જેકવેલિન ફર્નાન્ડિઝ હાજીર હો!

Wednesday 07th September 2022 08:58 EDT
 
 

જેકવેલિન ફર્નાન્ડિઝ કદાચ તેના નસીબને કોસતી હશે કે, હું શું કામ ઈન્ડિયા આવી અને મેં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો. શ્રીલંકન બ્યૂટિએ ઘણાં ઓછા સમયમાં જ તેના ગ્લેમરસ લૂક અને અદાઓથી ભારતમાં કરોડો ફેન્સ બનાવી તો લીધા પણ કદાચ પૈસા બનાવવાની લાલચ અત્યારે તેને ભારે પડી રહી છે. કૌભાંડી સુકેશ સાથેના સંબંધોનો રાઝ બહાર આવતાં જ ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ જેકવેલિન સામે લાલ આંખ કરી હતી અને તેને અનેક વાર પૂછપરછ માટે બોલાવી હતી. હવે, જેકવેલિનની આસપાસ ગાળિયો કસાઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.
રૂ. 200 કરોડના કૌભાંડી સુકેશ પાસેથી જેકવેલિને લગભગ 7થી 8 કરોડ રૂપિયાની ગિફ્ટ મેળવ્યાનું સામે આવ્યું છે. અનેક મોંઘીદાટ ગિફ્ટ્સની સાથે આ શ્રીલંકન બ્યૂટીની વિદેશમાં રહેતી માતા, બહેન અને ભાઈને પણ કરોડો રૂપિયા મોકલી મદદ કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. જેકવેલિન સહિત નોરા ફતેહી અને બીજી અનેક એક્ટ્રેસનું નામ આ કેસમાં સામે આવી ચૂક્યું છે. ચાલબાઝ સુકેશ અનેક હીરોઈન્સને ફ્રી ગિફ્ટ્સ આપીને તેમની નજીક પહોંચી ચૂક્યો હતો, પરંતુ ફક્ત જેકવેલિન સામે જ ઈડીએ કાર્યવાહી કરતાં જેકવેલિન અકળાઈ છે. જેકવેલિને આ મુદ્દે સવાલ પણ ઉઠાવી ચૂકી છે કે, આ કૌભાંડમાં બીજા પણ સામેલ હતા પરંતુ ઈડી ફક્ત મારી સામે જ કાર્યવાહી શું કરવા કરે છે?
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા જેકવેલિનને સમન્સ પાઠવાયું છે અને તેને 26 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવાનું ફરમાન અપાયું છે. જેકવેલિન પોતાની જાતને આ કેસમાં નિર્દોષ જાહેર કરી ચૂકી છે અને અગાઉ તેણે કહ્યું હતું કે, તેને ખબર જ નહોતી કે, સુકેશ કૌભાંડી છે અને અનેકવાર મારા તરફથી ના પાડવામાં આવી હોવા છતાં સુકેશ તેને ગિફ્ટ અને પૈસાની મદદ કરી રહ્યો હતો. કોર્ટ જેકવેલિનને દોષિત ઠરાવીને જેલના સળિયા પાછળ ધકેલશે કે જેકવેલિન કોર્ટમાં પણ ઈમોશનલ અદાકારીથી સજાથી બચવમાં સફળ રહેશે એ તો સમય જ કહેશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter