કે જો તમને કોઇ દવાની આડઅસર થતી હોય કે અથવા એપિલેપ્સીથી પીડાતી સ્ત્રી દર્દીમાં ગર્ભાવસ્થા જેવી પરિસ્થિતી અંગે તમારી સારવાર કરતા ડોક્ટરને જાણ કરવાનું ચૂકશો નહીં.
એપિલેપ્સી વિશે આટલું અવશ્ય યાદ રાખો
• એપિલેપ્સી (ખેંચ) એ માનસિક રોગ નથી, એક ન્યુરોલોજિકલ (મગજની) સમસ્યા છે, જેનું નિવારણ શક્ય છે. સમાજે પોતાનો ખોટો અભિગમ બદલવાની ખૂબ જરૂર છે.
• એપિલેપ્સીના હુમલા દરમિયાન મોંમાં કોઈ કઠણ વસ્તુ ન મુકવી, હાથ-પગનું હલનચલન અટકાવવું નહીં, ડુંગળી કે ચપ્પલ ન સુંઘાડવું. આવા પ્રયાસો દર્દીને વધારે નુક્સાન પહોંચાડી શકે છે.
• ખેંચ એ અસાધ્ય રોગ નથી અને તે આજીવન રહેતો રોગ નથી. બસ, યોગ્ય ઉપચાર આવશ્યક છે. આમાં ભૂત-વળગાડ વગેરે ગેરમાન્યતાથી સદંતર દૂર થવું જરૂરી છે.
• જો વ્યવસ્થિત ઉપચાર ન થાય તો દર્દીની સ્થિતિ ગંભીર થઈ શકે છે.
• એપિલેપ્સી ધરાવતી સ્ત્રી લગ્ન પણ કરી શકે છે અને સામાન્ય સ્ત્રીની જેમ માતૃત્વ ધારણ કરીને સામાન્ય જીવન જીવી શકે છે. તેથી એપિલેપ્સી ધરાવતી વ્યક્તિના લગ્નમાં સમાજે બાધા ન નાંખતા જરૂર પડે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
• એપિલેપ્સી સામાન્ય રીતે વારસાગત રોગ નથી.
• ગેસ ગીઝરવાળા બાથરૂમમાં નાહવાનું ટાળો.
• એપિલેપ્સીથી ડરવાની જરૂર નથી, યોગ્ય નિદાન અને ઉપચાર વડે મોટાભાગના કેસમાં તેને નિવારી શકાય છે.
ખેંચ આવે ત્યારે શું કરવું જોઈએ..
• શાંતિ રાખો. દર્દીને નીચે સુવામાં મદદ કરો. ચશ્મા કાઢી લો અને ટાઈટ કપડાં ઢીલા કરો.
• આજુબાજુથી સખત-તીણાં કે ગરમ પદાર્થો દુર મુકી દો અને માથા નીચે વાળેલો ટુવાલ કે ઓશીકું મુકો.
• દર્દીની આજુબાજુ લોકોને એકઠાં થવા દેશો નહીં, હવાની મુક્ત અવરજવર થવા દો અને બારી-બારણાં ખોલી નાંખો.
• અવયવોના ઝાટકાની હલનચલન રોકશો નહીં. બંધ થયેલા દાંત વચ્ચે બળજબરીથી કશું મુકવાનો પ્રયાસ કરશો નહીં.
• મોંઢામાંથી લાળ, થુંક નીકળી જાય તે માટે દર્દીને એક બાજુ પડખાભેર સુવડાવી દો.
• હુમલા પછી દર્દીને ઊંઘ આવતી હોય તો આરામથી સુવા દો.
• દર્દી સંપૂર્ણ શુદ્ધિમાં ન આવે ત્યાં સુધી કોઈ પણ વસ્તુ ખાવા કે પીવા માટે આપશો નહીં.
• દર્દીને કંઈ વાગી ન જાય કે ઈજા ન થાય તેનું ખાસ ધ્યાન રાખો.
• 3 મિનિટથી વધુ ખેંચ ચાલુ રહે તો દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવો જોઈએ. અથવા તો સારવાર કરનાર ડોક્ટરનો સંપર્ક કરો.