NHSનું ‘Help Us, Help You’ અભિયાનઃ જીવનરક્ષક તપાસ માટે સાઉથ એશિયન્સને અનુરોધ

Wednesday 06th October 2021 05:17 EDT
 
 

સાઉથ એશિયન હેલ્થકેર પ્રોફેશનલ્સના પીઠબળ સાથે નવા NHS અભિયાનમાં કેન્સરના સંભવિત લક્ષણો ધરાવતા લોકોને જીવનરક્ષક તપાસ માટે આગળ આવવા પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. ‘Help Us, Help You’ અભિયાન હોજરી-પેટના એરિયા, યુરોલોજિકલ કેન્સર અને ફેફસાંના કેન્સરના લક્ષણો બાબતે જાગૃતિ કેળવી રહ્યું છે. આ કેમ્પેઈન સ્પષ્ટ કરે છે કે NHS લોકોની સારવાર માટે સજ્જ અને તૈયાર છે. હોજરી-પેટના ક્ષેત્રમાં થતાં કેન્સર્સમાં આંતરડાં, અન્નનળી, હોજરી, નાના-મોટા આંતરડા, પેન્ક્રિઆટિક, ઓવેરિયન અને ગર્ભાશયના કેન્સરનો તેમજ યુરોલોજિકલ કેન્સરમાં પ્રોસ્ટેટ, કિડની અને બ્લેડરના કેન્સરનો સમાવેશ થાય છે.

આ પ્રકારના કેન્સરોની સંભવિત નિશાની હોઈ શકે તેવા લક્ષણોમાં સતત ઝાડા-ડાયેરિયા, પેટના એરિયામાં લાંબા સમયથી અસ્વસ્થતા અથવા પેશાબમાં માત્ર એક વખત પણ લોહી આવવાનો સમાવેશ થાય છે. કેન્સરલક્ષી તમામ નિદાનોમાં એબ્ડોમિનલ અને યુરોલોજિકલ કેન્સરનું પ્રમાણ લગભગ અડધું (૪૪ ટકા) અને ઈંગ્લેન્ડમાં કેન્સરથી થતાં મોતમાં પાંચમાંથી બે (૪૧ ટકા) મોત હોવાં છતાં, નવા સંશોધનોના તારણો દર્શાવે છે કે ઘણા સાઉથ એશિયન લોકો કેન્સરના લક્ષણો ઓળખવાની ઓછી શક્યતા ધરાવે છે જેના પરિણામે, તેઓ તબીબી સહાય મેળવવામાં પાછાં પડે છે.

સંશોધનમાં એમ પણ જણાયું હતું કે સામાન્ય પબ્લિકની સરખામણીએ સાઉથ એશિયન લોકોમાં દરેક કિસ્સામાં કેન્સરના સંભવિત લક્ષણો વિશે જાગૃતિનું પ્રમાણ ઘણું ઓછું રહે છે. સાઉથ એશિયનોમાં માત્ર ૫૮ ટકા (સામાન્ય જનતાના ૭૧ ટકાની સરખામણીએ) જાણતા હતા કે ત્રણ સપ્તાહ અથવા તેથી વધુ સમયથી ચાલતી આવતી પેટની સમસ્યાઓ કેન્સરની નિશાનીઓ હોઈ શકે છે. માત્ર માત્ર ૫૯ ટકા સાઉથ એશિયન્સ (સામાન્ય જનતાના ૭૩ ટકાની સરખામણીએ) જાણતા હતા કે ત્રણ સપ્તાહ અથવા તેથી વધુ સમયથી જણાતી ઝાડા-ડાયેરિયાની સમસ્યા પણ કેન્સરની નિશાની હોઈ શકે છે.

સાઉથ એશિયનોમાં અડધાથી વધુ (૫૫ ટકા) લોકો ત્રણ સપ્તાહની પેટની તકલીફો અથવા તેમના યુરિનમાં લોહી આવે જેવાં લક્ષણો હોવાં છતાં, શરમ કે સંકોચના કારણે તેમના ડોક્ટર પાસે તપાસ કરાવવા જવાનું મુલતવી રાખતા હોય છે.

આ કેમ્પેઈનમાં ત્રીજા ક્રમના સૌથી સામાન્ય કેન્સર અને યુકેમાં કેન્સરથી થતાં મોતમાં સૌથી આગળ પડતા- ફેફસાંના કેન્સરના સામાન્ય લક્ષણોની વિગતો પણ અપાઈ છે. યુકેમાં દર વર્ષે આશરે ૩૯,૦૦૦ લોકોને ફેફસાના કેન્સરનું નિદાન કરાય છે. ૬૫ ટકા સાઉથ એશિયનો ત્રણ સપ્તાહથી સતત આવતી ખાંસી-ઉધરસ કેન્સરનું લક્ષણ હોવાનું જાણે છે છતાં, સામાન્ય જનતામાં (૮૦ ટકા) જે જાગૃતિ છે તેના કરતાં સાઉથ એશિયનોમાં ૧૫ ટકા ઓછી જાગૃતિ છે.

અડધાથી વધુ (૫૮ ટકા) સાઉથ એશિયનોનો પ્રતિભાવ એવો હતો કે જો તેમની નિકટના સ્વજન તેમને તબીબની મુલાકાત લેવા સલાહ આપે તો તેઓ GP પાસે તબીબી સલાહ માટે જાય તેવી શક્યતા વધુ રહે છે.

CRUK GP અને TVCA ક્લિનિકલ લીડ પ્રીવેન્શન એન્ડ અર્લી ડાયગ્નોસિસ, ડો. અનંત સચદેવે જણાવ્યું હતું કે,‘સંશોધનના તારણો દર્શાવે છે કે સાઉથ એશિયન કોમ્યુનિટીઓમાં કેન્સરના લક્ષણો વિશે જાગરુકતા વધારવા હજુ ઘણું કરવાનું બાકી રહે છે.‘ Help Us Help You’ અભિયાન આ જાણકારીની ખાઈ પૂરવામાં મદદ કરવા મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે અને કોઈ પણ લક્ષણો ધ્યાન પર આવે તો આગળ આવવા વધુ પ્રમાણમાં લોકોને પ્રોત્સાહિત કરી શકે છે.’

ડો. સચદેવે ઉમેર્યું હતું કે,‘ તમારા મળ અથવા પેશાબમાં માત્ર એક વખત પણ લોહી દેખાય અથવા ત્રણ કે વધુ સપ્તાહ સુધી ડાયરિયા અથવા પેટની તકલીફો જણાય તો તેમના GPનો સંપર્ક કરવા લોકોને અનુરોધ કરું છું, તમારે તત્કાળ તેની તપાસ કરાવી લેવી આવશ્યક છે. આ જ પ્રમાણે, જો ત્રણ કે વધુ સપ્તાહ સુધી કફ- ખાંસી,ઉધરસની સમસ્યા જણાતી હોય અને જો કોવિડ-૧૯ ન હોય તો, આ ચેતવણીજનક નિશાની હોઈ શકે છે. આવા લક્ષણોને નજરઅંદાજ કરશો નહિ, અમારો સમય વેડફાય તેની જરા પણ ચિંતા ન કરશો અને શરમ કે સંકોચ પણ ન રાખશો. તત્કાળ તમારા GPનો સંપર્ક કરશો- અમે તમને તપાસવા તૈયાર રહીશું.’

સંશોધનમાં એમ પણ જણાયું હતું કે સામાન્ય જનતાના ૭૫ ટકાની સરખામણીએ ૮૧ ટકા સાઉથ એશિયન લોકો તેમના શારીરિક આરોગ્યને અન્ય બાબતો કરતાં ઓછું મહત્ત્વ આપે છે. અડધોઅડધ સાઉથ એશિયનો પોતાના શારીરિક આરોગ્ય કરતાં પારિવારિક જીવનને વધુ મહત્ત્વ આપે છે. આની સરખામણીએ સામાન્ય ૪૧ ટકા પબ્લિક આમ વિચારે છે.

ન્યુબરી પાર્ક હેલ્થ સેન્ટર ખાતે GP પાર્ટનર અને રેડબ્રિજ ખાતે ક્લિનિકલ ડાયરેક્ટર ડો. જ્યોતિ સૂદનું કહેવું છે કે,‘ સાઉથ એશિયન પોતાના આરોગ્ય કરતાં પણ પોતાના પરિવાર વિશે પ્રથમ વિચારવાની માનસિકતા ધરાવે છે. આમ છતાં, કેન્સરની લક્ષણોની જાણ થાય ત્યારે વેળાસર સારવાર મેળવવી એ જ તમારા પરિવાર સાથે શક્ય તેટલો લાંબો સમય રહેવાની ચોકસાઈનો શ્રેષ્ઠ માર્ગ છે. જો તમને ગાંઠ, ઉપસેલો ગઠ્ઠો, રક્તસ્રાવ, વજનમાં ઘટાડો, સતત થાક-નબળાઈ, ભૂખ નહિ લાગવી જેવાં અસામાન્ય ફેરફાર જોવાં મળે તો તેની તત્કાળ તપાસ કરાવશો. આ કદાચ કેન્સરની નિશાની હોઈ શકે છે. વેળાસર કેન્સરને શોધી શકાશે અને તે સારવારક્ષમ બની શકશે અને તેનાથી જીવન પણ બચાવી શકાશે.’

આપની NHS આપને મળવા માગે છે, વધુ વિગતો માટે મહેરબાની કરીને જૂઓ nhs.uk/cancersymptoms


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter