હીઅરિંગ એઈડ લગાવે તો 4 મિલિયન બ્રિટિશર લાંબુ જીવે
તમને કદાચ નવાઈ લાગે કે હીઅરિંગ એઈડ લગાવાય તો લાંબુ કેમ જીવાય? પરંતુ, આ હકીકત છે કે સાંભળવાની ક્ષમતા સુધારીને 4 મિલિયનથી વધુ બ્રિટિશર લાંબુ જીવી શકે છે. ધ લાન્સેટ હેલ્ધી લોન્ગેવિટી જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ જણાવે છે શ્રવણક્ષમતા સુધારવાથી મગજને ડીપ્રેશન અને સ્મૃતિભ્રંશનું જોખમ ઘટે છે અને પરિણામે અકાળ મોતનું જોખમ 24 ટકા ઘટે છે. યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાના સંશોધક ડો. જેનેટ ચોઈએ યુએસના 9885 લોકોના મેડિકલ રેકોર્ડ્સનો અભ્યાસ કર્યા પછી આ તારણ કાઢ્યું હતું. હીઅરિંગ એઈડ્સ લોકોના આરોગ્યમાં સંરક્ષક ભૂમિકા ભત્રજવે છે અને અકાળ મોતને અટકાવી શકે છે. અભ્યાસમાં જણાવાયું છે કે સપ્તાહમાં ઓછામાં ઓછાં પાચ કલાક હીઅરિંગ એઈડ્સનો ઉપયોગ કરાય તેને નિયમિત તરીકે વર્ગીકૃત કરી શકાય છે. સાંભળવાની તકલીફના કારણે બહેરાં લોકો સાથે વાતચીત કરવાનું ટાળવામાં આવે છે પરિણામે તેઓ એકલતા અનુભવે છે જે સ્થિતિ ડીપ્રેશન અને અકાળે મોત સાથે સંકળાયેલી છે. યુકેમાં પાંચમાંથી એક પુખ્ત વ્યક્તિ અથવા 10 મિલિયનથી વધુ લોકો, જેમાંના મોટા ભાગના 60 વર્ષથી વધુ વયના હોય છે, કોઈ પ્રકારની સાંભળવાની સમસ્યાથી પીડાય છે. હીઅરિંગ ડોગ્સ ફોર ડેફ પીપલ ટેરિટીના અંદાજ મુજબ યુકેમાં 6.7 મિલિયન લોકોને હીઅરિંગ એઈડ્સથી લાભ થઈ શકે છે પરંતુ, આશરે માત્ર 2 મિલિયન લોકો જ તેનો ઉપયોગ કરે છે.
•••
એક્યુપંક્ચર થકી સ્ટ્રોકના જોખમમાં ઘટાડો
તાઈવાન અને ચીનના સંશોધકોએ રહ્યુમેટાઈડ આર્થ્રાઈટિસ (RA) ધરાવતા લોકોના ડેટાની સરખામણી કરી તેમને એક્યુપંક્ચર થકી કાર્ડિઓવાસ્કુલર ફાયદો મળી શકે કે કેમ તેની ચકાસણી કરી હતી. એક્યુપંક્ચર થેરાપી શરીરના ચોક્કસ સ્થાનોએ વિશિષ્ટ નીડલ્સ ખોસીને પીડામાં રાહત મેળવવાની સારવાર છે. સંશોધકોને જણાયું હતું કે રહ્યુમેટાઈડ આર્થ્રાઈટિસમાં એક્યુપંક્ચર થેરાપી લેનારા દર્દીઓને સ્ટ્રોક આવવાના જોખમમાં 43 ટકાનો ઘટાડો જોવામાં આવ્યો હતો.
રહ્યુમેટાઈડ આર્થ્રાઈટિસ ઓટોઈમ્યુન રોગ છે જેનાથી ક્રોનિક સાંધાની દુઃખાવા, સાંધાની વિકૃતિઓ અને દાહ, સોજા અને બળતરા સહિત શરીરને નબળું પાડતાં રોગો થાય છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના આંકડા મુજબ વિશ્વના કરોડો લોકો રહ્યુમેટાઈડ આર્થ્રાઈટિસથી પીડાય છે. ઈન્સ્ટિટ્યૂટ મુજબ યુએસમાં દર 100,000 વ્યક્તિએ 25 થી 27.5 લોકો રહ્યુમેટાઈડ આર્થ્રાઈટિસથી પીડિત છે. યુકેમાં વસ્તીના લગભગ એક ટકા અથવા 450,000 થી વધુ લોકો RA થી પીડાય છે. સામાન્ય રીતે આ રોગ 40થી 60 વર્ષની વય વચ્ચે થાય છે તેમજ પુરુષોની સરખામણીએ સ્ત્રીઓમાં તેનું પ્રમાણ બેથી ત્રણ ગણું હોય છે.
સાન્ટા મોનિકા, કેલિફોર્નિયાના પ્રોવાઈડન્સ સેન્ટ જ્હોન્સ હેલ્થ સેન્ટરમાં કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજીસ્ટ ડો. ઋગ્વેદ તડવાલકરના જણાવ્યા મુજબ રહ્યુમેટાઈડ આર્થ્રાઈટિસના લાંબા ગાળાના સોજાના લક્ષણો સાંધાઓથી પણ આગળ વધી રક્તવાહિનીઓને અસર કરે છે અને એથેરોસ્ક્લેરોસિસને ઉત્તેજન આપે છે. આના પરિણામે ધમનીઓ સાંકડી બને છે તેમજ હાર્ટ એટેક્સ અને સ્ટ્રોકસનું જોખમ વધે છે.