હેલ્થ ટિપ્સઃ માત્ર ત્રણ મિનિટમાં સ્ટ્રેસ ઘટાડશે બ્રિધિંગ એક્સરસાઇઝ

Saturday 08th June 2024 08:47 EDT
 
 

વધુ પડતા માનસિક તણાવની સ્થિતિમાં મોટાભાગે હાર્ટબીટ અને બ્લડપ્રેશર વધી જાય છે. જોકે શ્વાસોચ્છવાસની કસરતથી શ્વાસને નિયંત્રિત કરીને શરીરને રિલેક્સ અવસ્થામાં લાવી શકાય છે. અમેરિકાના લોસ એન્જલસમાં હેડસ્પેસ મેડિટેશન ટીચર ડોરા કમાઉના અનુસાર સ્ટ્રેસ અનુભવો ત્યારે જો તમે આ સિમ્પલ બ્રિધિંગ એક્સરસાઈઝ કરો છો તો તે બહુ ઝડપથી રાહત આપે છે. આ એક્સરસાઇઝને રોજિંદી આદત બનાવવા માટે તેને તમારા રુટિનમાં સામેલ કરો. જેમ કે, ઘરેથી નીકળતા પહેલાં, કોઇ કામ શરૂ કરતાં પહેલા આ કસરત કરો. ધીમે-ધીમે પ્રેક્ટિસની સાથે તે તમારા ડેઇલી રુટિનનો ભાગ બની જશે.
પાંચ સ્ટેપમાં આ રીતે કરો શ્વાસોચ્છવાસની આ કસરત
1) સુવિધા મુજબ આરામદાયક સ્થિતિમાં બેસી જાઓ. આંખોને ખુલ્લી કે બંધ રાખી શકો છો.
2) હવે ધીમે-ધીમે એકથી ચાર સુધી ગણતાં-ગણતાં નાક વડે ઊંડો શ્વાસ લો. શ્વાસ લેતાં સમયે હવા પેટમાં ભરવાનો પ્રયાસ કરો.
3) હવે એકથી છ સુધી ગણતાં જઈને ધીમે-ધીમે મોઢેથી શ્વાસ છોડો. પેટમાંથી હવા ખાલી કરવાનો પ્રયાસ કરો.
4) આ સમગ્ર પ્રક્રિયાને ફરી રિપીટ કરો.
5) આ પછી સામાન્ય રીતે શ્વાસ લો. શ્વાસ પર ધ્યાન કેન્દ્રીત કરો. તમને કેવું લાગી રહ્યું છે તેના પર ધ્યાન આપો.
આજની ભાગદોડભરી જિંદગીમાં સ્ટ્રેસ કાયમ રહેશે, પરંતુ ઊંડા શ્વાસોચ્છવાસની આ કસરત તેનો સામનો કરવાની તમારા શરીરની કુદરતી ક્ષમતા વધારે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter