દિવસે ટીવી વધુ જોવાની આદત રાત્રે પેશાબની માત્રા વધારે
સામાન્ય રીતે રાત્રે પેશાબ કરવા નિયમિત ઉઠવું પડતું નથી પરંતુ, જો એકથી વધારે વખત પેશાબ કરવા જવાની ઈચ્છા થાય તેને નોક્ટુરીઆ કહે છે. ચીનના વેન્ઝોઉ મેડિકલ યુનિવર્સિટીના સંશોધકોએ યુએસમાં 2011થી 2016ના ગાળામાં વાર્ષિક નેશનલ હેલ્થ એન્ડ ન્યૂટ્રિશન એક્ઝામિનેશન સર્વેના ડેટાના અભ્યાસથી જણાવ્યું હતું કે લગભગ ત્રીજા ભાગના લોકોએ નોક્ટુરીઆની ફરિયાદ કરી હતી. ન્યૂરોયુરોલોજી એન્ડ યુરોડાયનેમિક્સ જર્નલમાં પ્રસિદ્ધ સંશોધન અનુસાર દિવસમાં એક કલાકથી ઓછો સમય ટેલિવિઝન અથવા વીડિયોઝ નિહાળતા હોય તેવા લોકોની સરખામણીએ પાંચ કલાકથી વધુ વખત ટીવી કે વીડિયોઝ જોનારાને લોકોને રાત્રે લેવેટરીનો ઉપયોગ કરવા ઉઠવું પડે તેવી શક્યતા 48 ટકા વધુ રહે છે. આંકડાઓ વચ્ચેની શક્યતા સ્પષ્ટ થતી નથી પરંતુ, વધારેપડતું ટીવી નિહાળવું બિનઆરોગ્યપ્રદ ગણાય છે કારણકે તેનાથી સ્થૂળતા અને ડાયાબિટીસનું જોખમ વધે છે જે નોક્ટુરીઆની પ્રસ્થાપિત હકીકત છે. આ ઉપરાંત, ઊંઘ પણ ઘટે છે. એમ મનાય છે કે યુકેમાં આશરે 8.6 મિલિયન લોકો નોક્ટુરીઆથી પીડાય છે અને 30 વર્ષથી નીચેની વયના ત્રણમાંથી એક વ્યક્તિને લાગુ પડે છે.
•••
દાંતની સારી કાળજી લેવા લીંબુપાણી પીવાનું ટાળો
સમગ્રતયા આરોગ્યની વાત કરીએ ત્યારે દાંતની સારી કાળજી લેવાનું પણ મહત્ત્વ ધ્યાનમાં રાખવું જોઈએ.સારી કાળજીમાં માત્ર દિવસમાં બે વખત બ્રશ કે ફ્લોસિંગ કરવામાં બધું આવી જતું નથી. ડેન્ટિસ્ટ્સ સલાહ આપે છે કે જો દાંતની ચમક સાચવી રાખવી હોય તો સવારમાં લોકપ્રિય ડ્રિન્ક પીવાનું ટાળવું જોઈએ અને હા, આ ચા કે કોફીની વાત નથી. વધુપડતી ચા કે કોફી પીવામાં આવે તો દાંત પીળા પડે અથવા તેના પર ડાઘા પડી જાય છે તે જાણીતી હકીકત છે. જોક, હાલમાં સવારે ચપટી મીઠાં સાથે લીંબુપાણી પીવાની ફેશન વધી છે. ફૂદીનો, મધ, હળદર અથવા તજ-મરી મેળવીને પીવાતું લીંબુપાણી આમ તો નિર્દોષ અને એન્ટિ એજિંગ પીણું ગણાય છે અને ફિટનેસ પ્રેમીઓ તેને પીવામાં જરા પણ વાર લગાડતા નથી. પરંતુ, મુખ આરોગ્યની વાત કરીએ ત્યારે આ લીંબુપાણી તાજગી લાવે છે પરંતુ, ભારે એસિડિક પણ છે અને દાંતના એનેમલનું ધોવાણ કરવાની ક્ષમતા ધરાવે છે. આના પરિણામે, સમયાંતરે પેઢાંનો રોગ આવી શકે અને દાંતમાં સડો પણ થઈ શકે છે. દાંતનિષ્ણાતો કહે છે તમારે ફાયદા માટે લીંબુપાણી પીવું જ હોય તો સ્ટ્રોનો ઉપયોગ કરવો જોઈએ જેથી દાંત સાથે તેનો સંપર્ક ટાળી શકાય. જો મોંમાં ચાંદા પડ્યા હોય કે મોં આળું થઈ ગયું હોય ત્યારે લીંબુપાણી પીશો જ નહિ કારણકે તેની એસિડિટી દાહ અને બળતરા ઉભા કરશે.