વધતી વયે પણ દિમાગને તેજ રાખશે કસરત, કોયડા અને સામાજિક મુલાકાતો

Wednesday 24th May 2023 09:28 EDT
 
 

સામાન્ય રીતે ઉમર વધવાની સાથે સાથે મગજ સંકોચાતું જાય છે, ખાસ કરીને યાદશક્તિ સાથે સાંમજસ્ય બેસાડવાની ગતિવિધિઓ માટે જવાબદાર ભાગ કોરટેક્સ. જોકે કેટલાક લોકોની સ્મરણશક્તિમાં આ ઘટાડો અત્યંત ધીમી ગતિએ થાય છે. આવા લોકોને સુ૫૨ એજર્સ કહે છે. આ લોકોની ઉંમર 80 વર્ષની હોય તો પણ મગજ 30 વર્ષના યુવાનોની જેમ ચુસ્તી-સ્ફૂર્તિથી કામ કરે છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલે એક તબીબી અભ્યાસના આધારે તારવ્યું છે તેમ સુપર એજર્સમાં 4 ટેવ સામાન્ય જોવા મળી છે. આ ટેવો તેમના મગજને વધતી ઉમરે પણ યુવાનો જેવું બનાવી રાખે છે. તમે પણ આ ચાર ટેવોને અપનાવીને વય વધવા છતાં મગજને યુવાનો જેવું તેજ રાખી શકો છો.
ભોજનમાં ફાઈબર અને નટ્સનું વધુ પ્રમાણ
ફાઈબરયુક્ત ભોજનમાં વિવિધ પ્રકારના હેલ્ધી બેક્ટેરિયા હોય છે. આ બેક્ટેરિયા મગજ માટે જરૂરી વિટામિન્સ, ખનિજ અને એમીનો એસિડ રિલીઝ કરે છે, જે મહત્ત્વનાં ન્યૂરોટ્રાન્સમીટર હોય છે. આ ઉપરાંત શોર્ટ-ચેન ફેટી એસિડ પણ પેદા કરે છે, જેમાં બ્યુરેટ હોય છે. બ્યુરેટ મગજમાં શક્તિશાળી અને સુરક્ષાત્મકપ્રભાવ પેદા કરે છે. આવી જ રીતે નટ્સ જેમ કે અખરોટમાં એક પ્રકારનો ઓમેગા-3 ફેટી એસિડ ડીએચએ જોવા મળે છે, જે ઉંમરની સાથે થતા યાદશક્તિમાં ઘટાડાને રોકવામાં મદદ કરે છે.
ડિમેન્શિયાથી પણ બચાવશે કસરત
કસરતનો સીધો સંબંધ વ્યક્તિની શારીરિક ચુસ્તી-સ્ફૂર્તિ સાથે છે. પરંતુ આ શારીરિક કસરત તમારી વિચારવાની, શીખવાની, સમસ્યા ઉકેલવાની ક્ષમતામાં પણ વધારો કરે છે અને ભાવનાત્મક સંતુલનનો આનંદ લેવામાં પણ તે મદદ કરે છે. તે યાદશક્તિમાં સુધારો કરે છે. ચિંતા અને ડિપ્રેશન ઘટાડે છે. નિયમિત શારીરિક કસરત સ્મરણશક્તિમાં ઘટાડાને ધીમો કરે છે. સાથે સાથે જ ડિમેન્શિયા જેવી બીમારીના જોખમને પણ ઘટાડે છે.
સામાજિક મિલન-મુલાકાત
આજના આધુનિક યુગમાં સૌથી સમસ્યા હોય તો તે છે એકલતા. આ સમસ્યા વ્યક્તિના દિમાગને ખરા અર્થમાં બહુ નુકસાન પહોંચાડે છે, અને સરવાળે તે વ્યક્તિની સ્મરણશક્તિને પણ હાનિ પહોંચાડે છે. આનો શ્રેષ્ઠ ઉપાય છે સામાજિક મિલન-મુલાકાત. સામાજિક રીતે લોકો સાથે - સમાજ સાથે જોડાયેલા રહેવાથી એક્લવાયાપણાની ભાવના દૂર થાય છે. સાથે જ યાદશક્તિ વધુ મજબૂત કરવામાં પણ તે મદદ કરે છે. તેનાથી ખુશીની ભાવના વધે છે. સકારાત્મક સામાજિક રિલેશન મગજમાં ન્યૂરલ સર્કિટ મજબૂત કરે છે. તેનાથી ઉંમર વધવાની સાથે ઘટતી માનસિક ક્ષમતાને બચાવી શકાય છે, એટલું જ નહીં તેને વધારી પણ શકાય છે.
મગજને પડકાર ગમે છે
 જીવનમાં આવતા પડકારો જેમ આપણા વ્યક્તિત્વને મજબૂત બનાવે છે તેમ મગજ કસવું પડે તેવા પડકારો દિમાગને મજબૂત બનાવતા હોય છે. કોઈ પણ પ્રકારની નવી અને પડકારજનક એક્ટિવિટી મગજની ક્ષમતાને ટકાવી રાખવા અને તેમાં સુધારો કરવામાં બહુ જ ઉપયોગી થાય છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના અભ્યાસ અનુસાર ઉંમર વધવાની સાથે-સાથે શીખવા અને વિકાસ કરવાની મગજની ક્ષમતા પર પણ અસર થતી હોય છે. આ મગજની આ ક્ષમતાને બ્રેઈન પ્લાસ્ટિસિટી કહે છે. મગજની આ ક્ષમતાને જાળવી રાખવા માટે અને તેને વિકસાવવા માટે મગજને નિયમિત રીતે તાલીમ આપવી પડે છે. સુડોકુ કોયડા ઉકેલવા, ક્રોસવર્ડ પઝલ ભરવી અને રિઝનિંગ જેવી ગતિવિધિથી મગજની ક્ષમતાને વધારી શકાય છે. અને હા, સુડોકુ કોયડા કે ક્રોસવર્ડ પઝલ માટે બીજે ક્યાંય ખાંખાખોળા કરવાની જરૂર નથી. ‘ગુજરાત સમાચાર’ના પેજ નંબર 24 ખાંખાખોળા કરશો તો બન્ને મળી રહેશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter