લાખો મહિલાઓ વહેલી પરોઢે ઊંઘમાંથી અચાનક કેમ જાગી જાય છે?

Wednesday 08th November 2023 07:09 EST
 
 

નિદ્રાની સમસ્યા વય કે લિંગને ધ્યાનમાં લીધા સિવાય કોઈને પણ નડી શકે છે. વિશ્વમાં લાખો સ્ત્રીઓ અનિદ્રા તથા તેને સંબંધિત અન્ય સમસ્યાઓના રોગથી પીડાય છે. નવા અભ્યાસથી જાણમાં આવ્યું છે કે સ્ત્રીઓ માટે રાત્રે એક ચોક્કસ સમયે (વહેલી પરોઢે 3.29 કલાકે) અચાનક જાગી જવાનું સામાન્ય છે. હાલમાં જ 18 ઓક્ટોબરે વર્લ્ડ મેનોપોઝ ડે ઉજવાઈ ગયો તેને નજરમાં રાખી એક અભ્યાસ કરવામાં આવ્યો હતો તેનું એક આશ્ચર્યજનક તારણ એ હતું કે મોટા ભાગની સ્ત્રીઓ મેનોપોઝ એટલે કે રજોનિવૃત્તિ અથવા પેરિમેનોપોઝના લક્ષણોથી પીડાતી હોય ત્યારે મોડી રાત્રે અચાનક જાગી જાય છે અને આ સમય મોટા ભાગે વહેલી સવારના 3.29 કલાકની આસપાસનો હોય છે.
સ્ત્રીઓ માટે મેનોપોઝ અને પેરિમેનોપોઝ, અનિવાર્ય પરિસ્થિતિ છે અને કેટલાક માટે તે જીવનના ડાઘસમાન વિષય સમાન પણ ગણાય છે. 2021નો અન્ય અભ્યાસ જણાવે છે કે આવી કલંકમય સ્થિતિ મેનોપોઝમાંથી પસાર થઈ રહેલા લોકો માટે સૌથી મોટી મુશ્કેલીઓમાં એક હોય છે કારણ કે તેના લક્ષણો તેમનાં જીવન પર અને વિશેષતઃ કામકાજના સ્થળોએ કેટલી અસર કરે છે તે બાબતે તેઓ ખૂલીને જણાવી શકતાં નથી.
મેનોપોઝના કારણે અનિદ્રા અને નિંદ્રા સંબંધિત અન્ય સમસ્યાઓના જોખમમાં ભારે વધારો થતો હોય છે. એક અભ્યાસ મુજબ સર્વે હેઠળની 69 ટકા સ્ત્રીઓએ તેમને અનિદ્રાની સમસ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે, અડધોઅડધ સ્ત્રીઓ મેનોપોઝના કારણે અનિદ્રાની સમસ્યા હોઈ શકે તેમ જાણતી ન હતી અને 60 ટકા સ્ત્રીઓને અનિદ્રાની સમસ્યાનો સામનો કેવી રીતે કરવો તેની પણ યોગ્ય જાણકારી ન હતી.
સંશોધનનાં તારણો અનુસાર અનિદ્રાની સમસ્યાનો ઉપાય કરવાના બદલે લગભગ ત્રીજા ભાગની મહિલાઓ અડધી રાત્રે ઊંઘમાંથી જાગી જાય ત્યારે મોબાઈલ ફોન્સ મચડવા લાગી જાય છે જ્યારે 20 ટકા જેટલી સ્ત્રીઓ જાગી ગયાં પછી ટેલિવિઝનનો સહારો લે છે અને 17 ટકા સ્ત્રીઓ આંખો ફાડીને ઘડિયાળને નિહાળ્યાં કરે છે.
અનિદ્રાનો સામનો કરવો ઘણો મુશ્કેલ છે અને તેના કારણે શારીરિક આરોગ્યની સમસ્યાઓ પણ ઉભી થાય છે. આ ઉપરાંત, ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા ઘટી જવી, મિજાજ અને વાણીવર્તનને બરાબર જાળવી રાખવામાં મુશ્કેલી સહિત વિવિધ માનસિક આરોગ્યની સમસ્યાઓ પણ સર્જાય છે. જોકે, મોબાઈલ ફોન્સ મચડવાં કે ટેલિવિઝન નિહાળવાં કરતા ફરી નિદ્રાધીન થઈ શકાય તેવાં ઘણા માર્ગ મળી શકે છે.
આપણા ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી જે બ્લુ રંગનો પ્રકાશ નીકળે છે તે આપણી પ્રાકૃતિક બોડી ક્લોક અથવા તો સિરકાડિયન રિધમને ખરાબ અસર પહોંચાડે છે. જ્યારે સૂર્યાસ્ત થાય છે ત્યારે સિરકાડિયન રિધમના લીધે મેલોટોનિન હોર્મોનનો સ્રાવ ઝરે છે જે આપણાં શરીરને આરામનો સમય થઈ ગયાનું જણાવે છે. સવારના સમયે કોર્ટિસોલ હોર્મોનનો સ્રાવ થાય છે જેનાથી ફરી જાગી કામે વળગી જવાની ઘંટડીઓ વાગવા લાગે છે.
સ્ત્રીઓમાં મેનોપોઝના કારણે હોર્મોન્સના સ્રાવમાં ફેરફાર થવાથી આ પ્રાકૃતિક ચક્રને અસર પહોંચે છે અને આવા સમયે શયનખંડમાં શરીર આરામ મેળવવા નિદ્રાધીન થવાનો પ્રયાસ કરતું હોય ત્યારે ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી નીકળતો બ્લુ રંગનો પ્રકાશ તેને ખોરવી નાખે છે. આથી, તરત પથારીમાં પડી હળવાશ મેળવવાની કુદરતી ટેક્નિક અને આંખો બંધ કરી શાંત રહેવાથી ધીરે ધીરે નિદ્રાદેવીના શરણે પહોંચી જવું વધુ યોગ્ય ગણાશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter