આમિર ખાને તાજેતરમાં રિલીઝ તેની ફિલ્મ ‘સિતારે જમીન પર’ને કચ્છના ખોબા જેવડા કોટાય ગામેથી યુટ્યુબ પર રિલીઝ કરી છે. આ ફિલ્મને કોઇ પણ ઓટીટી પ્લેટફોર્મ રિલીઝ નહીં કરવાનું અગાઉ જ જાહેર કરી ચૂકેલા આમિરે યુટયુબ મૂવીઝ-ઓન-ડિમાન્ડ પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો. અને આ માટે આમિર ખાન શુક્રવારે કચ્છ પહોંચ્યો હતો. ભુજ એરપોર્ટ આગમન થયા બાદ આમિર સીધો જ માધાપર ગામ પહોંચ્યો હતો અને બે દાયકા જૂના મિત્ર ધનાભાઈ ચાડ સાથે મુલાકાત કરી હતી. અહીંથી તે ધનાભાઈ ચાડ અને તેમના પરિવારજનો સાથે સીધો જ કોટાય ગામ પહોંચ્યો હતો. કચ્છ અને આમિર ખાનને જૂનો સંબંધ છે. ‘લગાન’ ફિલ્મનું કચ્છમાં શૂટિંગ કર્યા બાદ આમિર ખાન કચ્છ પ્રત્યે વિશેષ લગાવ ધરાવે છે. આમિર ખાને ભુજથી 35 કિમી દૂર કોટાય ગામની શાળામાં ‘સિતારે જમીન પર’ ફિલ્મને યુટ્યુબ પર રિલીઝ કરી હતી. આ ફિલ્મ થિયેટરમાં બ્લોકબસ્ટર સફળતા મેળવ્યા બાદ હવે યુટ્યુબના મૂવી-ઓન-ડિમાન્ડ સેક્શનમાં રજૂ થઈ છે.
બે વર્ષ બાદ ફરી કોટાય
બે વર્ષ પહેલાં આમિર ખાન કચ્છના આ જ કોટાય ગામમાં આવ્યો હતો. ‘લગાન’ ફિલ્મના શૂટિંગ સમયે મહત્ત્વના સહયોગી રહેલા ધનાભાઈ ચાડના પુત્ર અને યુવા ઉદ્યોગપતિ મહાવીર ચાડનું આકસ્મિક અવસાન થયું હતું. જેથી તેમના પરિવારને દુ:ખમાં સાંત્વના આપવા માટે જે તે સમયે તે મુંબઈથી ખાસ કચ્છ આવ્યાં હતા. હવે બે વર્ષ બાદ શુક્રવારે તે ફરી કોટાય ગામ પહોંચ્યો હતો.
ભૂકંપ વેળા પણ કચ્છની મદદે પહોંચ્યો હતો
‘લગાન’ ફિલ્મનું શૂટિંગ પૂરું થયાના બીજા જ વર્ષે 2001માં કચ્છમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો. ચોમેર તબાહી અને વિનાશના દૃશ્યો જોવા મળતા હતા. આ સમયે આમિર ખાને અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી એટલું જ નહીં, જે પણ સ્થાનિક વ્યક્તિએ ‘લગાન’ ફિલ્મમાં કામ કર્યુ હતું અને ભૂકંપના કારણે તેમને નુકસાન થયું હોય એવા તમામને તેણે આર્થિક મદદ પણ કરી હતી.