હેલ્થ ટિપ્સઃ ભોજનમાં લીંબુને સામેલ કરો, આરોગ્ય સુધારો

Sunday 12th May 2024 05:59 EDT
 
 

લીંબુ માત્ર ભોજનનો સ્વાદ વધારવા માટે નથી પણ તે સ્વાસ્થ્યનો ખજાનો પણ છે. લીંબુના સેવનથી શરીરને કુદરતી રીતે પોષણ મળે છે. તમે દરરોજ તમારા આહારમાં લીંબુનો સમાવેશ કરીને તમારા સ્વાસ્થ્યને સુધારી શકો છો. આજે આપણે લીંબુના આવા જ કેટલાક ખાસ ગુણો વિશે જાણીએ.
• ઇમ્યુનિટી વધારે: લીંબુમાં વિટામિન-સી હોય છે જે વ્હાઇટ બ્લડ સેલ્સના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે. આપણે સહુ જાણીએ છીએ કે વ્હાઇટ બ્લડ સેલ્સ શરીરને રોગ સામે લડવામાં મદદ કરે છે. શરદી અને ઉધરસ જેવી વાઇરલ બીમારીઓથી બચવા માટે નવશેકા પાણીમાં લીંબુ અને મધ ભેળવીને નિયમિત પીવાથી ફાયદો થાય છે.
• પાચન સુધારેઃ લીંબુનો રસ પાચન ઉત્સેચકોના ઉત્પાદનમાં વધારો કરે છે, જેનાથી ખોરાક સરળતાથી પચી જાય છે. પેટ ફૂલવું અને અપચો જેવી સમસ્યાઓથી રાહત અપાવવામાં પણ લીંબુ પાણી અસરકારક છે.
• વજન ઘટાડેઃ લીંબુ પાણી શરીરને હાઈડ્રેટેડ રાખે છે અને શરીરના કચરાને બહાર કાઢવામાં મદદ કરે છે. શરીરનું આ ડિટોક્સીફિકેશન વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. હૂંફાળા પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને સવારે ખાલી પેટ પીવાથી વજન ઘટાડવાની પ્રક્રિયા ઝડપી બને છે.
• ત્વચા માટે વરદાન: લીંબુમાં રહેલા વિટામિન-સી અને એન્ટિઓકિસડન્ટ ત્વચાને યુવાન રાખે છે અને કરચલીઓ ઘટાડે છે. લીંબુના રસમાં થોડું મધ ભેળવીને ચહેરા પર લગાવવાથી ત્વચામાં નિખાર આવે છે.
• વાળ મજબૂત કરેઃ લીંબુનો રસ વાળના મૂળને મજબૂત કરવામાં અને ડ્રાયનેસ દૂર કરવામાં મદદ કરે છે. ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મેળવવામાં પણ લીંબુનો રસ બહુ અસરકારક છે.
• ઘા ઝડપથી રૂઝાય: લીંબુના રસમાં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે, જે શરીરના કોઇ પણ ભાગમાં થયેલા ઘાને ઝડપથી મટાડવામાં મદદ કરે છે. હૂંફાળા પાણીમાં લીંબુ અને ફુદીનો ભેળવીને સવારે ખાલી પેટ પીવાથી શ્વાસની દુર્ગંધ પણ દૂર થાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter