હેલ્થ ટિપ્સઃ કોથમીરઃ વાળ માટે અતિશય ગુણકારી

Saturday 01st June 2019 06:28 EDT
 
 

કોથમીર જેમ આંખો માટે ગુણકારી છે, તેમ વાળ માટે પણ ખૂબ ગુણકારી છે. જેમ તે આંખોની રોશની તેજ બનાવે છે તેમ વાળનો ગ્રોથ વધારવામાં પણ બહુ અકસીર છે. આજકાલ વાળ ખરવાની સમસ્યા લગભગ દરેક લોકને સતાવે છે. એવામાં વાળનો ગ્રોથ ઘટી જાય એ કોઈ નવાઈની વાત નથી રહી. મોટા ભાગે લોકો પાંખા વાળની સમસ્યાથી પીડાતા હોય છે. વાળ ડ્રાય થઈ ગયા હોય અને તેને રીપેર કરવા માટે સારા શેમ્પૂ કે કન્ડિશનર વાપરીએ તો તે કારણે વાળ ખરવા લાગે અને જો વાળ ખરવાની સમસ્યા ઉપર ધ્યાન આપીને વાળનો ગ્રોથ વધારવા કાર્યરત થઈએ તો વાળ ડ્રાય થઈ જતા હોય છે. અલબત્ત કોથમીર આ બધામાં મદદરૂપ થાય છે. કઈ રીતે તે જોઈ લઈએ.
કોથમીર એ એક પ્રકારનું હેર-ટોનિક છે. કોથમીરમાં એપીજેનીન નામનું એન્ટિ-ઓક્સિડન્ટ હોય છે. જે વાળને ખરતાં રોકે છે. તેની ઉપર નિયંત્રણ લાવે છે. વાળને સારા બનાવવા તમે કોથમીરનો રસ પી શકો છો. સાથે સાથે તેને તમે વાળમાં લગાવશો તો તેનાથી પણ ખૂબ ફાયદો થશે. કોથમીરને વાળમાં લગાવવા માટે આશરે ૧૦૦ ગ્રામ જેટલી કોથમીરને સમારીને તેને માપસર પાણીમાં લગભગ અડધો કલાક જેટલી ઉકાળી પાણી બરાબર ઉકળી જાય એટલે તેને ગાળી લો. ત્યાર બાદ તે પાણીમાં એક લીંબુનો રસ મિક્સ કરીને તે પાણીથી વાળને ધોઈ લો. એક વાત યાદ રાખવી કે કોથમીરના પાણીથી વાળ હંમેશાં શેમ્પૂ કરી લીધા પછી ધોવા. પહેલાં નહીં. આમ કરવાથી વાળ સિલ્કી, ચમકીલા અને સુંદર બનશે. આનાથી વાળનો ગ્રોથ પણ વધશે.
• વાળને ચમકદાર બનાવવાઃ કોથમીરમાં કોપરની માત્રા ભરપૂર હોય છે. આથી તે શ્રેષ્ઠ ટોનિક સાબિત થાય છે. જો તમે હેર કલર કરાવ્યો હોય અને તેના કારણે વાળ નિસ્તેજ થઈ ગયા હોય તો તેમાં પણ કોથમીર ખૂબ મદદરૂપ થઈ શકે છે. કોથમીરની બીજી મહત્ત્વની બાબત એ એ છે કે તે હેર કલરને લાંબો સમય સુધી વાળમાં ટકાવી રાખવામાં મદદરૂપ થાય છે અને હેર કલરથી વાળને જે નુકસાન થયું હોય તેને પણ રીપેર કરે છે. આ માટે એક જુડી કોથમીરને પાણીમાં ઉકાળીને તે પાણી ઠંડું થાય એટલે શેમ્પૂ કરતાં પહેલાં તે પાણી વડે વાળ ધોઈ લેવા. યાદ રાખો કે હેર કલર કરાવ્યા હોય અને તેની ચમક જાળવી રાખવા તેમજ હેર કલરની માઠી અસરમાંથી વાળને બચાવવા શેમ્પૂ કરતાં પહેલાં કોથમીરના પાણીથી વાળ ધોવા.
• વાળનો ગ્રોથ વધારવાઃ હેર ગ્રોથ વધારવામાં કોથમીરને કોઈ પહોંચી શકે એમ નથી. કોથમીરને ક્રશ કરીને તેની અંદર થોડું દિવેલ મિક્સ કરી હળવે હાથે માથામાં માલિશ કરો. આમ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સારું બનશે અને વાળનો ગ્રોથ પણ ખૂબ વધશે. દર અઠવાડિયે માલિશ કરવાથી વાળના ગ્રોથમાં એક મહિનામાં જ ફેર દેખાવા લાગશે.
• જૂની તકલીફથી મુક્તિ માટેઃ નાના બાળકોને માથામાં વારંવાર જૂ પડી જતી હોય છે. કોથમીર એ સમસ્યામાંથી પણ બચાવી શકે છે. આ માટે તેને ક્રશ કરીને તેમાં એક લીંબુ નીચોવવું, અને નાનકડી એવી ફટકડીને વાટીને તેનો ભૂક્કો તેમાં મિક્સ કરી દેવો. આ મિશ્રણને માથામાં લગાવવાથી જૂ તરત નાશ પામશે અને ફરી નહીં પડે.
• ખોડાની તકલીફમાંઃ ખોડાની તકલીફમાંથી છૂટકારો મેળવવા પણ કોથમીર ઉપયોગી છે. આ માટે કોથમીરને ક્રશ કરીને તેમાં એક લીંબુ નાખી આ મિશ્રણને માથામાં લગાવો. અડધી કલાક આ મિશ્રણ લગાવી રાખીને ઠંડા પાણીથી વાળ ધોઈ લેવાથી ખોડાની સમસ્યા દૂર થાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter