અમિતાભ બચ્ચનને શૂટિંગ વખતે પાંસળીમાં ગંભીર ઈજા

Wednesday 08th March 2023 08:39 EST
 
 

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને હૈદરાબાદમાં ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ના શૂટિંગ દરમિયાન પાંસળીમાં ગંભીર ઇજા થયાના અહેવાલ છે. આ ઘટના પછી અમિતાભ તરત મુંબઈ પાછા આવી ગયા છે અને હવે કેટલાંક સપ્તાહ સુધી તેમણે ઘરે બેડ રેસ્ટ લેવો પડે તેમ છે. અમિતાભને ઇજા થયાનું જાણી તેમના ચાહકોમાં ચિંતાનું મોજું પ્રસર્યું છે. સોશિયલ મીડિયા પર તેમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છાનો ધોધ વહ્યો હતો. ખુદ અમિતાભે પોતાના બ્લોગમાં આ અંગે માહિતી આપી છે. અમિતાભનાં જણાવ્યા અનુસાર તેમને છાતીના પાંજરામાં વાગ્યું છે. એક પાંસળી ફૂલી ગઈ છે જ્યારે જમણી બાજુ માંસપેશી ચિરાઈ ગઈ છે. આ ઇજાની પીડા અસહ્ય હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
તેમણે હૈદરાબાદની હોસ્પિટલમાં સિટી સ્કેન કરાવ્યું હતું. ત્યારબાદ તબીબી સલાહ અનુસાર તેઓ શૂટિંગ રદ કરીને મુંબઈ પરત આવી ગયા છે. હાલ તેઓ ‘જલસા’ બંગલોમાં આરામ હેઠળ છે.
તબીબોએ કેટલાક સપ્તાહ સુધી અનિવાર્ય કારણ સિવાય પથારીમાંથી ઊભા પણ નહિ થવા સલાહ આપી છે. આથી થોડા સમય સુધી તેમનાં તમામ ફિલ્મ શૂટ, એડ શૂટ તથા અન્ય તમામ વ્યવસાયિક કામ ઠપ રહેશે.
અમિતાભ અવારનવાર તેમના ચાહકોને ઝલક આપવા બંગલાનાં ગેટ પર આવે છે પણ હાલ થોડા દિવસો સુધી ચાહકોને ધક્કો નહિ ખાવા પણ જણાવ્યું છે. ‘પ્રોજેક્ટ કે’ ફિલ્મમાં પ્રભાસ અને દીપિકા પાદુકોણ મુખ્ય કલાકારો છે. અગાઉ આ જ ફિલ્મનાં શૂટિંગ વખતે દીપિકા પાદુકોણ માંદી પડી હતી અને તેને હોસ્પિટલ લઈ જવી પડી હતી. આ સાઈ-ફાઇ ફિલ્મ આવતાં વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થવાની છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter