વધારે પડતી સક્રિયતા શરીર માટે બની શકે છે કષ્ટદાયક

Wednesday 03rd August 2022 05:16 EDT
 
 

કહેવાય છે કે ઘડપણમાં શક્ય હોય એટલા એક્ટિવ રહેવું, જેથી શારીરિક અને માનસિક રીતે ચુસ્ત-દુરસ્ત રહી શકીએ. જોકે કેટલાક વડીલો ‘એક્ટિવ રહેવાની’ આ સલાહને એટલી ગંભીરતાથી લેતા હોય છે કે તેમને પરિવારજનોએ કહેવું પડતું હોય છેઃ બસ કરો... જરા તમારી ઉંમરને પણ ધ્યાનમાં રાખો. અહીં કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે એક્ટિવ રહેવાના ચક્કરમાં ઘણી બાબતો એવી હોય છે જે ઓવરડોઝ થઈ જતી હોય છે. પરિણામે તેનાથી લાભ થવાને બદલે નુકસાન જ થાય છે. આથી ઘડપણમાં તમારી ઉંમર, શારીરિક સજ્જતા, કાર્યક્ષમતાને આધારે જ કાર્ય કરવું હિતકારક છે. ઉત્સાહમાં આવીને કોઈ પણ કાર્યમાં વધારે પડતો શ્રમ ન કરવામાં જ સમજદારી છે.
• કસરતનો ઓવરડોઝઃ ઉંમર વધવાની સાથે સ્નાયુઓ લચીલા બની જાય છે અને શરીર પણ નબળું પડતું જાય છે. આથી જ વડીલોને સરળ કસરત કરવાની સલાહ આપવામાં આવે છે. વડીલોએ કસરત ચોક્કસથી કરવી જોઈએ, પણ તમારી શારીરિક કાર્યક્ષમતાને નજરમાં રાખીને કસરત કરવી જોઇએ. ક્યારેય એવું ન માની લેશો કે તમે થોડી વધારે કસરત કરી લેશો તો ફિટ રહેશો. આથી ઉલ્ટું વધારે પડતી કસરત કરવાથી સ્નાયુઓ પર વધારે શ્રમ પડે છે અને દુખાવો થવા લાગે છે. આ ઉપરાંત વધારે પડતી કસરતથી શરીરના અન્ય અંગો પર પણ વધારે શ્રમ પડતા તેનું માઠું પરિણામ પણ આવી શકે છે. આથી હંમેશા સરળ કસરતો કરવી અને શરીર જેટલું ખમી શકે તેટલી જ કરવી.
• વિચારોને આપો બ્રેકઃ માનસિક રીતે કાર્યરત રહેવા માટે લોકો પ્રાણાયામ કરે છે, મગજ કસાય તેવી રમતો રમે છે. માનસિક સ્વાસ્થ્ય માટે આ સારું પણ છે, પણ કારણ વગરના વિચારો કે ચિંતા કરવાથી મગજ પર તેની ખરાબ અસર પડે છે. ઘડપણમાં એકલા રહેતા વડીલોને ઘણા બધા મુદ્દે ચિંતાઓ કોરી ખાય છે, જેમ કે તેમના સ્વાસ્થ્યની, નાણાકીય, એકલતા, બીમાર પડ્યા તો સંભાળ કોણ લેશે વગેરે વગેરે. આવા બધા મુદ્દે ચિંતા થવી સ્વાભાવિક છે પણ આવી ચિંતાનો કોઇ મતલબ નથી એ કડવી વાસ્તવિક્તાને સ્વીકારતા શીખો. આમાંના ઘણા બધા મુદ્દા એવા છે કે જેનો અંકુશ તમારા હાથમાં નથી. આમ તે અંગે વિચારો કરતા રહેવાથી કંઈ સારું થવાનું નથી, માત્ર તમારું સ્વાસ્થ્ય જ બગડવાનું છે. હા, શક્ય તેટલું આગોતરું આયોજન જરૂર કરો, અને તમારા સ્વાસ્થ્યની થોડી વિશેષ કાળજી લો. બાકીની બધી ચિંતા ઇશ્વરને સોંપી દો.
• ખાવામાં કંટ્રોલ પણ ફુલસ્ટોપ નહીંઃ દરેક વ્યક્તિની ઉંમર વધવાની સાથે પાચનક્રિયા નબળી પડતી જાય છે. આ કારણે તમે પહેલાંની જેમ બધી જ વાનગીઓ પેટ ભરીને ખાઈ શકતા નથી. સ્વાભાવિક રીતે વ્યક્તિ અવનવી વાનગીઓ ખાવાના શોખીન હોય છે, પણ ઘડપણમાં શરીરના આંતરિક અંગો નબળા પડતા જાય છે. આ કારણે બને તેટલો પૌષ્ટિક ખોરાક આરોગવો. ભોજનમાં તીખું - તળેલું અને વધારે પડતું ગળપણ ખાવું ટાળવું. હા, તમે ક્યારેક ક્યારેક તમારી ઈચ્છા મુજબનો ખોરાક આરોગી શકો છો, પણ તમારી શારીરિક કાર્યક્ષમતાને નજરમાં રાખીને તે ખાવાનો આગ્રહ રાખવો.
• કષ્ટ વેઠીને કોઈ કાર્ય ન કરોઃ ઘરના તેમજ બહારના કામો કરવા ઘણી જ સારી બાબત છે. તેનાથી તમારો સમય પણ પસાર થાય છે અને ઘરના કામ પણ થઈ જાય છે. આ ઉપરાંત સંતાનો સાથે રહેતા વડીલો ઘરના કામોમાં સહકાર આપે તો પરિવારજનોના કામનો ભાર પણ હલકો થાય છે અને ઘરનું વાતાવરણ પણ આનંદિત રહે છે. જોકે આ બધામાં એક વાત યાદ રાખવી કે શરીરને કષ્ટ આપીને કોઈ કામ કરવું નહીં. તમારાથી બનતી મદદ ચોક્કસથી કરો, પણ ગજા બહાર જઈને કામ કરવું શરીર માટે અને મગજ માટે નુકસાનકારક છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter