એક્ટર અમિત મિસ્ત્રીનો હાર્ટ એટેકે ભોગ લીધો

Friday 30th April 2021 06:26 EDT
 
 

અભિનેતા નસીરુદ્દીન શાહની વેબ સીરિઝ ‘બંદિશ બેંડિટ્સ’ના અભિનેતા અને ગુજરાતી થિયેટર આર્ટિસ્ટ અમિત મિસ્ત્રીનું અકાળે નિધન થયું છે. પ્રતિભાશાળી અભિનેતા એવા અમિતની ચીર વિદાયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ગમગીન બની છે. અમિત મિસ્ત્રીને ૨૩ એપ્રિલે વહેલી સવારે હાર્ટ એટેક આવ્યો જે બાદ તેમનું નિધન થયું છે. અમિત મિસ્ત્રી ટીવી જગતનો જાણીતો ચહેરો રહી ચૂક્યા છે. તેમણે ઘણા ટીવી શો કર્યા હતા. તેમણે ‘શોર ઇન ધ સિટી’, ‘હેરા ફેરી’, ‘તેનાલી રમન’, ‘મેડમ સર’ જેવી બોલીવુડ ફિલ્મો અને ‘બંદિશ બેંડિટ્સ’ જેવી વેબ સીરીઝમાં પોતાના અભિનયના ઓજસ પાથર્યા હતા. ગુજરાતી ફિલ્મ ‘બે યાર’માં તેમનો નાનો પણ ખુબ જ દમદાર હતો. ટીવી શો તેનાલી રામનમાં તેઓ બિરબલનાં રોલમાં હતાં. જ્યારે મેડમ સર જેવાં શોમાં પણ તેમણે કામ કર્યુ હતું. આ ઉપરાંત તેઓ સબ ટીવીનાં શો ‘સાત ફેરો કી હેરા ફેરી’ માં નજર આવ્યા હતાં. અમિતના મેનેજર મહર્ષિએ અમિત મિસ્ત્રીનાં નિધન અંગે કહ્યું કે, ‘મને અમિતના નિધનના સમાચાર સાંભળી ભારે આંચકો લાગ્યો છે. તે એકદમ સ્વસ્થ હતો અને પોતાના ઘરે જ હતો. તેને કોઈ હેલ્થનો પ્રોબ્લેમ પણ નહોતો. સવારના નાસ્તા બાદ તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને ઘરે જ નિધન થયું. અમિતનો પરિવાર તેને હોસ્પિટલે પણ ના લઇ જઈ શક્યો. અમિતના નિધનથી ગુજરાતી મનોરંજન જગતને મોતી મોટી ખોટ પડી છે. તેની સાથે કામ કરવું મને ગમતું હતું. મને તેની બહુ યાદ આવશે.’ અમિતની આવનારી ફિલ્મ ‘ભૂત પોલીસ’ છે જેમાં તેમનો નાનકડો પણ દમદાર રોલ છે. વર્ષ ૨૦૦૦થી તેમણે ફિલ્મો અને ટીવી ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. તેમની પહેલી ફિલ્મ પ્રિટી ઝિન્ટા સ્ટારર ‘ક્યા કહેના’ હતી. આ ફિલ્મમાં તે પ્રિટીનાં ભાઇનાં રોલમાં હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter