સુપરફૂડ્સ ખાઓ, સ્વસ્થ રહો

Wednesday 21st August 2019 06:51 EDT
 
 

સુપરફૂડ્સ એટલે શરીર માટે લાભકારક એવા ખાદ્ય પદાર્થો જે પોષક દ્રવ્યો કે ફાયટોકેમિકલ તત્વોથી ભરપૂર હોય, જે ચોક્કસ પ્રકારના આરોગ્યપ્રદ લાભો ધરાવતો હોય, જેની કોઈ નકારાત્મક અસર શરીર પર ના થતી હોય અથવા તો ખૂબ ઓછી થતી હોય તેમ જ જે સેચ્યુરેટેડ ફેટ્સ જેવા નુકસાનકારક તત્વો ખૂબ ઓછા પ્રમાણમાં ધરાવતો હોય. આવો, આજે આપણે આવાં જ કેટલાંક સુપર ફૂડ્સ વિશે જાણીએ...
• આલ્મંડ મિલ્કઃ મેગ્નેશિયમ, પોટેશિયમ અને વિટામિન-ઈથી ભરપૂર એવું આલ્મંડ મિલ્ક કેલરીનું નહીંવત્ પ્રમાણ ધરાવે છે અને હૃદય માટે અત્યંત ફાયદાકારક છે. આલ્મંડ મિલ્કમાં કોલેસ્ટ્રોલ નથી હોતું. માત્ર ૫ મિલીગ્રામ સોડિયમ અને ૮ ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ તેના પ્રતિ સર્વિંગમાં હોય છે. વળી તે ગ્લાયસેમિક ઈન્ડેક્સનું પ્રમાણ નીચું ધરાવે છે એટલે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.
• પાલકઃ પાલકમાં નિયાસીન, ઝિંક, વિટામિન સી અને ફાઈબર જેવાં શરીરને જરૂરી એવાં તત્વો રહેલાં છે. પાલકમાં કેલરી ખૂબ ઓછી હોય છે, પણ તે પોષક દ્રવ્યોથી ભરપૂર હોય છે. તે વય સંબંધિત મેક્યુલર ડીજનરેશનને અટકાવવામાં મદદ કરે છે. ઉપરાંત મોતિયો, કેટલાંક પ્રકારના કેન્સર તેમજ હૃદય સંબંધિત રોગોનો અટકાવવામાં પણ ઉપયોગી છે.
• મધઃ મધમાં વિટામીન-બી૬, થિયામીન, નિયાસીન અને એમિનો એસિડ્સ હોય છે. તેમાં રહેલા એન્ટિ-ઓક્સિડન્ટ્સ શરીરમાં રહેલા ફ્રી રેડીકલ્સને દૂર કરી કેન્સરનું જોખમ ઓછું કરે છે. આ ઉપરાંત મધ શરીર માટે લાભદાયી બેક્ટેરિયાનું પ્રમાણ ખૂબ વધારે છે. વિટામિન-સી, કેલ્શિયમ અને લોહતત્વ પણ આ સોનેરી પ્રવાહીમાંથી પ્રાપ્ત કરી શકાય છે. મધના સેવનથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને તમે જીવનભર સ્વસ્થ અને ચુસ્ત રહી શકો છો.
• રાસબેરીઃ સ્વાદમાં મધુર રાસબેરીમાં મેંગેનીઝ અને એન્થોસિયાનીન ફ્લેવોનોઈડ્સ હોય છે. એન્થોસિયાનીન ફ્લેવોનોઈડ્સના કારણે રાસબેરીમાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ ભરપુર માત્રામાં હોય છે. આ ઉપરાંત તેમાં એલેજિક એસિડ હોય છે, જે કેન્સર અને શરીરમાં થતાં સોજાની સામે લડત આપે છે.
• નારંગીઃ નારંગીમાંથી વિટામીન-સી, ફાઈબર, કેલ્શિયમ, બી કોમ્પલેક્સ વિટામીન્સ ભરપૂર માત્રામાં મળે છે. મધ્યમ કદની નારંગી દરરોજ ખાવ તો દરરોજ માટે જરૂરી વિટામીન-સી મેળવી શકો છો અને રોગપ્રતિકારક-શક્તિ પણ સુદૃઢ બને છે.
• કેળાંઃ કેળાં પોટેશિયમ અને રેઝિસ્ટન્ટ સ્ટાર્ચ ધરાવે છે. પોટેશિયમનું પ્રમાણ કેળામાં વધારે હોવાથી તે તમારા બ્લડપ્રેશરને અંકુશમાં રાખે છે. આ ઉપરાંત કેળાં રેઝિસ્ટન્ટ સ્ટાર્ચનો ઉત્તમ સ્ત્રોત છે. તેમાં રહેલાં ફાઈબર્સ તમારા મેટાબોલિઝમને વેગ આપવા સક્ષમ હોય છે. કેળામાં શર્કરા હોવાથી તેમાં કેલેરીનું પ્રમાણ વધારે છે, પરંતુ તેમાં પોટેશિયમ, વિટામીન-બી૬, વિટામીન-સી, મેગ્નેશિયમ, કોપર જેવાં શરીરને માટે જરૂરી એવા અનેક પોષક તત્વો પણ છે.
• સ્ટ્રોબેરીઝઃ સ્ટ્રોબેરીઝમાં વિટામીન-સી અને ફોલેટનું પ્રમાણ વધુ હોય છે. દરરોજ એક કપ તેનો જ્યૂસ પીવાથી તમારી રોજિંદી જરૂરતનું વિટામીન-સી મળી રહે છે. આ ઉપરાંત તેમાં ફોલેટ સામેલ છે જે તમારા હૃદયને સલામત રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એટલું જ નહીં, સ્ટ્રોબેરી તમારા દાંતને કુદરતી ચમકતા રાખવામાં પણ મદદ કરે છે. તેમાં રહેલું વિટાનીન-સી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેના એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણધર્મ સાંધામાં થતા સોજો ઘટાડે છે. આમ આર્થરાઈટિસ અને ગાઉટના દર્દીઓ માટે સ્ટ્રોબેરી ઘણી લાભદાયી છે. આ ઉપરાંત તે અમુક પ્રકારના કેન્સર સામે પણ રક્ષણ આપે છે.
• બ્રોકોલીઃ બ્રોકોલીનો સમાવેશ સુપર ફૂડમાં થાય છે કારણ કે તે શક્તિશાળી એન્ટિ-ઓક્સિડેન્ટ અને એન્ટિ-કાર્સિનોજન ભરપૂર માત્રામાં ધરાવે છે, જે બ્રેસ્ટ, સર્વાઈકલ અને પ્રોસ્ટેટ કેન્સર થતું અટકાવે છે. બ્રોકોલીમાં ભરપૂર બીટા-કેરોટીન, ઝિંક અને સેલેનિયમ હોય છે, જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. બ્રોકોલીમાં કેરોટીનોઈડ લ્યુટિન, વિટામીન-બી૬ અને ફોલેટ સામેલ હોય છે. જે આર્થોસ્કેરોસીસ, હૃદયરોગ કે બ્રેઈન સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે. તે કોઈ પણ ડેરી ઉત્પાદન કરતાં વધુ કેલ્શિયમ અને વિટામિન-કે ધરાવે છે, જે હાડકાંની સ્વસ્થતા જાળવે છે અને ઓસ્ટિયોપોરોસીસનું જોખમ ઘટાડે છે. બ્રોકોલીમાં રહેલા પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા ખનીજો આપણા શરીરમાં બ્લડ પ્રેશરને નિયમિત બનાવે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter