કાજોલને તાજેતરમાં મુંબઈમાં યોજાયેલા 61મા મહારાષ્ટ્ર રાજ્ય મરાઠી ફિલ્મ પુરસ્કાર સમારોહમાં રાજ કપૂર ગૌરવ પુરસ્કાર એનાયત થયો હતો. અભિનેત્રીને મનોરંજન જગતમાં 33 વરસોના અમૂલ્ય યોગદાન માટે રાજ ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી.
એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો હતો તે જ દિવસે કાજોલનો 51મો જન્મદિવસ પણ હોવાથી તેના માટે આ પુરસ્કાર વિશેષરૂપે યાદગાર બની રહ્યો હતો. આ પ્રતિષ્ઠિત પુરસ્કારમાં ટ્રોફી અને 6 લાખ રૂપિયાની રોકડ પુરસ્કારનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, 2011માં કાજોલને ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. કાજોલ આ પુરસ્કાર સ્વીકારતી વેળાં બહુ ભાવુક થઈ ગઈ હતી. તેણે એવોર્ડ સ્વીકાર્યા બાદ જણાવ્યું હતું કે, આ દિવસ મારા માટે બહુ સન્માનનો છે. મારી માતા તનુજા આ પ્રસંગે મારી સાથે હાજર છે એટલું નહીં, મેં આજે સાડી પણ તેની જ પહેરી છે. આ સાથે એક ખાસ વાત એ પણ છે કે, મારી માતા તનુજાને પણ આ જ મંચ પરથી આ જ પુરસ્કાર માટે સન્માનિત કરવામાં આવી હતી.’