વધતી ઉંમરની શરીર પર આ રીતે થાય છે અસર

Tuesday 02nd July 2024 09:13 EDT
 
 

વધતી ઉંમરની સૌથી વધુ અસર ત્વચા, તંદુરસ્તી અને ક્ષમતા પર પડે છે. અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના જણાવ્યા મુજબ, 30ની વય પછી શરીર અને મગજ બંનેમાં પરિવર્તન થવા લાગે છે. ઉંમર વધવાની સાથે શરીર નબળું પડવા લાગે છે. અનેક પ્રકારની આરોગ્ય સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. જેમાં હાડકાં નબળાં થવા, ટેસ્ટોસ્ટેરોનનું સ્તર અને મેટાબોલિઝમમાં ઘટાડો, હૃદય નબળું પડવું અને સ્થૂળતા મુખ્ય છે.
વધતી ઉંમરની અસર લગભગ શરીરનાં બધાં જ અંગો પર થાય છે. 50 અને 60ની વયે શરીર અને મગજ પર તેની અસર સ્પષ્ટ દેખાવા લાગે છે. આજે આપણે જાણીએ કે ઉંમરની શરીર ૫ર કેવી રીતે અસર થાય છે અને આપણે શરીરને તંદુરસ્ત કેવી રીતે રાખી શકીએ છીએ.
વયના વધવા સાથે સામાન્ય રીતે મેટાબોલિઝમ એટલે કે શરીરની કેલરી બર્ન કરવાની ક્ષમતા 10થી 30 ટકા સુધી ઘટી જાય છે. આરામની સ્થિતિમાં બર્ન થતી કેલરીને રેસ્ટિંગ મેટાબોલિક રેટ કહે છે. કામ કરવાથી બર્ન થતી કેલરીને નોન-એક્સરસાઈઝ એક્ટિવિટી થર્મોજેનેસિસ કહે છે. આ સિવાય થર્મિક ઈફેક્ટ ઓફ ફૂડ અને કસરત સાથે મેટાબોલિઝમ બને છે. ઉંમરની સાથે તેના કારણે બર્ન થતી કેલરી 30 ટકા સુધી ઘટવા લાગે છે. તો આ સંજોગોમાં વ્યક્તિએ શું કરવું જોઇએ? માંસપેશીઓના કોષ ઊર્જા માટે કેલરી બર્ન કરે છે. આથી હંમેશા યાદ રાખો કે ડિનર પછી 15 મિનિટ ચાલવું ફાયદાકારક છે.
વધતી ઉંમરની શરીર પર આ રીતે અસર થાય છે

40ની વય પછી...
મગજ: બ્લડ ફ્લો (રક્ત પ્રવાહ) ઘટે છે, ન્યૂરોન્સ વચ્ચે સંપર્કમાં ઘટાડો થાય છે. 40ની વય પછી મગજનું વજન દર 10 વર્ષે 5 ટકા જેટલું ઘટવા લાગે છે. 60ની વય સુધી મગજના સંકોચાવાની પ્રક્રિયા ઝડપી બને છે. ન્યુરોન્સ વચ્ચેના સંપર્કમાં ઘટાડો થવા લાગે છે. નવા નામ યાદ કરવા, શબ્દ રિકોલ કરવામાં મુશ્કેલી પડે છે.
શું કરવું જોઇએ? કોઇ હોબી જરૂર અપનાવો. સંબંધો સારા રાખો. તે આપણી યાદશક્તિ અને મૂડ સુધારે છે. મગજને પડકાર આપે તેવા કામ કરો.
હૃદયઃ ધબકારા ઘટવા લાગે છે, બ્લડ પમ્પ કરવાની ક્ષમતા ઘટતી જાય છે. 40ની વય પછી હૃદયની માંસપેશીઓ કડક થવા લાગે છે.
ધમનીઓમાં કોલેસ્ટ્રોલ એકઠું થવા લાગે છે અને તે કડક થઈ જાય છે. અનેક લોકોમાં હૃદયના ધબકારા 60 બીટ પ્રતિ મિનિટ (સામાન્ય 60થી 100ની વચ્ચે)થી ઓછા થઈ જાય છે. હૃદય 25 વર્ષની વયે લગભગ 2.40 લિટર બ્લડ પમ્પ કરે છે, જ્યારે 40ની ઉંમરે તેનું પ્રમાણ ઘટીને 2 લિટર સુધી પહોંચી જાય છે.
શું કરવું જોઇએ? જોગિંગ અને સાઇકલિંગ જેવી કસરત હૃદયના ધબકારાને વધારે છે. તેનાથી હૃદય લોહીને ઝડપથી પમ્પ કરે છે. સપ્તાહમાં ત્રણથી ચાર દિવસ 30 મિનિટ આ કસરત કરો.

50ની ઉંમર પછી...
હાડકાંઃ ઉંમરની સાથે ટિશ્યૂનું નિર્માણ ઘટવા લાગે છે, તે વધુ તૂટે છે. હાડકાં જીવંત ટિશ્યૂ છે. તે દરરોજ તૂટે અને બને છે, પરંતુ આપણે જ્યારે 50ની ઉંમરની નજીક પહોંચીએ છીએ તો તેમની તૂટવાની ગતિ વધી જાય છે, જ્યારે નિર્માણ ઓછું થાય છે. મહિલાઓમાં તો આ સ્થિતિ હોર્મોન એસ્ટ્રોજનની ઊણપને કારણે વહેલા થવા લાગતી હોય છે.
શું કરવું જોઇએ? સપ્તાહમાં ત્રણથી ચાર દિવસ 30 મિનિટ વેઈટ લિફ્ટિંગ, વોક, જોગિંગ, સીડી ચઢવી કે પછી ડાન્સ વગેરે કરી શકો છો.

65ની ઉંમર પછી...
ઈમ્યુનિટીઃ 65ની ઉંમર પછી શરીરને સુરક્ષા આપતાં ટી સેલ્સ ઘટવા લાગે છે. શરીરની સંપૂર્ણ સુરક્ષા પ્રણાલીમાં ઉંમર વધવાની સાથે ધીમે ધીમે ઘટાડો થાય છે. જોકે, એક ચોક્કસ વય સુધી શરીર મેમરી ટી સેલ્સ (જેમને વ્હાઇટ બ્લડ સેલ્સ પણ કહે છે)નો સંગ્રહ કરતું રહે છે, જે ભૂતકાળમાં થયેલા વાઈરસ કે બેક્ટેરિયાના સંક્રમણથી શરીરને બચાવે છે. જોકે 65 પછી શરીરમાં આ ટી સેલ્સમાં ઘટાડો થવા લાગે છે.
શું કરવું જોઇએ? ભોજનમાં ફળ, શાકભાજી અને નટ્સને સામેલ કરો. જેમાં માઈક્રોન્યુટ્રિયન્ટ હોય છે.
અને હા, આ બધા ઉપરાંત ભરપૂર ઊંઘ લેવાનું ભૂલતાં નહીં.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter