જાપાનમાં RRRના 500થી વધુ શોઃ મ્યુઝિકલ પ્લે સ્વરૂપે પણ રજૂઆત

Friday 29th March 2024 13:04 EDT
 
 

એસ.એસ. રાજામૌલીની ફિલ્મ RRRને જાપાનમાં ભરપૂર આવકાર મળ્યો છે. આ ફિલ્મ છેલ્લા દોઢ વર્ષથી જાપાનના સિનેમાઘરોમાં ચાલી રહી છે, અને તેના 500થી વધુ શો થઇ ચૂક્યા છે. હવે તાજેતરમાં આ ફિલ્મથી પ્રેરિત એક બ્રોડવે થિયેટર સ્ટેજ કરાયું હતું, જે જોવા માટે ફિલ્મના દિગ્દર્શક રાજામૌલી ખુદ પણ પહોંચ્યા હતા. રાજામૌલીએ આને લગતું એક ટ્વિટ પણ શેર કર્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે જાપાનની 110 વર્ષ જૂની થિયેટર કંપની ટાકારાઝૂકાએ RRRને નાટક તરીકે સ્વીકાર્યું છે. ટાકારાઝૂકા એ જાપાનનું ઓલ-ફિમેલ મ્યુઝિકલ થિયેટર ગ્રૂપ છે. કંપનીએ આ ફિલ્મને જાપાનમાં મ્યુઝિકલ પ્લે તરીકે રજૂ કરી છે. સોશિયલ મીડિયા પર આ ઇવેન્ટના ફોટો અને વીડિયો શેર કરતા રાજામૌલીએ લખ્યું હતુંઃ RRRને 110 વર્ષ જૂની ટાકારાઝૂકા કંપની દ્વારા મ્યુઝિકલ પ્લે તરીકે સ્વીકારાયું હતું. તે અમારા માટે ગર્વની વાત છે. હું જાપાની પ્રેક્ષકોનો આભારી છું કે તેઓએ આ બ્રોડવે નાટકને ફિલ્મ જેટલું પસંદ કયું છે. તમારો પ્રતિભાવ જોઈને મને ખૂબ આનંદ થયો. શોમાં તમામ છોકરીઓએ અદ્ભુત ઊર્જા અને પ્રતિભા દર્શાવી હતી. આ પહેલાં રાજામૌલીએ સોમવારે જાપાનમાં ફિલ્મ RRRની સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. આ પ્રસંગે તેઓ તેમના ચાહકોને મળ્યા, જ્યાં એક 83 વર્ષના પ્રશંસકે રાજામૌલીને ઓરિગામિ ક્રેન્સ ભેટમાં આપી. આ ચાહકનો આભાર માનતા રાજામૌલીએ એક ટ્વિીટ પણ કર્યું હતું. રામચરણ, જુનિયર એનટીઆર, અજય દેવગન અને આલિયા ભટ્ટ અભિનીત ફિલ્મ RRR 25 માર્ચ 2022ના રોજ વિશ્વભરમાં રિલીઝ થઈ હતી. જોકે, તે ઓક્ટોબર 2022માં જાપાનમાં રિલીઝ થઈ, તે સમયે રાજામૌલી કલાકારો સાથે ફિલ્મના પ્રમોશન માટે જાપાન ગયા હતા. ત્યારથી, આ ફિલ્મ છેલ્લા દોઢ વર્ષથી ત્યાંના સિનેમાઘરોમાં ચાલે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter