હૃતિક રોશને દાયકાઓ સુધીની કારકિર્દી દરમિયાન ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર પોતાની અમીટ છાપ છોડી છે. પોતાના અભિનય, ડાન્સિંગ સ્કિલ અને શાનદાર દેખાવને કારણે બોલિવૂડમાં 25 વર્ષ પૂરા કર્યા છે. હવે સિનેમામાં તેમના વિશેષ યોગદાન બદલ રિયાધમાં તેમને જોય એવોર્ડની નવાજેશ કરાઇ છે. એવોર્ડ સ્વીકારતાં હૃતિકે કહ્યું કે મને અહીં નિમંત્રિત કરવા બદલ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનો આભાર માનું છું. ક્રાઉન પ્રિન્સ દૂરદર્શી વ્યક્તિ છે. તેમની સાથે સમય વીતાવવા મળ્યો તેથી હું ઉત્સાહિત છું. આભારી છું. હૃતિકે કહ્યું કે, ‘અહીં મહાન દિગ્ગજો વચ્ચે મને એવોર્ડ મળ્યો છે. 25 વર્ષ થઇ ગયા છે. અભિનય શું છે તેને સમજતાં મને 25 વર્ષ થયા છે. અભિનેતા તરીકે ઉડાન ભરવા હવે હું તૈયાર છું. જો અભિનય ક્ષેત્રે વાપસી કરી શકીશ તો આ પ્રકારના સન્માન માટે થોડો વધુ યોગ્ય બની શકીશ.’ હૃતિક રોશને વર્ષ 2000માં અભિનેત્રી અમીષા પટેલ સાથે ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’થી અભિનયની શરૂઆત કરી હતી. રાકેશ રોશન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં અનુપમ ખેર, મોહનીશ બહલ, દિલીપ તાહિલ અને આશિષ વિદ્યાર્થીએ પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. ફિલ્મ માટે હૃતિકને સર્વશ્રેષ્ઠ ન્યૂકમર અભિનેતા અને સર્વશ્રેષ્ઠ અભિનેતાના ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતા.