93 વર્ષના વૃદ્ધ કે 93 વર્ષના યુવાન?! વિજ્ઞાનીઓને મૂંઝવતો સવાલ

Tuesday 25th June 2024 08:54 EDT
 
 

વધતી ઉંમરને કાબૂ કરવા વૈજ્ઞાનિકો વર્ષોથી અવનવા સંશોધન કરી રહ્યા છે. બોટોક્સ ઈન્જેક્શન સહિત સારવારની કેટલીક પદ્ધતિઓ છે જેની મદદથી વ્યક્તિ પોતાની વધેલી ઉંમર છૂપાવી શકે છે. જોકે આ દુનિયામાં એક વ્યક્તિ એવી છે જે ઉંમરની દૃષ્ટિએ તો વૃદ્ધ છે, પરંતુ શરીરે યુવાન છે!
આયર્લેન્ડના 93 વર્ષીય રિચાર્ડ મોર્ગન એવી વ્યક્તિ છે જેમના પર વૈજ્ઞાનિકો એન્ટિ-એજિંગ મુદ્દે સંશોધન કરી રહ્યા છે. રિચાર્ડની ઉંમર ભલે 93 વર્ષ હોય પરંતુ તબીબી પરીક્ષણમાં સિદ્ધ થયું છે કે તેમનું હૃદય, ફેફસાં અને સ્નાયુઓ આજે પણ 30 કે 40 વર્ષના યુવાન હોય તેવા ચુસ્ત-દુરસ્ત છે. રિચાર્ડનું શરીર તેમની અડધોઅડધ ઉંમર જાણે ખાઈ ગયું છે. આશ્ચર્ય છે કે રિચાર્ડ સ્વાસ્થ્ય પ્રત્યે એવા કોઈ જાગૃત પણ ન હતા કે નાની ઉંમરથી નિયમિત કરસત કરતાં હોય. 70 વર્ષની ઉંમરે તો તેમણે કસરતની શરૂઆત કરી હતી. આ પહેલાં તેઓ એક સામાન્ય બેકર, બેટરી મેન્યુફેક્ચરર તરીકે કામ કરતા હતા.
તબીબી નિષ્ણાતોએ રિચાર્ડને કલાકો સુધી તપાસીને તબીબી પરીક્ષણ કર્યા છે જેમાં સામે આવ્યું કે તેઓ એન્ટિ-એજિંગ મામલે આદર્શ વ્યક્તિ છે. જ્યાં જીવનનો છેલ્લો પડાવ મનાય છે તે 90 વર્ષથી વધુ ઉંમરમાં તેમનું શરીર અંદરથી યુવાઓ જેવું છે. વધતી ઉંમર સાથે હૃદય, ફેફસા અને સ્નાયુઓને જે અસર થવી જોઈએ તેવી કોઇ અસર રિચાર્ડમાં જોવા મળી નથી. આવું શા કારણે? તે જાણવા વૈજ્ઞાનિકો મથી રહ્યા છે. મોટી ઉંમરે ફિટનેસ પ્રત્યે સજાગ બનેલા રિચાર્ડે રાફટિંગ સ્પોર્ટસ ક્ષેત્રે ઝંપલાવ્યું અને વિશ્વભરમાં 10 વખત ભાગ લઈને ચાર વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યા હતા. વૈજ્ઞાનિકો હવે એ જાણવા મથી રહ્યા છે કે પાછલી ઉંમરમાં કસરત શરૂ કરવાથી શું શરીરને ઘરડું થતાં અટકાવી શકાય?
એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે રિચાર્ડ નિવૃત જીવન જીવતાં હતા અને શરીરે બેડોળ હતા. પોતાનો એક પૌત્ર જે કોલેજમાં રિવર રાફ્ટીંગમાં સ્પર્ધક હતો તેની સાથે માત્ર તાલીમ જોવા ગયા હતા અને રિચાર્ડનું જીવન બદલાઈ ગયું. પૌત્રને તાલીમ આપી રહેલા કોચે વયોવૃદ્ધ રિચાર્ડની ફિટનેસ જોઇને સલાહ આપી કે તેમણે પણ ઈન્ડોર રોવિંગ મશીન પર હાથ અજમાવવો જોઇએ. રોવિંગ મશીન પર રિચાર્ડનું પર્ફોર્મન્સ જોઇને કોચ દંગ થઇ ગયા. રિચાર્ડની ફિટનેસ અંગે જાણીને તબીબી વિજ્ઞાનના નિષ્ણાતોને પણ રસ પડ્યો અને રિચાર્ડને આયર્લેન્ડની લાઈમરિકસ યુનિવર્સિટીની ફિઝિયોલોજી લેબોટરીમાં આમંત્રિત કરવામાં આવ્યા. અહીં વૈજ્ઞાનિકોએ તેમની જીવનશૈલી, ખાણી-પીણી સહિત તમામ બાબતો જાણવા પ્રયાસ કર્યો હતો.
રિચાર્ડની હાઈટ, વજન, બોડી કંપોઝિશન સહિત અનેક બાબતો નોંધવામાં આવી. મેટાબોલિઝમ, હૃદય અને ફેફસાંની તપાસ કરવામાં આવી. તેમને રોવિંગ મશીન ઉપર બેસાડવામાં આવ્યા અને 2000 મીટર અંતર કાપવાનું કહી હૃદય, ફેફસાં અને સ્નાયુઓની કાર્યક્ષમતા માપવામાં આવી. પરીક્ષણ શરૂ કરાયું ત્યારે વૈજ્ઞાનિકોના આશ્ચર્ય વખતે રિચર્ડ મોર્ગન 90 વર્ષની વયે પણ જાણે પાવર હાઉસ તેમ ઉર્જાથી તરબતર હતા. તેમની ઉંમરમાંથી જાણે દાયકાઓ બાદ થઈ ગયા અને કોઈ યુવાનનું શરીર કાર્ય કરી રહ્યું હોય તેવો રિપોર્ટ સામે આવ્યો.
પરીક્ષણ દરમિયાન તેમનું હૃદય પ્રત્યેક મિનિટે 153 વાર ધબક્યું હતું. આ ઉંમરે આટલાં હાર્ટબીટ તબીબી રીતે અસંભવ હતા. 90 વર્ષની ઉંમરે આટલાં હાર્ટબીટ એક રેકોર્ડ હતો, આંકડા દર્શાવતા હતા કે તેમનું હૃદય ખુબ જ મજબૂત છે. શરીરને લોહી-ઓકિસજનનું પુરતું પમ્પિંગ કરવા હૃદય ઝડપથી કાર્યરત કરી શકતું હતું. રિચાર્ડ આજે 93 વર્ષની વયે પણ એવા જ ફિટ એન્ડ ફાઈન છે અને નિયમિત કસરત કરે છે. તેમની 80 ટકા જેટલી માંસપેશીઓ યુવાઓ જેવી છે. રસપ્રદ છે કે રિચાર્ડનું દૈનિક જીવન કોઈ ખાસ ધમધમાટવાળુ નહીં પરંતુ સરળ હોય છે.
રિચાર્ડ દિવસમાં 40 મિનિટ રોઈંગ મશીનમાં વર્કઆઉટ કરે છે. પોતાનો 70 ટકા સમય તે સામાન્ય જીવન જીવવામાં વિતાવે છે. માત્ર 10 ટકા એવું કામ કરે છે જે સખત મહેનતનું હોય. હા, દૈનિક કસરતને તેઓ ચૂક્તાં નથી. નિત્યક્રમ મક્કમતાથી જાળવી રાખ્યો છે. ભોજનમાં પ્રોટીન વધુ લે છે. વૈજ્ઞાનિકો માને છે કે રિચાર્ડની આટલી ઉંમરે તંદુરસ્તીનું રહસ્ય દૈનિક કસરત, ડાયેટ ઉપરાંત આનુવંશિક પણ હોઈ શકે છે. બની શકે કે તેમનામાં વારસાગત એવું કંઈક હોય જે તેમને ફિટ રાખે છે
તંદુરસ્તી માટે આટલું કરો તોય ઘણું...
રિચાર્ડના કેસમાં અત્યાર સુધીના અભ્યાસને આધારે તબીબી નિષ્ણાતો સૂચવે છે કે હૃદયને લગતી કસરતમાં તીવ્રતાને બદલે હળવાશ રાખવી. અન્ય વર્કઆઉટમાં વેઇટ લિફ્ટીંગ કે કસરતમાં તીવ્રતા 10 ટકા જેટલી મર્યાદિત રાખવી, ભોજનમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન લેવું, તથા ફિટનેસ પ્રત્યે સજાગતાને નિત્યક્રમ બનાવવાની બાબત મુખ્ય છે. નિષ્ણાતોનું માનવું છે કે કસરત શરૂ કરવામાં ઉંમરનો કોઈ બાધ નથી. વ્યક્તિ ગમે તે ઉંમરમાં ઈચ્છે ત્યારે શરૂ કરી શકે છે. જિમમાં કલાકો ગાળવાની જરૂર નથી, દૈનિક 30થી 60 મિનિટની હળવી કસરતો પણ એટલી જ અસરકારક છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter