આયુષ્માન ખુરાન અમેરિકા પ્રવાસ દરમિયાન માત્ર તેના ગીતોથી જ નહીં પરંતુ તેની નમ્રતાથી પણ દર્શકોના દિલ જીતી રહ્યો છે. તેના બેન્ડ ‘આયુષ્માન ભવ’ સાથે શિકાગો, ન્યૂ યોર્ક અને સેન જોસ જેવા શહેરોમાં પરફોર્મ કરી રહેલા એક્ટર-સિંગરને કોન્સર્ટ દરમિયાન ચાહકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. ન્યૂ યોર્ક કોન્સર્ટમાં એવી ઘટના બની જેની ચારેકોર ચર્ચા છે. એક્ટર ન્યૂ યોર્કમાં પરફોર્મ કરી રહ્યો હતો, ત્યારે તેના એક ચાહકે દેશી અંદાજમાં તેના પર ડોલર ફેંક્યા. જે રીતે ગામડાઓ અને શહેરોમાં કોઇ કાર્યક્રમ વેળા કલાકારને બિરદાવવા ચલણી નોટો ઉછાળવામાં ફેંકવામાં આવે છે, તેવી જ રીતે આયુષ્માન પર ડોલર ફેંકાયા હતા. ઘટના બાદ તેનું રિએક્શન જોવા જેવું હતું. તેણે તે જ ક્ષણે કોન્સર્ટ રોકાવીને તે પૈસા કોઈ ચેરિટીમાં દાન કરવા કહ્યું હતું. આયુષ્માનના આ અભિગમની સોશિયલ મીડિયામાં લોકો ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે.
આયુષ્માને સ્ટેજ પર પડેલા ડોલરો તરફ જોઇને હળવા સ્માઈલ સાથે પ્રેમથી ચાહકને કહ્યું હતું, ‘પ્રાજી, આવું ના કરો યાર. મહેરબાની કરીને આ ન કરો. તમે તેને ચેરિટીમાં દાન કરી શકો છો અથવા બીજું કંઈક કરી શકો છો. હું તમારા આ પ્રેમથી ખૂબ જ ખુશ છું. મહેરબાની કરીને કોઈને કીધાં વગર દાન કરી દો. હું આ પૈસાનું શું કરીશ?!’ આયુષ્માન યુએસ ટૂર સાથે આઠ વર્ષ પછી ઈન્ટરનેશનલ મંચ પર પુનરાગમન કર્યું છે. ન્યૂ યોર્ક ઉપરાંત ન્યૂ જર્સી, શિકાગો, સેન જોસ અને ડલ્લાસમાં તેના શો યોજાયા છે.