વયના વધવા સાથે શરીરમાં પોષક તત્વોની બદલાતી રહે છે જરૂરત

Wednesday 23rd November 2022 04:05 EST
 
 

પોષણયુક્ત અને સમતુલિત આહારની જરૂરત માત્ર યુવાવસ્થામાં જ નહીં, વધતી ઉંમર સાથે ઘડપણમાં પણ પડે છે. વધતી ઉંમર સાથે વડીલોને ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વેઠવી પડતી હોય છે તેના અનેક કારણો હોય છે, અને તેમાંનુ એક કારણ પોષણયુક્ત અને સમતુલિત આહારનો અભાવ પણ છે. શરીરને પૂરતા પ્રમાણમાં પોષણ ના મળે તો સમસ્યા વધી શકે છે. આથી જ 50 કે તેનાથી વધારે ઉંમર ધરાવતા વડીલોએ પોષણયુક્ત આહાર આરોગવો જરૂરી છે. જોકે આની સાથોસાથ એ પણ ધ્યાનાં રાખવું રહ્યું કે ઉંમરની સાથે પોષક તત્ત્વોની જરૂરિયાત પણ બદલાતી હોય છે. મોટા ભાગના કિસ્સામાં 50ની ઉંમર પછી વડીલોનો આહાર ઓછો થઇ જાય છે. તેમનો આહાર ઓછા થવાના ઘણા કારણો હોઇ શકે છે. જેમ કે, ભૂખ ના લાગવી, સ્વાદ અને ગંધ પારખવાની શક્તિ ઓછી થઇ જવી, ખોરાક ચાવવા તેમજ ગળવામાં તકલીફ થવી, શારીરિક શક્તિ કે ગતિશીલતા ધીમી થઇ જવી, જૂના રોગ અને દવા, માનસિક અને ભાવનાત્મક અથવા નાણાકીય અસુરક્ષા વગેરે. જો તમે 50 પછી પણ ફીટ રહેવા માગતા હો તો કેટલાક નિયમોને અનુસરવા જરૂરી છે. જેમ કે,
• એક વખતમાં જ પેટ ભરીને જમવાનું ટાળવું. તેના બદલે થોડા થોડા સમયના અંતરે પચવામાં હલકો હોય તેવો થોડો થોડો આહાર આરોગો.
• ગળ્યો ખોરાક, ગળ્યાં પીણાં, ફ્લેવર્ડ જ્યુસની જગ્યાએ તમારા ડાયટમાં ફળોનો સમાવેશ કરો.
• આહારમાં વધારે પડતો પ્રવાહી પદાર્થ આરોગવો કારણ કે પ્રવાહી પદાર્થ તમને હાઇડ્રેટેડ રાખવામાં અને પાચનશક્તિ વધારવામાં મદદ કરે છે.
• ડાયટમાં ફોર્ટિફાઇડ અનાજની જગ્યાએ મિશ્ર અનાજને સ્થાન આપો.
• શારિરીક રીતે હંમેશા એક્ટિવ રહો.
• આહારમાં ડુંગળી, આદું, લસણ, લીબું, જીરુ, અજમો, મેથીના બીજ, બદામ, અખરોટ, નાળિયેર પાણી વગેરે શરીરને ચુસ્ત-દુરસ્ત રાખવામાં બહુ ઉપયોગી છે. પોષકતત્વ ધરાવતી ખાદ્યસામગ્રી સોજામાં રાહત આપે છે તેમજ બ્લડ સર્ક્યુલેશન પણ સારું રાખે છે.
કેટલીક ગેરમાન્યતાઓથી બચો...
• વધતી ઉંમર સાથે ભોજનમાંથી પ્રોટીનની બાદબાકી કરવાની સલાહ આપે છે. ભોજનમાં પ્રોટીન ના લેવું એ ભૂલભરેલું છે. 50ની ઉંમર પછી શરીરને પૂરતી માત્રામાં પ્રોટીન જરૂરી છે.
• ઘણા લોકો વધતી ઉંમર સાથે ભોજનમાં નમક સાવ જ બંધ કરવાની સલાહ આપે છે. પરંતુ હાઇ બ્લડપ્રેશર કે સીરમ સોડિયમ હાઇ હોય તો જ મીઠાનું સેવન ઓછું કે બંધ કરવું જોઇએ. અન્યથા ભોજનમાં પ્રમાણસર મીઠું લેવું જોઇએ.
• ઘણા લોકોનું માનવું છે કે કોટેજ પનીર ખાવાથી કોલેસ્ટ્રોલ વધે છે, પણ યાદ રાખો કે ટોન્ડ દૂધમાંથી બનેલું કોટેજ પનીર આરોગવાથી કોલેસ્ટ્રોલ વધતું નથી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter