ટેટૂઝ સ્ટાઈલની સાથે કેન્સરનું જોખમ પણ વધારે

હેલ્થ બુલેટિન

Sunday 30th June 2024 08:56 EDT
 
 

ટેટૂઝ સ્ટાઈલની સાથે કેન્સરનું જોખમ પણ વધારે
આધુનિક યુગમાં યુવા પેઢી માટે ટેટૂ અથવા છૂંદણાનો ક્રેઝ ચરમસીમાએ છે. સ્ટાઇલિશ અને કૂલ દેખાવા માટે શરીરમાં અલગ-અલગ જગ્યાએ પર ટેટૂ કરાવવાની ફેશન છે. ટેટૂની લોકપ્રિયતા એટલી વધી છે કે 20 ટકા યુરોપિયન્સ અને 30 ટકા અમેરિકન્સ ટેટૂ કરાવે છે અને સંખ્યા વધી રહી છે. જોકે, ટેટૂ કરાવવું જોખમી પણ હોઈ શકે છે. ટેટૂ કરાવવામાં જે શાહીનો ઉપયોગ કરાય છે તેમાં કાર્સનોજેનિક તત્વો હોય છે જે આખા શરીરમાં ફરીને છેલ્લે લિમ્ફ નોડ્ઝમાં પહોંચે છે. ટેટૂના કારણે કેન્સરનું જોખમ ઉભું થાય છે કે કેમ તે બાબતે ઘણા ઓછાં અભ્યાસ થયા છે પરંતુ, સ્વીડનની લૂન્ડ યુનિવર્સિટીના સંશોધકોએ લિમ્ફોમા અથવા એક પ્રકારના બ્લડ કેન્સર સહિત કેન્સરના કેસીસને ઓળખવા સ્વીડિશ નેશનલ કેન્સર રજિસ્ટરનું વિશ્લેષણ કર્યું હતું અને તેમનું ચોંકાવનારું તારણ એ હતું કે ટેટૂઝ નહિ કરાવનારની સરખામણીએ ટેટૂઝ કરાવનારાઓમાં બ્લડ કેન્સરના જોખમમાં 21 ટકાનો વધારો થાય છે. ઈક્લિનિકલ મેડિસીનમાં પ્રકાશિત તારણો મુજબ ટેટૂની સાઈઝને કેન્સરના જોખમ સાથે સંબંધ નથી. બીજી તરફ, ધૂમ્રપાન અને ડ્રગ્સની આદત પણ કેન્સરના જોખમને વધારે છે.
ગત દશ વર્ષમાં ટેટૂની શાહીનાં રસાયણો પણ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. સ્ટેટસ સિમ્બોલ બની રહેલા ટેટૂની શાહીમાં સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી ક્રોમિયમ, મેંગેનીઝ, કાર્સિનોજેનિક રસાયણો તેમજ ત્વચાને નુકસાન પહોંચાડનારા એલ્યુમિનિયમ અને કોબાલ્ટ કેમિકલ્સ ચેપનું કારણ બની શકે છે. ઘણી વખત ટેટૂ બનાવવામાં જૂની શાહીનો ઉપયોગ કરાયો હોય તેમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધુ હોય છે જેનાથી ઈન્ફેક્શન ફેલાઈ શકે છે. સામાન્ય રીતે એક જ સોયથી ઘણા લોકોના શરીર પર ટેટૂ બનાવાય ત્યારે HIV ઇન્ફેક્શનનું જોખમ પણ વધી જાય છે. ડાયાબિટીસ અથવા કોઈ ગંભીર રોગથી પીડિત, 18 વર્ષથી ઓછી વયની કોઈ પણ વ્યક્તિ અથવા સગર્ભા સ્ત્રીઓ, ત્વચાનો સોજો, ખરજવું, સોરાયસીસ જેવાં ત્વચા સંબંધિત રોગો હોય, રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેવા લોકોએ ટેટૂ કરાવવું ન જોઈએ.

•••
બિહામણા સ્વપ્ના એટલે શરીરમાં ગંભીર ગરબડનો સંકેત
વિચારોની દુનિયામાં ખોવાયેલા લોકોને દિવાસ્વપ્નો આવે અને રાત્રે નિદ્રા દરમિયાન કોઈને પણ અનેક પ્રકારના સ્વપ્નો આવતા હોય તે સ્વાભાવિક છે. જોકે, સ્વપ્ના બિહામણા કે ડરામણા હોય તો માનવું કે શરીરમાં કોઈ ગરબડ છે. યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ અને કિંગ્સ કોલેજ લંડનના સંશોધકોએ ઈમ્યુન સિસ્ટમના રોગ સાથેના 676 પેશન્ટ અને 400 ક્લિનિશિયન્સ-ડોક્ટર્સના સર્વે કરી તારણ કાઢ્યું હતું કે બિહામણા સ્વપ્નો અથવા તો નાઈટમેર્સ રોગપ્રતિકાર શક્તિને સ્વસ્થ ટિસ્યુઝ અને અવયવો પર હુમલો કરવા ઉશ્કેરે તેવા રોગ લ્યૂપસ, આર્થ્રાઈટિસ જેવી બીમારીઓનો સંકેત હોઈ શકે છે. ઈક્લિનિકલ મેડિસીનમાં પ્રકાશિત અભ્યાસ મુજબ ઓટો ઈમ્યુન ડિસીઝના કારણે શરીરમાં વધતા ઈન્ફ્લેમેશનની સીધી અસર મગજના ઊંઘ અને સ્વપ્નાને નિયંત્રિત કરતા વિસ્તારો પર થાય છે. જોકે, શરાબપાન, ચોક્કસ પ્રકારની દવાઓ, એંગ્ઝ્યાઈટી, ઊંઘનો અભાવ જેવી બાબતો પણ ડરામણા સ્વપ્ના લાવી શકે છે.
લ્યૂપસ યુકેના જણાવ્યા અનુસાર યુકેમાં આશરે 50,000 લોકો ઓટો ઈમ્યુન ડિસીઝ લ્યૂપસનો શિકાર બનેલા છે. લ્યૂપસના સંભવિત લક્ષણોમાં સાંધા અને સ્નાયુઓ જકડાઈ જવા સાથે દુઃખાવો, ગમે તેટલો આરામ કરો તો પણ દૂર ન થાય તેવી નબળાઈ, તડકામાં રહ્યા પછી શરીરે લાલ ચકામા ઉઠવા સહિતનો સમાવેશ થાય છે. લ્યૂપસના પેશન્ટ્સ સાથે ચર્ચા પછી એવું તારણ નીકળ્યું હતું કે તેમનો રોગ ઉથલો મારવાનો હોય ત્યારે બિહામણાં સ્વપ્નાઓ વધી જવા સાથે આ લક્ષણો પણ વધી જાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter