આમિર ખાને લીધો એક્ટિંગમાંથી બ્રેક

Wednesday 23rd November 2022 04:58 EST
 
 

આમિર ખાને પોતાની અપકમિંગ ફિલ્મ ‘ચેમ્પિયન’માં એક્ટિંગ નહીં કરવાનો નિર્ણય લીધો છે. આગામી દોઢ વર્ષ સુધી એક્ટિંગના બદલે ફિલ્મમેકિંગ પર ફોકસ કરવાની આમિરની ઈચ્છા છે. ‘લાલ સિંહ ચઢ્ઢા’ ફિલ્મની નિષ્ફળતાથી ગભરાઈને બ્રેક લીધો હોવાની અટકળોને ફગાવી દેતાં આમિર ખાને જણાવ્યું હતું કે, તે ફેમિલી સાથે સમય પસાર કરવા માગે છે. એક્ટિંગની સાથે ફેમિલીને પ્રાયોરિટી આપવાનું અઘરું છે, જેથી તે થોડો સમય બ્રેક લેવા માગે છે.
આમિર અને આર.એસ. પ્રસન્ના સાથે મળીને મોટિવેશનલ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ પ્રોડ્યુસ કરવા તૈયારી કરી રહ્યા હતા. આ ફિલ્મ સ્પેનિશ ફિલ્મ ‘ચેમ્પિયન’ની’ રીમેક છે અને તેને આમિર ખાન પ્રોડક્શન્સ તથા સોની પિક્ચર્સ સાથે મળીને પ્રોડ્યુસ કરવાના છે. ગત વર્ષે અહેવાલ હતો કે, ફિલ્મમાં આમિર પણ મહત્વની ભૂમિકા ભજવવાનો છે, પરંતુ બાદમાં આમિરે માત્ર પ્રોડ્યુસર તરીકે એક્ટિવ રહેવાનો નિર્ણય લીધો હતો. આમિરે ફિલ્મમાં એક્ટિંગ ન કરવાનો નિર્ણય કરીને ફિલ્મ સાથે ફક્ત પ્રોડ્યુસર તરીકે જ જોડાવાનું નક્કી કરતાં અટકળો વહેતી થઈ હતી.
જોકે હવે આમિરે સ્પષ્ટ કર્યું છે કે એક્ટર તરીકે ફિલ્મ કરતી વખતે હું તેમાં ઓતપ્રોત થઈ જઉં છું અને જીવનમાં શું થાય છે તેની ખબર જ નથી રહેતી. ‘લાલ સિંહ ચઢ્ઢા’ પછી ‘ચેમ્પિયન’ કરવાની હતી. તેની સ્ક્રિપ્ટ ખૂબ સારી છે અને હૃદયસ્પર્શી ફિલ્મ બનશે. જોકે મને લાગે છે કે, ફેમિલી સાથે – બાળકો અને માતા સાથે રહેવા માટે થોડો બ્રેક લેવો જોઈએ. ૩૫ વર્ષની ફિલ્મ કરિયરમાં આમિર ખાન પહેલી વખત બ્રેક લઈ રહ્યો છે. ૩૫ વર્ષથી માત્ર કામ પર જ ધ્યાન આપવાના કારણે નજીકના લોકોને અન્યાય કર્યો હોવાનું આમિરને લાગે છે અને સ્વજનોની સાથે રહેવાના ઈરાદે તેમણે બ્રેક લેવાનું વિચાર્યું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter