અમદાવાદી હેન્ડલૂમ આર્ટ છવાશે કાન્સ ફેસ્ટિવલમાં

Wednesday 15th May 2024 07:48 EDT
 
 

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો આ વીકમાં પ્રારંભ થઇ રહ્યો છે. ફેસ્ટિવલમાં અમદાવાદની અનોખી વિશેષતા આધારિત ફિલ્મ રિલીઝ થવાની છે. કોલકતામાં જન્મેલા અને અમદાવાદ એનઆઈડીમાં ભણેલા ઉપમન્યુ ભટ્ટાચાર્યની ફિલ્મ ‘હેરલૂમ’માં અમદાવાદની પ્રસિદ્ધ હાથશાળ કળા દર્શાવાઇ છે. આધુનિક મશીન ટેકનોલોજીના કારણે અસ્તિત્વ ટકાવવા ઝઝૂમી રહેલા હેન્ડલૂમ આર્ટનો એક સમયે દબદબો હતો. અમદાવાદને પૂર્વના માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવતું હતું. અમદાવાદની સદીઓ પુરાણી ફેશન સેન્સને એનિમેશનની મદદથી આંતરરાષ્ટ્રીય ફલક પર દર્શાવાશે. સાઠના દસકાના અમદાવાદને દર્શાવતી ‘હેરલૂમ’માં યુવા દંપતીની સ્ટોરી છે. કિર્તિ અને સોનલ પોતાના ભૂતકાળની યાદો અને તેની સાથે સંકળાયેલી કહાનીઓની વાત કરતી વખતે પરિવારના ઈતિહાસ અંગે સજાગ થાય છે. પતિ કિર્તિએ હેન્ડલૂમ મ્યુઝિયમ બનાવવા જંગી ખર્ચ કરી નાખ્યો છે અને પત્ની સોનલનું માનવું છે કે, પરિવારના ભવિષ્ય માટે પાવરલૂમનો બિઝનેસ શરૂ કરવો જોઈએ.
અમદાવાદ શહેરની જીવનશૈલી, મિજાજ અને હેન્ડલૂમને એક સાથે રજૂ કરતી આ ફિલ્મ બનાવનારા ઉપમન્યુએ 2014માં અમદાવાદ એનઆઈડી ખાતે એનિમેશન ફિલ્મ ડિઝાઈનનો અભ્યાસ કર્યો છે. ઉપમન્યુ કહે છે કે સમગ્ર ફિલ્મ બેકગ્રાઉન્ડને કાગળ પર કલર અને પેન્સિલની મદદથી દોરવામાં આવ્યું છે. કેરેક્ટર્સને એનિમેશનની મદદથી તૈયાર કરાયા છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરતી વખતે તેમણે પોળ-ગલીઓ, ભવ્ય મકાનો અને સ્થાપત્ય શૈલીના ચિત્રો બનાવવાનું શરૂ કર્યું હતું, જેનો ઉપયોગ પણ ‘હેરલૂમ’માં કરાયો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter