શું હૃદય પહોળું થઈ ગયું છે?

સદાબહાર સ્વાસ્થ્ય

Wednesday 04th October 2017 06:56 EDT
 
 

વીતેલા સપ્તાહે આપણે વર્લ્ડ હાર્ટ ડે સંદર્ભે હૃદય વિશે મહત્ત્વની જાણકારી મેળવી હતી. આ સપ્તાહે આપણે પહોળા હૃદયની સમસ્યા અંગે જાણકારી મેળવશું. આપણે ઘણી વાર સાંભળીએ છીએ કે અમુક-તમુક વ્યક્તિનું હાર્ટ ફેલ્યર થઈ ગયું છે. સામાન્ય રીતે આપણે એવું સમજીએ છીએ કે હાર્ટ ફેલ્યર એટલે હૃદય ધબકતું બંધ થઈ ગયું, પણ ખરેખર એવું નથી હોતું. હાર્ટ ફેલ્યરનો અર્થ માત્ર એટલો જ થાય કે આપણા હૃદયે શરીરને સાબૂત રાખવા માટે જેટલું લોહી પમ્પ કરવું જોઈએ એટલું એ પમ્પ નથી કરી શકતું. એટલે જ આવા નબળા હૃદયની યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે તો સ્થિતિ ઉત્તરોત્તર વધુ બગડતી જાય છે.

હાર્ટ ફેલ્યરથી શું થાય?

હૃદય ફેલ થવું એ એક ધીમી પ્રક્રિયા છે. હાર્ટ પૂરતી ક્ષમતાથી લોહી પમ્પ ન કરી શકતું હોવાથી નસોમાં લોહી ભરાઈ જાય છે. શરીરમાં પ્રવાહી ભરાઈ જાય છે. શરીરમાં વધારે પ્રવાહી ભેગું થવાથી પગમાં અને શરીરના બીજા ભાગોમાં સોજા ચડે છે. એવા સમયે ફેફસામાં પ્રવાહી જમા થવાથી દરદીને શ્વાસ ચડે છે. શરૂઆતમાં શ્રમ કરવાથી એમ થાય છે. સમસ્યા બહુ વકરી હોય તો આરામની સ્થિતિમાં પણ શ્વાસ લેવામાં શ્રમ પડે છે. દરદી બેઠો હોય ત્યારે તેને રાહત લાગે છે, સૂઈ જવાથી શ્વાસ વધુ ચડે છે.

પ્રવાહી જમા થતું હોવાથી વજન વધી શકે છે. શરીરને ઓક્સિજનયુક્ત લોહી પૂરતા પ્રમાણમાં ન મળતાં પોષણ પણ ઘટે છે.

આવું શા માટે થાય?

હૃદયરોગના હુમલાથી હૃદયના ખાસ સ્નાયુઓને નુકસાન થાય છે. ઘણી વાર જન્મથી જ હૃદયમાં ખામી હોઈ શકે છે. વાઈરલ ઇન્ફેકશન, હાઈ બ્લડપ્રેશર અને હૃદયના વાલ્વના રોગને કારણે પણ હાર્ટ ફેલ થવાની શક્યતાઓ વધી જાય છે. હાર્ટ ફેલ્યરને કારણે હૃદયના સ્નાયુઓ પર વધુ જોર આવે છે અને એને કારણે આઈડિયલી હાર્ટનો જે શેપ હોવો જોઈએ એનાથી હાર્ટ મસલ્સનો શેપ બદલાઈ છે. આને કારણે હાર્ટની કાર્યક્ષમતા પણ વધુને વધુ ઘટતી જાય છે. તમે ઘણી વાર સાંભળ્યું હશે કે હાર્ટ અટેક પછી ડોક્ટર કહેતા હોય છે કે પેશન્ટનું હાર્ટ પહોળું થઈ ગયું છે. હૃદયનો નીચેનો ભાગ જ્યારે ફૂલીને ગોળાકાર થવા લાગે એને ડાયલેટેડ હાર્ટ કહે છે. એ માટે સચોટ અને અક્સીર ટ્રીટમેન્ટ એસવીઆર સર્જરી છે.

હાર્ટ રીશેપિંગ સર્જરી

જેમ કુંભાર ચાકડા પર માટીનો લોંદો બેસાડીને યોગ્ય આકારનો ઘડો તૈયાર કરે છે કે શિલ્પકાર માટી અને પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી મૂર્તિ બનાવે છે એમ જ હાર્ટ સર્જન હૃદયની જ નબળી થયેલી પેશીઓનો ઉપયોગ કરીને હૃદયને પહેલાં કરતાં વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવે છે. એ સર્જરીનું નામ છે એસવીઆર સર્જરી. આખું નામ છે સર્જિકલ વેન્ટ્રિક્યુલર સિસ્ટોરેશન.

આપણું હૃદય નીચેથી સાંકડું અને ઉપરથી પહોળું યાને કે શંકુ આકાર જેવું હોય છે. એટલે જ એ નીચેની ઉપર તરફનું પ્રેશર આપીને પમ્પિંગ કરી શકે છે. જો નીચેનો ભાગ ઉપર જેટલો જ કે એનાથી વધુ પહોળો થઈ જાય તો બ્લડ પમ્પ યોગ્ય ફોર્સથી નથી થઈ શકતું. એસવીઆર સર્જરીમાં હૃદયમાં હૃદયના પહોળા થઈ ગયેલા ફુગ્ગા જેવા ભાગને સાંકડો કરીને ફરીથી મૂળ શંકુ આકારમાં લાવી દેવામાં આવે છે.

આ સર્જરીમાં શું થાય?

હૃદયના ચાર ભાગ હોય છે. એમાંથી વેન્ટ્રિક્યુલર એટલે કે ડાબા ક્ષેપકને મૂળ આકારમાં લાવવા માટે પહેલાં હૃદયની અંદર ઉતારી એની ફરતે કાપો મૂકી યોગ્ય આકાર આપી પહોળી થઈ ગયેલી વધારાની દીવાલને કાપી મૂળ શંકુ આકાર બનાવવામાં આવે છે. ક્ષેપક સંકોચાતાં ફરીથી હૃદય પહેલાંની માફક ધબકવા લાગે છે. હૃદયની ક્ષમતા વધવાને કારણે શ્વાસ ચડવાની, પાણી ભરાવાની સમસ્યાઓ વિના દરદી સામાન્ય જીવન જીવી શકે છે.

આ હાર્ટ ફેલ્યરને કારણે હૃદય પહોળું થઈ ગયું હોય એવા દરદીઓના ઇલાજ માટેની સૌથી આધુનિક પદ્ધતિઓમાંની એક છે. અત્યાર સુધીમાં કરાયેલી સર્જરીમાં એની સફળતાનો દર ૯૦ ટકા જેટલો જોવા મળ્યો છે. જે દરદીઓનું હૃદય ૨૦ ટકાથી ઓછું કામ કરી રહ્યું હોય એવી વ્યક્તિઓમાં ૧૫થી ૧૬ ટકા જેટલું જોખમ હોય છે. ૨૧થી ૩૦ ટકા જેટલું કામ કરી રહ્યું હોય તો ૯ ટકા અને ૩૧ થી ૪૦ ટકા જેટલી ક્ષમતા ધાવનારાઓમાં આ સર્જરીથી ત્રણ ટકાથીયે ઓછું જોખમ રહેલું છે.

પ્રિવેન્શન માટેનાં પગલાં

ભોજનમાં મીઠું ઓછું લેવું. પ્રવાહી ઓછું લેવું. હૃદયને મજબૂત બનાવતી અને શરીરમાંથી પ્રવાહીનો નિકાલ કરવામાં મદદ કરતી દવાઓ લેવી. વધુ પડતો શ્રમ પડે એવું કામ કરવાથી દૂર રહેવું. હળવી કસરતો કરતા રહેવી.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter