હેલ્થ ટિપ્સઃ શરીર માટે અતિ ગુણકારી જીરું

Saturday 19th October 2019 03:56 EDT
 
 

કોઇ પણ વસ્તુમાં જીરું નાખીએ એટલે તેનો સ્વાદ અને સુગંધ બંને લાજવાબ બની જતાં હોય છે. એટલે જ જીરુંનો ઉપયોગ વઘાર કરવામાં થાય છે, તો સાથેસાથે છાશમાં પણ લોકો જીરું પાઉડર નાખતાં હોય છે. અરે, ઘણાં ઘરમાં તો લીંબુ શરબતમાં પણ જીરું પાઉડર નાખવામાં આવે છે. શેકેલા જીરુંને ક્રશ કરીને તમે જીરું પાઉડર બનાવીને જમવાની વાનગીને ટેસ્ટી બનાવી શકો છો. જોકે જીરું માત્ર સ્વાદ માટે જ છે એવું નથી, તે શરીર માટે પણ એટલું જ ગુણકારી છે. શરીરને જીરુંથી ઘણાં ફાયદા થાય છે. તેનાથી પાચનક્ષમતા મજબૂત બને છે તો કબજિયાતની તકલીફ પણ દૂર થાય છે. આમ, જીરું ભલે દેખાવે સાવ ઝીણું હોય પણ તેના ફાયદા અનેક છે. તો ચાલો જાણી લઇએ કે જીરું શરીર માટે કઈ કઈ રીતે લાભદાયી બને છે.

પાચનને સુધારે છે

જીરું પાચનતંત્રને મજબૂત બનાવવા માટે જાણીતું છે. જીરાની અંદર થાઇમોલ કમ્પાઉન્ડ સારા એવા પ્રમાણમાં હોય છે, તે શરીરના સેલિવરી ગ્લેન્ડ્સને પ્રોત્સાહિત કરવાનું કાર્ય કરે છે. આ કારણે શરીરનું પાચનતંત્ર સુધરે છે અને મજબૂત બને છે. જેને પણ અપચાનો પ્રશ્ન સતાવતો હોય તેણે જીરાવાળી ચા અથવા તો છાશમાં જીરું પાઉડર નાખીને દિવસમાં ત્રણ વાર પીવી જોઇએ. તે સિવાય તમે એક કપ પાણીમાં એક ચમચી જીરું નાખીને તેને અડધો કલાક રહેવા દઇને તે પાણી ગાળીને પીવો. આવું દિવસમાં ત્રણ વાર કરો. માત્ર એક જ અઠવાડિયાની અંદર પાચનક્ષમતામાં ઘણો ફેર પડતો જોવા મળશે.

કબજિયાતને દૂર રાખે છે

જીરુંમાં ફાઇબરની માત્રા ખાસ્સા પ્રમાણમાં હોય છે. આ ફાઇબર શરીરની ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ગતિવિધિઓને પાટા પર લાવવાનું કામ કરે છે. જીરું શરીરમાં થતાં એન્ઝાઇમના સ્ત્રાવને પણ પ્રોત્સાહિત કરવાનું કાર્ય કરે છે. આ જ કારણે જીરુંને પ્રાકૃતિક લેક્સેટિવના રૂપમાં વાપરવામાં આવે છે. આ ગુણથી જ જીરું જૂની કબજિયાત અને પાઇલ્સને ઠીક કરવાનું કાર્ય પણ કરે છે. કબજિયાતની તકલીફ દૂર કરવા માટે જીરાને શેકી નાખો. તેને શેકી નાખ્યા બાદ ક્રશ કરી લો. આ પાઉડર રોજે અડધા ગ્લાસ પાણીમાં એક ચમચી મિક્સ કરી તેમાં એક ચમચી મધ નાખી ખાલી પેટે સવારે પીવો. એક જ મહિનામાં કબજિયાતની જટિલ સમસ્યા પણ દૂર થઇ જશે.

દમ અને શરદીમાં પણ રાહત અપાવે

જીરુંમાં એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ ભરપૂર માત્રામાં હોય છે તેથી તે શરદીમાં પણ રાહત આપવાનું કામ કરે છે. સાથે સાથે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે અને મસલ્સના સોજાને પણ ઓછો કરવાનું કાર્ય કરે છે.
શરદીથી રાહત મેળવવા માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરાને બરાબર ઉકાળો, તે ઉકળી જાય એટલે તેની અંદર આદું ક્રશ કરીને નાખો. આ બંને વસ્તુ બરાબર ઉકળી જાય એટલે તે પાણીને ગાળીને તેમાં લીંબુ તેમ જ સંચળ નાખીને પી લો. આમ કરવાથી શરદી અને દમની તકલીફમાં રાહત મળશે. ભારે શરદી થઇ હોય તો દિવસમાં ત્રણ વાર આ પાણી પીવું જોઇએ.

ઊંઘની તકલીફનો શ્રેષ્ઠ ઇલાજ

ઘણાં લોકોને અનિંદ્રાની તકલીફથી પીડાતા હોય છે. રાત્રે ઊંઘ આવતી નથી અને ઉજાગરાના કારણે દિવસ પણ બગડે છે. આવા લોકો એક કેળું ક્રશ કરીને તેમાં અડધી ચમચી જીરું પાઉડર ભેળવીને રાત્રે સૂતા પહેલાં તેનું સેવન કરશે તો પથારીમાં પડતાંની સાથે જ ઊંઘ આવી જશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter