નવલિકાઃ રેઇનકોટ

ટીના દોશી Wednesday 03rd March 2021 04:02 EST
 

વીરચંદ વિરાણી અત્યંત સફળ અને સમૃદ્ધ ઉદ્યોગપતિ હતા. નગરમાં નામ હતું. પ્રતિષ્ઠા હતી. દબદબો હતો દેશદેશાવરમાં એમનો વ્યાપાર વિસ્તરેલો, વિકસેલો હતો. લોખંડથી લઈને સોના સુધીનો. કન્સ્ટ્રકશનથી માંડીને પાવર પ્લાન્ટ નાખવા સુધીનો. કેટલીયે ધમધોકાર ચાલતી ઓફિસો હતી. કેટલાંયે કારખાનાં હતાં. એમના હાથ નીચે સાતેક હજાર લોકો તો કામ કરતા. એમની કંપનીઓના શેર ખરીદવા લોકોમાં પડાપડી થતી. પડતીઓના અનુભવી એવા વીરચંદની ચડતી ઈશ્વરકૃપાને જ આભારી હતી. બાકી ગામડાની ધૂળમાં રગદોળાતો, રખડતો, આખડતો ને ઠોકરો ખાતો વીરચંદ આવડો મોટો શેઠ કેવી રીતે બની જાય?
ગામડેથી દોરીલોટા સાથે કિસ્મત અજમાવવા વીરચંદ વિરાણી મોટા શહેરમાં આવ્યા ત્યારે નસીબનું ચક્કર ફર્યું. ફર્યું તે કેવું ફર્યું! રાહુ, કેતુ, મંગળ, શનિ... અત્યાર સુધી જે ગ્રહો વીરચંદ સામે ડોળા તતડાવતા હતા તે બધા જ ભયભીત થઈને પોતપોતાના ઘરમાં ચાલ્યા ગયા. બીજા નડતરરૂપ ગ્રહો અને નક્ષત્રોએ વીરચંદ સાથે દોસ્તીનો હાથ મિલાવી લીધો. એને પ્રતાપે વીરચંદના એવા રૂડા દિવસો આવ્યા કે સહુ મોંમાં આંગળાં ઘાલી ગયાં. દંગ રહી ગયા. નાનકડી હોટલમાં દિવસે ચા બનાવવાનું કામ કરતો અને રાત્રે એ જ હોટલના બાંકડે સૂઈ રહેતો વીરચંદ ઝૂંપડેથી મહેલમાં આવી ગયો. મલમલી તળાઈઓમાં ને રેશમી ઢોલિયામાં પોઢતો થઇ ગયો. આગળપાછળ નોકરચાકરની ફોજ! રૂપિયાની રેલમછેલ થઇ ગઈ. ગણ્યા ગણાય નહીં, વીણ્યા વિણાય નહીં, તોય વીરચંદ વિરાણીની છાબડીમાં માય!
વેપારના વિસ્તારની સાથે વીરચંદના અંગત જીવનમાં પણ વિકાસ થયેલો. સારા ઘરની સંસ્કારી વિમળા સાથે લગ્ન થયાં. સુખી દાંપત્યના પરિપાકરૂપે બે દીકરા અને એક દીકરીના પિતા બન્યા. મોટો અરમાન અને નાનો અનિકેત. સૌથી નાની અંબર. વીરચંદની લાડકી. આંખનો તારો. કાળજાનો ટુકડો. હવે તો ત્રણેય સંતાનો ઉંમરલાયક થઇ ગયેલાં. એમનાં પણ લગ્ન લેવાયાં. ઘરમાં બે સભ્યનો ઉમેરો થયો. અરમાનની પત્ની અનીતા અને અનિકેતની પત્ની અનુજા. આ બેના ઉમેરણ સામે વિરાણીવિલામાંથી અંબરની બાદબાકી થઇ. એ અમનને પરણીને સાસરે ગઈ.
અંબર નજરથી જરૂર દૂર થઇ હતી, પણ વીરચંદના હૃદયથી નહીં. કન્યાવિદાય પછી તો વીરચંદને અંબર ખૂબ જ યાદ આવતી. અંબરના વિયોગમાં ઝૂર્યા કરતા. જોકે અંબર લગભગ રોજ કે એકાંતરે દિવસે પિયરે આવતી, છતાં ઘણી વાર વીરચંદ વિમળાબહેન સામે બળાપો કરતા કે, અંબરને વહેલી પરણાવી દીધી! હસીને વિમળાબહેન કહેતાં કે, “હું મા છું અંબરની. એ મારી પણ લાડકી છે. પણ દીકરી તો પરાયું ધન કહેવાય. એક દિવસ તો એને સાસરે મોકલવાની જ હતી ને? સારું ઘર ને વર મળે ત્યારે હાથ પર હાથ ધરીને બેસી ન રહેવાય. લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય, એવું તમે જ કહેલું ને?”
“હા, એ તો બરાબર, પણ તોય...” વીરચંદ વળી વસવસો વ્યક્ત કરતા.
“હવે પણ ને બણ...” વિમળાબહેન સમજાવવાનો પ્રયાસ કરતાં: “એમ કહોને કે જમાઈ આટલો સારો મળ્યો છે તે અંબર રોજ રોજ આપણે ઘેર આવી શકે છે. બાકી તમે જ કહો, પરણ્યા પછી અંબર પિયરે આટલું આવી શકે?”
સામાન્યપણે જમાઈને દસમો ગ્રહ કહેવાય છે. જમાઈને જમ સાથે સરખાવવામાં આવે છે, પણ અમન ખરેખર સારો જમાઈ પુરવાર થયેલો. એ પોતે ઉદ્યોગસાહસી હતો. મહેનતુ હતો. પાણીમાં પાટુ મારીને પૈસા પેદા કરવાની તાકાત ધરાવતો હતો. અમનની નજર સસરાની સંપત્તિ પર નહોતી. અંબરને હથેળીના છાંયડા કરતો. કોઈ પણ બાબતે ન રોકતો ન ટોકતો. અંબર એની સાથે સુખી હતી. દીકરીને સુખી જોઇને માબાપની આંખ ઠરતી. અમન અને અંબરની જોડી જોઈ બેયનાં હૈયા હરખાતાં. અંબરને સાસરે કોઈ ખોટ નહોતી, છતાં એ પિયરે આવે ત્યારે વીરચંદ એને મોંઘી ભેટસોગાદો, ઘરેણાં અને તરેહ તરેહની મહામૂલી સામગ્રીથી નવાજતા. અંબર રોજેરોજ આવતી. ક્યારેક આંતરે દિવસે!
“આ રીતે તમારા બાપા રોજેરોજ રૂપિયા લૂંટાવશે તો એક દિવસ એવો આવશે કે આપણે ભીખનો કટોરો લઈને રસ્તે રઝળતાં થઇ જઈશું.” અરમાનની પત્ની અનીતાને અંબરનું રોજ આવવું આંખમાં કણાની જેમ ખટકતું હતું. એટલે એક સાંજે ચારે જણા ભવ્ય બંગલાની અતિ ભવ્ય લોનમાં ચર્ચા કરી રહ્યાં હતાં ત્યારે અનીતાએ દેરાણી સાથેની સાંઠગાંઠ અનુસાર ચાયની ચુસ્કી લેતાં મમરો મૂક્યો.
“એ દિવસ બહુ દૂર નથી...” અનિકેતની પત્ની અનુજાએ જેઠાણીની ચિંતામાં સૂર પુરાવ્યો.
અંબર અરમાનની લાડકી બહેન હતી. પરણેલી બહેન પિયરે આવે તો એને ખાલી હાથે પાછી ન મોકલાય એ સ્વાભાવિક હતું. એટલે પિતા એને પ્રેમના પ્રતીકરૂપે કશુંક આપતા હોય એમાં એને કઇ વાંધાજનક લાગતું નહોતું. એ બોલ્યો: “પિતાજીએ એમની દીકરીને જે આપવું હોય એ આપે. એમની મરજી. એમાં આપણે શું? વળી પિતાજીની માલમિલકતમાં અંબરનો ભાગ પણ છે જ. ઉપરાંત સાગરમાંથી ગાગર જેટલું પાણી ઓછું થાય તો એથી દરિયો ખાલી નથી થઇ જતો.!”
“હવે શેનો હક? ગાડાંનાં ગાડાં ભરીને કરિયાવર તો કર્યો છે!” મનોમન બબડતી અનીતાને થયું કે પોતાની દાળ નહીં ગળે. એણે અનિકેત અને અનુજાને ઈશારો કર્યો. એટલે અનિકેત બોલ્યો: “તારી વાત સાચી છે અરમાન. પણ એમ દોલત લૂંટાવાથી તો કુબેરનો ખજાનો પણ ખાલી થઇ જાય. આપણી પાસે લખલૂટ સંપત્તિ છે એની ના નથી, પણ એને કારણ વગર ઉડાડાય ઓછી! અને કાલ કોણે દીઠી છે? આપણે પૈસાને સાચવીશું તો પૈસો આપણને સાચવશે!”
અરમાન કંઇ વિચારે ત્યાં તો અનુજાએ મોરચો સંભાળ્યો: “જેઠજી, અંબર અમારી નણંદ છે. આ ઘરની દીકરી છે. પણ ચાર મહિને એક વાર આવતી હોય તો એને ખાલી હાથે વિદાય ન કરીએ એ બરાબર કહેવાય. પણ આ તો રોજ આવે છે. રોજ રોજ શેનું આપવાનું? મને તો લાગે છે એ કીમતી સોગાદો લેવા જ રોજ આવે છે.”
“મને તો લાગે છે કે અમન જ અંબરને રોજ મોકલે છે.” અનીતા ફુત્કાર કરતાં બોલી: “મોઢે તો મીઠડો થાય છે અમન, પણ એ કાંઈ ઓછો નથી. મહા મીંઢો છે. ખંધો ખેલાડી છે. અંબરને અછોવાનો કરે છે, પણ એની નજર તો આપણી મિલકત પર જ છે! જોજોને એક દિવસ અંબરને આગળ કરીને એવું પરાક્રમ કરશે કે આપણે સહુ હાથ ઘસતાં રહી જઈશું!”
ગરમાગરમ ચર્ચાને અંતે ચારેયમાં આ બાબતે વીરચંદ વિરાણી સાથે વાત કરવાનું નક્કી થયું. સારી પેઠે સંતલસ કરીને સાંજે પાંચેક વાગ્યે ચારેય વીરચંદના આલીશાન ઓરડામાં ગયા. બેઠક લીધી.
“અરે વાહ, ચારેય સાથે આવ્યાં છો ને કંઇ...” વીરચંદ સમજી ગયા કે જરૂર કોઈ વાત છે. એ દીકરાવહુઓને બરાબર ઓળખતા હતા. રૂપિયા જોઈતા હશે બીજું શું? લાલો લાભ વગર ન લોટે!
“પિતાજી, વાત એમ છે કે...” અરમાન મનની વાત કઈ રીતે કહેવી એની અવઢવમાં પડ્યો. પણ પછી હિંમત કરીને એકશ્વાસે બોલી ઊઠ્યો: “હું એમ કહેતો હતો કે અંબર...”
“અંબર? શું થયું અંબરને? ઠીક તો છે ને?” વીરચંદના હૈયામાં ફાળ પડી.
“અરે અંબરને કાંઈ નથી થયું.” અરમાન નહીં બોલી શકે એમ માનીને અનિકેતે કમાન સંભાળી. કહેવા લાગ્યો: “એવું છે કે લગ્ન પછી અંબર રોજ રોજ અહીં આવી પડે છે તે સારું નથી લાગતું.”
“આ એના બાપનું ઘર છે. એ જયારે ઈચ્છે ત્યારે આવી શકે છે!” વીરચંદની આંખમાંથી તણખા ઝર્યા.
“હા, એનો વાંધો નથી. પણ... એને રોજ રોજ કીમતી ભેટ આપવી જરૂરી છે?” અનીતાએ છણકો કર્યો અને અનુજાએ મૂક ટેકો આપ્યો.
“અચ્છા, તો એમ વાત છે? હવે સમજ્યો.” વીરચંદે ઘાંટો પાડ્યો: “તમને સહુને દુખે છે પેટ ને કૂટો છો માથું!
“ચારેય જણા કાન ખોલીને સાંભળી લ્યો. આ બંગલો, ગાડીઓ અને નોકરચાકરોની સાહ્યબી તમે ભોગવો છે તે મારી કમાણીની છે. મારા બાપદાદા મને વારસામાં આપીને ગયા નથી. એટલે હું ધારું તો તમને કોઈને ફૂટી કોડી પણ નહીં મળે, સમજ્યા?”
“પણ પિતાજી...” અરમાને હથિયાર હેઠાં મૂકતાં કહ્યું: “અમે તો એટલું જ કહેવા માંગીએ છીએ કે અંબર તો ભોળી છે. આ તો અમનનો ડોળો આપણી સંપત્તિ પર લાગે છે!”
“તે એટલું તો કેટલું મેં અંબરને આપી દીધું મારા કુંવર?” વીરચંદે ફૂંફાડો માર્યો: “અરમાન, અનિકેત, તમે લોકો મારા રૂપિયા પર તાગડધિન્ના નથી કરતા? અરમાન, તારે કોઈ કંપનીમાં રોકાણ કરવું હતું ત્યારે દસ કરોડ મારી પાસે માંગવા આવેલો કે બીજા કોઈ પાસે? અનિકેત, ઘરને આંગણે સત્તર ગાડીઓ ઊભી છે પણ તારે પેલી મોંઘીદાટ ગાડી જોઈતી હતી તેય મેં ખરીદી આપેલી. તારી ત્રેવડ છે એટલી મોંઘી ગાડી ખરીદવાની? અને વહુઓ, તમને તો હું કાંઈ કહેવા જ માંગતો નથી. તમે કરો એ લીલા ને અંબરને હું આપું એ...!” કહેતાં વીરચંદ મૌન થઇ ગયા. બોલીને એ મર્યાદાલોપ કરવા માંગતા નહોતા. પણ એમની આંખોમાં ધિક્કાર હતો.
“પિતાજી, અંબર હવે પરણી ગઈ છે. હવે એનું સાસરું જ એનું સાચું ઘર છે...” અનિકેત લડી લેવાના મૂડમાં હતો. વ્યંગમાં બોલ્યો: “તમે અમારા પર જે ખર્ચ કર્યો એ તો ગણાવી દીધો, પણ અમનને ઓડી એવેન્ટ જર્મનીથી મંગાવી આપેલી એનું કાંઈ નહીં. એની હેસિયત છે ઓડી ગાડી ખરીદવાની? એને ધંધા માટે પચીસ કરોડ આપેલા. એણે ટુકડે ટુકડે પૈસા પાછા આપવાની વાત કરેલી. કેટલા પૈસા આવ્યા હજુ સુધી? એની વાત કરોને?”
વીરચંદ એકદમ ઊભા થઇ ગયા. અને કાળઝાળ થઈને બોલ્યા: “બસ કરો. બહુ થયું. હું બેઠો છું ને અંબરના આ હાલ છે તે હું નહીં હોઉં ત્યારે શું થશે? તમે લોકો તો એની સામું પણ નહીં જુઓ. મેં અમન પાસે પણ ઉઘરાણી કરી છે. એ પાઈ પાઈ ચૂકવી દેશે. ચાલો, હવે નીકળો બહાર અહીંથી...”
વીરચંદનું રૌદ્ર સ્વરૂપ જોઇને ચારેય છોભીલાં પડીને બહાર નીકળી ગયાં. બંને ભાઈઓ પોતપોતાની ગાડીમાં બહાર ઊપડી ગયા.બંને વહુ નવેસરથી યોજના બનાવવામાં પરોવાઈ ગઈ.
એ જ રાત્રે વીરચંદ વિરાણીની હત્યા થઇ ગઈ!
એ રાત્રે બિન મોસમનો વરસાદ ખૂબ પડેલો. વીરચંદ વિરાણી આલીશાન ઓરડામાં પોતાની નકશીકામ કરેલી ઝૂલણ ખુરસીમાં ઝૂલતા હશે ત્યારે જ પાછળથી કોઈએ એમની પીઠમાં ખંજર હુલાવી દીધેલું!
ઇન્સ્પેક્ટર કરણ બક્ષીએ તપાસ શરૂ કરી ત્યારે આગલા દિવસની બોલાચાલી અંગે માહિતી મળી. વળી એણે જોયેલું કે બંગલાની પરસાળમાં કાળા રંગના ત્રણ રેઇનકોટ પડ્યા હતા. એમાંથી એક રેઈનકોટની ડાબી બાજુની આખી બાંય પલળેલી હતી. ત્રણેય રેઈનકોટની ફોરેન્સિક તપાસમાં ખબર પડેલી કે ત્રણમાંથી એક રેઈનકોટ પર પહેલી નજરે દેખાય પણ નહીં એવાં લોહીનાં એકાદ-બે સાવ ઝાંખાં ટીપાં બાઝેલાં હતાં. એ વીરચંદનું જ લોહી હતું એ સ્પષ્ટ હતું. ખંજર પર કોઈનાં આંગળાંની છાપ નહોતી. આ ખૂનીઓ બહુ ચાલાક થતાં જાય છે, કરણે વિચાર્યું. કોઈ અજાણ્યાં પગલાંનાં નિશાન નહોતાં. એનો અર્થ એવો થતો હતો કે ઘરનું જ કોઈ ઘાતકી બન્યું હતું!
 અરમાન અને અનિકેત અનીતા અને અનુજા સાથે હાજર હતાં. અમન પણ અંબર સાથે પહોંચી ગયેલો. વિમળાબહેનનું રડવાનું બંધ જ થતું નહોતું.
શોક અને વિષાદભર્યા વાતાવરણમાં પણ ફરજ બજાવવી જ પડતી હોય છે. બક્ષીએ પણ કર્તવ્યના ભાગ રૂપે પૂછપરછ શરૂ કરી: “આ રેઇનકોટ કોના છે?”
અરમાન, અનિકેત અને અમને સ્વીકાર્યું કે રેઇનકોટ એમના જ હતા, પણ ત્રણે રેઈનકોટ એકસરખા હોવાથી કોનો કયો રેઈનકોટ હતો એ કહેવું મુશ્કેલ હતું. પછી કરણ બક્ષીના પૂછવાથી ઘટના બની ત્યારે કોણ ક્યાં હતું તે અંગે સહુ કેફિયત નોંધાવવા લાગ્યા. શરૂઆત અરમાનથી થઇ. એણે કહ્યું કે, “પિતાજી સાથે નાની અમથી બોલાચાલી થઇ હોવાથી હું મનને શાંત કરવા બહાર નીકળી ગયો. એ જ વખતે કમોસમી વરસાદ શરૂ થયો હોવાથી મેં રેઈનકોટ પહેરી લીધેલો. હું પાછો ફર્યો ત્યારે રેઈનકોટ ઉતારતાં મેં જોયું કે પિતાજીના ઓરડાની બત્તી બળતી હતી.”
પછી અનિકેતે કહ્યું કે, “હું પણ એ જ કારણસર બહાર જતો રહેલો. પાછો આવ્યો ત્યારે અમન જીજાની ઓડી એવેન્ટ ગાડી અમારા પોર્ચમાં ઊભેલી જોયેલી. પછી હું રેઈનકોટ પરસાળમાં ઉતારીને મારા કમરામાં સૂવા જતો રહેલો.”
અમને પોતે મોડેથી આવ્યો હોવાનું સમર્થન કરીને કહ્યું કે, “મારે સસરાજીને રૂપિયા ચૂકવવાના હતા એટલે એની વાત કરવા આવેલો. અને થોડી વાર પછી હું જતો રહેલો. એ વખતે વરસાદ બંધ થઇ ગયેલો એટલે મારો રેઈનકોટ અહીં જ રહી ગયો.”
“હંઅં...” કરણ બક્ષીને થયું કે ખૂની આ ત્રણમાંથી જ કોઈ એક છે! અને જેના રેઇનકોટ પર ખૂનના ધબ્બા છે એ જ હત્યારો છે! કોનો છે એ રેઈનકોટ? સંપત્તિ માટે ખૂન કરવામાં કોઈ સંબંધો આડા આવતા નથી. ચાહે એ સંબંધ દીકરાનો હોય કે જમાઈનો. કંઈક વિચારીને કરણે અમનને કહ્યું: “વીરચંદ વિરાણીનું ખૂન કરવા બદલ તમારી ધરપકડ કરવામાં આવે છે!”
“સાબિત કરો!” અમને ઠંડે કલેજે કહ્યું. એને ખાતરી હતી કે પોતે કોઈ પુરાવો પાછળ છોડ્યો નહોતો.
“આપણે ત્યાં સામાન્ય પણે રાઈટ હેન્ડ ડ્રાઈવની ગાડીઓ જોવા મળે છે. પણ તમારી પાસે જર્મન બનાવટની ઓડી ગાડી છે, જેમાં લેફ્ટ હેન્ડ ડ્રાઈવ હોય છે...” કરણ બક્ષીએ સૂક્ષ્મ નિરીક્ષણશક્તિનો પરિચય આપતાં ઠાવકાઈથી કહ્યું: “આ ગાડીમાં બેસનારે પાછળની ગાડી વાળાને સિગ્નલ આપવો હોય ત્યારે ડાબી બાજુએથી હાથ બહાર કાઢવો પડે છે. અરમાન અને અનિકેતની ગાડી રાઈટ હેન્ડ ડ્રાઈવ છે, એટલે એ લોકો ગાડીમાંથી હાથ બહાર કાઢે તો રેઈનકોટની જમણી બાંય પલળે. અને તમારા રેઈનકોટની ડાબી બાંય ભીંજાય. કાલે જે વરસાદ થયો તેમાં તમે કોઈ કારણસર હાથ બહાર કાઢ્યો હશે એટલે જ તમારા રેઇનકોટની ડાબી બાંય ભીંજાઈ ગઈ છે. વળી, વીરચંદને છેલ્લે મળનારા પણ તમે જ હતા. અરમાન પહેલાં આવ્યો, પછી અનિકેત અને પછી તમે. અનિકેત આવ્યો ત્યારે તમારી ગાડી પોર્ચમાં ઊભેલી. તમે પોતે પણ એ કબૂલ કર્યું છે! બોલો, તમે જ ખૂન કર્યું છે ને? ખરું કે ખોટું?”
“હા, મેં જ ખૂન કર્યું છે!” અમન ભાંગી પડ્યો. “સસરાજી મારી પાસે રૂપિયાની કડક ઉઘરાણી કરતા હતા. ગઈ કાલે રાત્રે પણ એમણે મને ફોન કરેલો. મને પારાવાર ગુસ્સો ચડ્યો. એટલે એમનું ખૂન કરવાના ઈરાદે જ હું ખંજર લઈને મોડી રાત્રે નીકળ્યો. એ મને ઓળખી ન શકે એ માટે રેઈનકોટ પહેરીને જ એમના ઓરડામાં ગયો. અમારો જોરદાર ઝઘડો થયો. એમણે અઠવાડિયામાં જ રૂપિયા ચૂકવી દેવાની ચીમકી આપી. ક્રોધમાં મેં એમની પીઠમાં ખંજર ભોંકી દીધું. પણ એમનાં લોહીનાં છાંટા મારા રેઈનકોટ પર ઊડ્યા. એટલે મેં એને હાથેથી જ ભૂંસી દીધા. પછી મને કોઈ જોઈ જાય એ પહેલાં ઝડપથી નીકળી ગયો. પરસાળમાં મેં બે રેઈનકોટ જોયા એટલે મારો રેઈનકોટ ઉતારીને એની સાથે મૂકી દીધો. ગુસ્સામાં મેં એમનું ખૂન કરી નાખ્યું. મમ્મીજી, અંબર મને માફ કરી દો!”
મા-દીકરી નફરતભરી આંખે જોઈ રહ્યાં. એમની આંખમાંથી ફિટકાર વરસી રહ્યો હતો: ફટ ભૂંડા, આખરે તો તું જમ જ
પુરવાર થયો! •


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter