હેલ્થ ટિપ્સઃ તુલસીઃ તન-મનને લાભકારી - ગુણકારી...

Sunday 12th January 2020 05:21 EST
 
 

તુલસીનો છોડ સામાન્ય રીતે દરેક ભારતીયના ઘરમાં જોવા મળે છે. તુલસીના પાનને કાચા ચાવીને ખાઈ શકાય છે અને તેને ચામાં નાખીને ચા અથવા કાઢો બનાવીને પણ પી શકાય છે. તુલસીની તાસીર ગરમ હોય છે. તેથી તે શરદી-ઉધરસ જેવી તકલીફમાં ઘણી રાહત આપે છે. આ ઉપરાંત તુલસીના અન્ય લાભ વિશે પણ જાણીએ.
• તુલસીના પાન શરીરને ડિટોક્સિફાય કરી પાચનક્રિયા અને શરીરને સારું બનાવે છે. શરીરમાં રહેલા વિષાક્ત પદાર્થોનો તુલસી નાશ કરે છે.
• તુલસી ત્વચા માટે પણ લાભકારક છે. તેના પાન ચાવીને ખાવાની ત્વચા આંતરિક સ્વચ્છ થાય છે. પાનને લસોટીને તેની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ત્વચાનો મેલ દૂર થાય છે અને ત્વચા ચમકદાર બને છે.
• ત્વચા સંબંધિત રોગો જેવા કે શીળસ, ખરજવું વગેરે હોય તો તેના પર તુલસીના પાનની પેસ્ટ લગાવવાથી રાહત મળે છે અને ધીરે ધીરે આ સમસ્યાઓ દૂર થઈ જાય છે.
• તાવ આવવો, માથાનો દુખાવો, ગળામાં ખરખરાટી થવી, ફ્લુ અથવા છાતીમાં કફ જામી ગયો હોય તો તુલસીના પાન ખાવાથી અથવા ચામાં તુલસીના ચાર-પાંચ પાન નાખીને પીવાથી રાહત રહે છે. ખાસ કરીને શરદી અને છાતીમાં જામી ગયેલા કફને દૂર કરે છે.
• અસ્થમા, બ્રોન્કાઇટિસ વગેરેના દર્દીઓને પણ તુલસીના પાન ખાવાથી સારું રહે છે. તેમની તકલીફમાં રાહત મળે છે.
• અત્યારના જમાનાની સૌથી મોટી સમસ્યા છે સ્ટ્રેસ. તુલસીમાં સ્ટ્રેસ દૂર કરનારા તત્ત્વો રહેલા હોવાથી તે શ્રેષ્ઠ સ્ટ્રેસ બૂસ્ટર છે. આ ઉપરાંત તે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને ખાદ્યપદાર્થોના પાચનમાં મદદરૂપ થાય છે.
• તેમાં ફાઈટો-ન્યુટ્રિઅન્ટ્સ, એસેન્શિયલ ઓઈલનું પ્રમાણ વધારે છે. તુલસીનું સેવન કરવાથી તાવ, અસ્થામામાં રાહત રહે છે.
• દાંતના અને પેઢાના દુખાવામાં પણ તુલસીના પાન ખાવાથી સારું રહે છે.
• ઘણા ઓછા લોકો જાણતા હશે કે તુલસી જીવાત દૂર રાખવામાં પણ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે.
• ખીલ, ફોલ્લીઓ પર તુલસીના પાનને વાટીને તેની પેસ્ટ લગાવવાથી તે બેસી જાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે તુલસી લાભકારક છે. તે લોહીમાં શર્કરાનું પ્રમાણ જાળવી રાખે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter