ખાલી પેટે અજમાનું પાણી પીશો તો શરીર પરથી ચરબીના થર ઘટે

Sunday 09th January 2022 08:17 EST
 
 

દરેક ભારતીય રસોડામાં જોવા મળતો અજમો ભોજનના સ્વાદને ત વધારે છે, સાથે સાથે જ પેટની પણ કેટલીય તકલીફો પણ દૂર કરી નાંખે છે. આપણા પૂર્વજો અજમાના ગુણો સદીઓથી જાણતા હતા, તેથી જ ભારતીય રસોઇમાં તેનું મહત્ત્વ રહ્યું છે. આજે પણ મોટા ભાગના ઘરોમાં સવારે નાસ્તા માટે બનતા પરાઠામાં અજમાનો ઉપયોગ થાય છે. વાસ્તવમાં અજમો પેટ દર્દ અને ગેસ જેવી પરેશાનીને અસરકારક રીતે દૂર કરે છે. સવારે અજમો અલગ અલગ રીતે ઉપયોગમાં લેવાય છે. મેંદાની બનેલી વાનગીઓમાં તેનો ઉપયોગ વધુ થાય છે, તેનું કારણ એ છે કે મેંદો પચવામાં સૌથી વધુ સમય લે છે, તેનાથી પેટના રોગો થવાનું જોખમ પણ વધુ રહે છે. આમ મેંદો વહેલો પચી જાય એ માટે તથા તે ખાવાથી પેટમાં ગેસ ન બને એ માટે અજમાનો ઉપયોગ થાય છે. આજે પણ પેટમાં દુઃખે ત્યારે દવા પહેલાં અજમો ચાવી જવાનું કહેવાય છે.
પેટ દર્દ અને ગેસની સમસ્યામાં અજમો ઝડપથી રાહત આપે છે. ખાલી પેટે અજમો ખાવાથી બ્રોન્કાઇટીસ અને અસ્થમામાં રાહત મળે છે. ગોળની સાથે અજમો ખાવાથી વધુ લાભ થાય છે. અજમામાં એન્ટિસ્પેમોડિક અને કાર્મિનેટિવ હોય છે, જે અસ્થમામાં રાહત આપે છે. જે લોકોને આર્થરાઇટિસ અને સાંધાના દર્દોની ફરિયાદ રહે છે, તેમને માટે પણ અજમો ઘણો લાભકારી છે. અજમાના તેલ વડે માલીસ કરવાથી લાભ થાય છે. ડાયાબિટીસના દર્દી રાત્રે ગરમ દૂધમાં એક ચમચી લીમડાનો પાઉડર અને અડધી ચમચી અજમા તથા જીરુંનો પાઉડર મેળવીને એકાદ મહિનો પીએ તો રાહત મળે છે. અઠવાડિયામાં એકાદ કે બે વખત સવારે નરણે કોઠે અજમાનું પાણી પીવાથી પણ પેટની ચરબી ઓછી થાય છે, મેદસ્વિતાની સમસ્યા પણ ઓછી કરી શકાય છે. અજમાનું ચૂરણ સવારે ખાલી પેટે પીવાથી ગેસની સમસ્યામાં રાહત મળે છે. જોકે વાચક મિત્રોએ યાદ રાખવું રહ્યું કે આમાંથી કોઇ પણ પ્રયોગ કરતી વેળા પોતાના શરીરની તાસીરને અવશ્ય લેવી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter