અનુષ્કાનું પુનરાગમન

Thursday 13th January 2022 05:30 EST
 
 

અનુષ્કા શર્મા-કોહલી ત્રણ વરસના લાંબા અંતરાલ બાદ ફરી અભિનય ક્ષેત્રે સક્રિય થઇ છે. હાલમાં જ તેની એક ફિલ્મનું ટિઝર રિલીઝ થયું છે, જેમાં તે મહિલા ક્રિકેટરના વેશમાં જોવા મળી રહી છે. અનુષ્કાએ સોશિયલ મીડિયા પરથી પોતાની આવનારી ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’ ફિલ્મનું ટિઝર રિલીઝ કર્યું છે. આ ફિલ્મ મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બાયોપિક છે, જેમાં અનુષ્કા ઝુલનના રોલમાં જોવા મળશે. અનુષ્કા ફિલ્મના ટિઝરમાં મહિલા ક્રિકેટરના પરિધાનમાં જોવા મળે છે. આ ફિલ્મ દ્વારા અનુષ્કા ત્રણ વરસ પછી અભિનય ક્ષેત્રે પુનરાગમન કર્યું છે.
અનુષ્કાએ સોશ્યલ મીડિયા પર શેર કર્યું હતું કે, આ એક રસપ્રદ અને મારા માટે વિશેષ ફિલ્મ છે. આ ફિલ્મની વાર્તામાં નાયિકાના ત્યાગને જોઇ શકાશે. તેણે વધુમાં લખ્યું છે કે, આજે તમે અમને જોઇ રહ્યા છો, આવતી કાલે અમે તમારી યાદમાં રહેશું.
અનુષ્કાએ ફિલ્મ વિશે જણાવ્યું હતું કે, ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન ઝુલન ગોસ્વામીના જીવન પર આધારિત છે. ઝુલને જ્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો હિસ્સો બનવાનો નિર્ણય લીધો હતો તે પળ દેશ માટે ખરેખર ગર્વ ઉપજાવે તેવી હતી. ગ્લોબલ સ્ટેજ પર મહિલા ક્રિકેટરના કપ્તાન બનીને ઊભું રહેવું એ ઝુલન માટે રમત વાત નહોતી. તેના જીવનસંઘર્ષની વાત આ ફિલ્માં જોવા મળશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter