કોવિડ-19 મહામારીનાં પાંચ વર્ષ બાદ ચીનમાં હવે હ્યુમન મેટાપ્યુમોવાઈરસ (HMPV) નામનો નવો વાઈરસ સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટ મુજબ આ વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. હોસ્પિટલો અને સ્મશાનોમાં ભીડના દાવા સામે આવ્યા છે, આમાંથી કેટલું સાચું અને ખોટું તે ઉપરવાળો જાણે. આરોગ્ય સત્તાવાળાઓ આ ભેદી પ્રકારના ન્યુમોનિયા પર દેખરેખ રાખી રહ્યા છે. એક સામાન્ય વ્યક્તિ તરીકે જાણવા જેવી માહિતી અહીં સવાલ-જવાબ રૂપે રજૂ કરી છે.
• ચીનમાં શું થઈ રહ્યું છે? શ્વસન સંબંધી બીમારીઓ વધી રહી છે, પરંત ચીનની સરકાર અથવા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)એ કોઈ સત્તાવાર ચેતવણી કે ઈમરજન્સી જાહેર કરી નથી.
• તેનાથી સૌથી વધુ અસર કોને થશે? ચીન દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં મેડિકલ કેમ્પ પણ લગાવાયા છે. ગયા વર્ષે નવેમ્બરના અંતમાં આવેલા પૂરને મહિના કરતાં પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં ચીન દ્વારા હજુ પણ કેમ્પ ચલાવવામાં આવી રહ્યા છે. ફ્રી રાશનની સાથે ટેન્ટ પણ લગાવવામાં આવ્યા છે. કેસોમાં વૃદ્ધિનું પ્રમાણ ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં જોવા મળી રહ્યું છે.
• તેનાં લક્ષણો શું છે? તાવ, ખાંસી અને નાકમાંથી પ્રવાહી વહેવું, ઘણા દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પણ પડે છે. ગંભીર કેસોમાં બ્રોન્કાઈટિસ અથવા ન્યુમોનિયા થઈ શકે છે.
• તે અચાનક કેમ ફેલાવા લાગ્યો? વર્ષોના કડક લોકડાઉન અને મર્યાદિત સામાજિક સંપર્કે ઘણા વાઈરસના ફેલાવાને અટકાવ્યો હતો. હવે જ્યારે સામાજિક ક્રિયાપ્રતિક્રિયાઓ ફરી શરૂ થઈ રહી છે ત્યારે લોકો પ્રથમ વખત આ વાઈરસનો સામનો કરી રહ્યા છે.
• હ્યુમન મેટાપ્યુમોવાઇરસ શું છે? આ એક વાઈરલ સંક્રમણ છે. જેમાં ખાસ કરીને શરદી જેવાં લક્ષણો જોવા મળે છે. જોકે, ક્યારેક તે ન્યુમોનિયા, અસ્થમા અથવા ક્રોનિક ઓબ્સટ્રેક્ટિવ પલ્મોનરી ડિસીઝ (સીઓપીડી)નું કારણ બની શકે છે. તેનું સંક્રમણ શિયાળામાં અને વસંતઋતુના પ્રારંભમાં સૌથી વધુ હોય છે.
• એચએમપીવી કેવી રીતે ફેલાય છે? આ બીમારી એક વાઈરસને કારણે ફેલાય છે. સંક્રમિત વ્યક્તિ અથવા વાઈરસના સીધા સંપર્કના માધ્યમથી ફેલાય છે. જે રીતે ઉધરસ અને છીંક, હાથ મિલાવવો, ગળે મળવું અથવા ચુંબન જેવા શારીરિક સંપર્ક.
• તેની સારવાર કેવી હશે? કોઈ એન્ટિવાઈરલ ઉપચાર ઉપલબ્ધ નથી. ગંભીર લક્ષણો જણાય તો તબીબી સલાહને અનુસરો.